બરકત વિરાણી ‘બેફામ’ ~ પ્રતાપસિંહ ડાભી

ગઝલક્ષેત્રે અનુબાલ-કલાપી યુગમાં નરસિંહરાવ દિવેટીયા જેવા કડક વિવેચકના મુખેથી નીકળેલા આકરાં વેણનાં દંડથી ચુસ્તી તરફ આગળ વધેલી ગઝલે શયદાયુગના ઉત્તરભાગે જાણે કે એક મોટી ક્રાંતિ આણી. એમાં પણ ૧૯૪૩ માં શરૂ થયેલા  ‘મહાગુજરાત ગઝલ મંડળ’એ મુશાયરાઓના વ્યાપક ધમધમાટ થકી ગુજરાતના ગઝલચાહકો સામે, ગઝલકારોની મોટી ફોજ ખડી કરી દીધી. શયદાના નેતૃત્વ હેઠળ શૂન્ય, ગની, મરીઝ, બેફામ, સૈફ, ઓજસ, ઘાયલ, રતિલાલ ‘અનિલ ‘જેવી એક આખી પેઢી થકી ગુજરાતી ગઝલે કવિતાના મુખ્યપ્રવાહમાં જોડાવા માટેની એક પીઠિકા ઊભી કરી આપી છે પછીથી આદિલ-ચિનુ-મનોજ-રાજેન્દ્ર વગેરેએ મૂર્તિમંત કરી આપ્યું. આ બધામાં તરન્નૂમમાં રજૂઆતથી મેદાન મારી જતા કવિ બેફામ સૌથી અલગ પડતા.

ભાવનગર જિલ્લાના શિહાર તાલુકાના ધાંધલી ગામે ખોજા પરિવારમાં તા. ૨૫ નવેમ્બર ૧૯૨૩ના રોજ જન્મ લેનાર બરકતઅલી હુસેનઅલી વિરાણી ૧૪-૧૫ વર્ષની ઉંમરે જ ભાવનગરના પ્રતિષ્ઠિત શાયર કિસ્મત કુરેશી પાસેથી છંદનું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને થોડા જ ઇસ્લાહ પછી સ્વતંત્ર ગઝલરચના કરતા થઈ જાય છે. કિશોરાવસ્થામાં જ ગઝલ સાથે નાતો રચાઈ જાય છે.

ભાવનગર આવેલા શયદા સહેબ સમક્ષ ગઝલ રજૂ કરતા એમણે બરકતઅલીને મુંબઈ આવવા આમંત્રણ આપ્યું, જેનો સ્વીકાર કરી મુંબઈ ગયા. શયદા દ્વારા ચલાવાતા ‘બે ઘડી મોજ’માં તો નોકરી ના મળી શકી પરંતુ મરીઝ જ્યાં કામ કરતા હતા તે ‘વતન’ દૈનિકના વ્યવસ્થા વિભાગમાં જોડાયા. મરીઝ સાથેના એક મુશાયરાના બીજા દિવસે મરીઝનું સૂચન કે ‘તું ગઈકાલે બોલ્યો હતો એવી જ ગઝલો લખજે’ – થકી વાગેલો ધક્કો અને એ પછી જીવનમાં સાંપડેલા કટુ અનુભવ અને એવા જ કડવી વેલના ફળ જેવા મનુષ્યોના‌ ધક્કાઓએ જે સંતાપ કરાવ્યો, જે હૃદયશૂળ આપ્યાં એ ઊર્મિઓએ ‘બેફામ’ ની ગઝલ સફર કંડારી.

કવિની અનેક ગઝલોમાં ડગલે ને પગલે આ શૂળ સતત ડોકાયા કરે છે.

