અમૃત ઘાયલ ~ જીવ્યો છું * ચિનુ મોદી Amrut Ghayal Chinu Modi
જીવ્યો છું – અમૃત ઘાયલ
શબ્દની આરપાર જીવ્યો છું,
હું બહુ ધારદાર જીવ્યો છું.
સામે પૂરે ધરાર જીવ્યો છું,
વિષ મહીં નિર્વિકાર જીવ્યો છું.
ખૂબ અંદર-બહાર જીવ્યો છું,
ઘૂંટે ઘૂંટે ચિક્કાર જીવ્યો છું.
મધ્યમાં જીવવું જ ના ફાવ્યું,
હું સદા બારોબાર જીવ્યો છું.
મંદ ક્યારેય થઈ ન મારી ગતિ,
આમ, બસ મારમાર જીવ્યો છું.
આભની જેમ વિસ્તર્યો છું સતત,
અબ્ધિ પેઠે અપાર જીવ્યો છું.
બાગ તો બાગ સૂર્યની પેઠે,
આગમાં પૂરબહાર જીવ્યો છું.
હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં,
હું ય બહુ ધોધમાર જીવ્યો છું.
આમ ‘ઘાયલ’ છું અદનો શાયર પણ,
સર્વથા શાનદાર જીવ્યો છું.
~ અમૃત ઘાયલ
ઘાયલનું પોર્ટ્રેઇટ – ચિનુ મોદી
ગઝલકારને આત્મકથા લખવાની ના હોય. એની પ્રત્યેક ગઝલમાંના ઘણા શૅર એની આપવીતીના જ હોય છે. લગભગ ગઝલોનો નાયક અને કવિ એકાકાર હોવાનો અંદાજો મેળવી શકાતો હોય છે. ઘાયલસાહેબની ‘જીવ્યો છું’ રદીફવાળી ગઝલ ઘાયલસાહેબની ખુદ્દાર જીવનશૈલીની જ ઘોતક છે. આ ગઝલ આમ ગણો તો ઘાયલસાહેબની દસ્તાવેજી ફિલ્મની સિગ્નેચર ટ્યૂન બની શકે એમ છે.
ઘાયલસાહેબ ‘જીવ્યો છું’ રદીફ પસંદ કરે છે અને એની સાથે જ, આ ગઝલના પ્રત્યેક શૅરમાં સ્વકીય અનુભવ અંગેનાં બયાન માટે માર્ગ મોકળો કરે છે. આમ તો આપણે જાણીએ છીએ કે આવાં બયાન એ ભાગ્યે જ કાવ્યકારી નીવડે; પરંતુ, ઘાયલસાહેબ કાફિયાની પસંદગી દ્વારા, જીવનના વૈવિધ્યપૂર્ણ અનુભવોને સ્પર્શવાનું બીડું ઝડપે છે. અહીં સાવ સ્થિર થઈ ગયેલ રદીફ ‘જીવ્યો છું’ એ બે પદોને, ગતિશીલ કાફિયા સાથે ઘાયલસાહેબ અથડાવે છે અને આને કારણે, સ્થિરતા અને ગતિનો સંયોગ પ્રત્યેક શૅરમાં શક્ય બને છે. ‘જીવ્યો છું’ જેવું સપાટ બયાન ‘આરપાર ધારદાર’થી માંડી ‘ધોધમાર/ શાનદાર’ સુધીના કાફિયાઓને કારણે કાવ્યકારક બને છે. સ્થિર પદ કે પદસમૂહને ગતિશીલ પદની આ અથડામણ ગઝલેતર સ્વરૂપમાં આટલા બધા પ્રમાણમાં ભાગ્યે જ જોવા મળશે.
આ ગઝલની રદીફના બે પદ ‘જીવ્યો છું’ એ Replaceable છે, તે તપાસવા જેવું છે. આપણી ભાષાની ઘણી ગઝલમાં રદીફનાં પદ બદલાવી પણ શકાતાં હોય છે. આવું જ્યાં શક્ય બને તે ગઝલો નબળી લેખાય. મનોજ ખંડેરિયાની ગઝલ ‘પીછું’માં ‘પીછું’ એ રદીફ છે, એને બદલે અન્ય એટલી જ માત્રાનો શબ્દ મૂકી જુઓ; ગઝલની ઇમારત તૂટીતૂટી પડશે. ‘પીછું’ને ઠેકાણે ‘પંખી’ જ મૂકી જુઓ અને જુઓ, ગઝલની કેવી અવદશા થાય છે! અહીં આ ગઝલમાં ‘જીવ્યો છું’ રદીફ એવી જ અ-નિવાર્ય છે.
પ્રત્યેક શૅરમાં નવા નવા સંદર્ભ આપી, રદીફને જીવતી રાખવાની હોય છે. આ કામ કરવામાં ગઝલ લખનારને મદદરૂપ થાય છે : કાફિયા. કાફિયા ક્યારેક પહેલી પંક્તિના બયાનને, કોરાકટ વિધાનને કાવ્યકારક બનાવવા ખપે લાગે છે; ક્યારેક પહેલી પંક્તિમાં પ્રસ્તુત અર્થને, અશેષ વ્યક્ત કરવા ખપે લાગે છે; તો ક્યારેક કાફિયા કેવળ શ્રાવ્ય ઇમેજ ઊભી કરે છે. આ ગઝલમાં
‘હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં’ બહુ ધોધમાર જીવ્યો છું.’
બીજી પંક્તિ, પહેલી પંક્તિના કોરાકટ વિધાનના સપાટપણાને ભૂંસી નાંખે છે.
આભની જેમ વિસ્તર્યો છું સતત,
અબ્ધિ પેઠે અપાર જીવ્યો છું.
અહીં બીજી પંક્તિ અર્થવિસ્તારી બને છે ‘સર્વથી શાનદાર જીવ્યો છું’ માં શ્રાવ્યસંતર્પક અનુભવ થયો ? એકથી વિશેષ મત્લાની આ ગઝલ ઘાયલસાહેબના જોસ્સેદાર વ્યક્તિત્વને પોટ્રેઈટ કરે છે.
આ ઉપરાંત ઘણા કારણોસર આ ગઝલ ગમે છે પણ – ‘કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે.’
www.kavyavishva.com
મૂળ પોસ્ટિંગ 11.6.2022
‘ઘાયલ’ની આરપાર ગઝલ જેવો જ શાનદાર આસ્વાદ. ખૂબ સુંદર.
“આ ગઝલ આમ ગણો તો ઘાયલસાહેબની દસ્તાવેજી ફિલ્મની સિગ્નેચર ટ્યૂન બની શકે એમ છે.” ક્યા બાત..
ગઝલ અને આસ્વાદબંને વાંચવાની મઝા આવી ગઈ.
ગઝલ અને આસ્વાદ અદભુત
વાહ
મજા આવી ગઈ
વંદન
ખૂબ જ જાણીતી ગઝલ, ખાસ એના ગઝલના બંધારણ ના અનુસંધાન માં યાદ રાખવા જેવી છે.