જે કંટક પાથરે છે, એને ક્યાં છે કંઈ ખબર મારી? / કે હું ચાલી રહ્યો છું જ્યાં, નથી એ રહેગુજર મારી

ઘાવ કરનારા! તમારા હાથ ના હેઠા પડે, / મારા જીવનને હજી તો હું જ ઘડતો જાઉં છું

જોઈ શકાશે કે સમયના અંતરાલ સાથે કવિની આંતરપીડ ઘટ્ટ થતી ગઈ છે. ‘પ્યાસ’ ની પ્રસ્તાવનામાં કવિ આનો એકરાર આમ કરે છે: “જે જગતમાં રડવું પડે છે જીવીને મન હ્રદયના દુઃખ દર્દ અને જીવનની માઠી દશા ભોગવવાં પડે છે, એ સાથે જ જગતનો માર પણ ખાવો પડે છે. જો કે આપણી જાત સાથે જોડાયેલું જગત તો નાનું અને જોડાયેલા આસપાસના માનવીઓ પણ ઓછાં હોય છે અને એ પણ પાછાં પક્ષપાત અને પૂર્વગ્રહપ્રેરિત. રાગ-દ્વેષ(વિશેષ તો દ્વેષ)થી આપણી રસભૂમિને રણભૂમિ બનાવી જીવનસંગ્રામ ખેલનારા પણ હું સ્વભાવે સૈનિક નથી, ભીરુ પણ નથી પણ ભલાઈની ભાવના ધરાવતો સાધુ જેવો નહીં તોયે શાંતિવાંચ્છુ માનવી છું. તે છતાં જીવનની એક સંગ્રામ રૂપે ગણના થતી હોવાથી મારે ભાગે તો આઘાતમાં અકળાવાનું અને પ્રત્યાઘાત માં પીડાવાનું જ આવે છે.”

આવા પ્રત્યાઘાતના સંચલનમાંથી નિરંતર વહેતો પીડાનો ભાવ છે તો પ્રણયભંગ અને તેના લીધે ઉપસ્થિત વિરહની કસક પણ આ પીડાની વચ્ચે જ ઘૂંટાતી જોવા મળે છે.

મોતની યે બાદ તારી ઝંખના કરતો રહ્યો / કે તું જન્નતમાં મળે એવી દુઆ કરતો રહ્યો.   (માનસર)

કંઈ એમ એનો પ્યારનો ચૂકતે હિસાબ છે / જાણે કરી દીધું છે હૃદય પણ પરત મને (ઘટા)

જમાનાએ આપેલી પીડા કે પ્રણયભંગ, બન્ને કિસ્સામાં જોઈ શકાશે કે કવિની અભિવ્યક્તિમાં સમય સાથે પુખ્તતા વધતી દેખાય છે. જો કે ‘બેફામ’ની ગઝલોમાં તેઓના સમકાલીન મરીઝ કે ઘાયલ જેવું ગહન કાવ્યતત્વ જોવા મળતું નથી. મહદઅંશે ‘હજઝ’ અને ક્યારેક ‘રમલ’ છંદમાં વહેતી બેફામની ગઝલોમાં, અટકવું પડે તેવા સ્થાનો બહુ ઓછાં આવે છે. સામાન્ય રીતે બે વિરોધોને સામસામા ટકરાવી એમાંથી જ ચમત્કૃતિ સાધવાનું વલણ જણાય છે. ગઝલોના ભાવવિશ્વ પણ સંગ્રહ દર સંગ્રહ કે ગઝલ દર ગઝલ ખાસ નવા અનુભવ કરાવતા નથી. હા, માનસર (૧૯૬૦) નાં વીસ વર્ષ પછી આવેલા પ્યાસ (૧૯૮૦) માં અભિવ્યક્તિમાં ઊર્મિનો ઉછાળ સંયત કરી એને કાવ્યત્વ તરફ લઈ જવાનો પ્રયાસ જરૂર જણાય છે.

પ્રમુખ ભાવ પીડા અને જમાના સામે ફરિયાદનો અને સાથોસાથ ચાલતા પ્રણયરૂદનની વચ્ચે વચ્ચે કયાંક અધ્યાત્મ અને ચિંતનના ચમકારા મળી જાય છે ખરા! :

ઉપયોગી ન્હોતી વસ્તુઓ જીવનની મોતને / પહેરેલ વસ્ત્રમાંથી કફન થઈ શક્યું નહીં (માનસર)

ફાડું છું એક વસ્ત્ર, વણી લઉ છું હું બીજું / મારામાં એક કૈસ છે તો એક કબીર છે

‘બેફામ’ નો વાચ્યાર્થ તો હવે સાવ જ જુદો થઈ ગયો છે. બોલચાલની ભાષામાં એ શબ્દનો અર્થ, ‘હદથી વધારે કે અસ્તવ્યસ્ત’ કંઈક એવો પકડાય છે; પરંતુ મૂળ ફારસી ભાષાના આ શબ્દનો અર્થ કંઈક આમ છે: ‘બે’ એટલે રહિત-વિનાનું , અને ફહેમ એટલે સમજ(sense). મતલબ કે સમજ વિનાનું, ના સમજ. બેફામની ઊડીને આંખે વળગે એવી એક વિશિષ્ટતા એ કે મકતાના શેરમાં મોટેભાગે પોતાનું તખ્ખલુસ ઉપયોગમાં લે છે ને બીજી વિશિષ્ટતા એ કે મકતાના શેર વિશેષ તો ‘મરણ’ ને લગતા જ હોય .જો કે આ પ્રકારના મક્તા ‘માનસર’ માં નથી પરંતુ ‘ઘટા’ પછી જ એની શરૂઆત થઈ છે.

બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, / નહિં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

રા.વિ. પાઠક જેવા કાવ્યમર્મજ્ઞને પણ ગમેલો અને બેફામની ઓળખ સમો મરણવિષયક આ મક્તા જીવન અને મરણની ફિલસુફી આબાદ રીતે અભિવ્યક્ત કરે છે. આ સિવાય પણ કેટલાક  મરણવિષયક મકતાઓ સારા છે .

જીવનને જીવવાની તો કદી નવરાશ પણ નહોતી / મળ્યો કેવી રીતે બેફામ મરવાનો સમય તમને?

મરનારનાં ય જૂથ જુદા હોય છે અહીં / બેફામ એટલે તો કબર ફરતી વાડ છે

લાગે છે ફૂલ એ જ ચઢાવી ગયા હશે, / બેફામ નહિં તો કેમ કબર પર મહક નથી?

આવા અનેક શેર બેફામની રચનાઓમાં મળે છે. બેફામની એ વિશિષ્ટતા બની રહે છે કારણકે અન્ય કોઈ કવિએ આટલા મરણવિષયક મક્તા લખ્યા નથી.

પરબ (૧૯૯૭) સંગ્રહને યાદ કરવો રહ્યો એમાંના ૧૭ જેટલા ગીતોના લીધે. બેફામના આ સર્જન વિશે બધાને બહુ જાણ નથી. ચુસ્ત લયાવર્તનોમાં રચાયેલા છે એ ગીત ! કેટલાક ગીતો ચાર અંતરા સુધી પણ વિસ્તર્યા છે. ‘કાજળવરણી કાયા, રજની-કાજળવરણી કાયા’ – મુખડાવાળું ગીત તો પાંચ અંતરાવાળું છે. ‘ગોતી ગોતીને મારે ગાવાં છે ગીત’ ગીતમાં ષટકલમાં ચાલતા અંતરાનો લયહિલ્લોળ જોતાં તો એમ કહેવાનું મન થાય કે બેફામે ગઝલની એકવિધતાને- એકવિધ ભાવોને બાજુ પર રાખી આ મારગે ખેડાણ કર્યું હોત તો એમની પાસેથી સારા ગીત મળી શક્યા હોત.

‘પરબ’ સંગ્રહને એક બીજા કારણસર પણ યાદ કરવો પડે. એમાં કવિએ ‘પદ્યકાલીન ગુજરાતનો પ્રવાસ’ શીર્ષક હેઠળ ગુજરાતના કેટલાક કવિઓને મુક્તક થકી શબ્દાંજલી અર્પણ કરી છે. એમા ગઝલેતર કવિતા પ્રકારના કવિઓ પણ છે. નરસિંહ, મીરાં, અખો, નર્મદ, કાન્ત, ન્હાનાલાલ, કલાપી, મેઘાણી, બ.ક.ઠા., ખબરદાર, નરસિંહરાવ, બોટાદકર, શ્રીધરાણી, પ્રહલાદ પારેખ, કાગ, વેણીભાઈ વગેરેને યાદ કરનાર કવિ બેફામના આ મુક્તકો ભલેને કાવ્યત્વની દ્રષ્ટિએ એટલાં ઉત્તમ ના હોય પરંતુ એટલી સાબિતી તો જરૂર આપે જ છે કે તેઓ ગઝલસ્વરૂપ સાથે એકાંગીપણે જોડાયેલા ન હતા પરંતુ કવિતાનાં અન્ય પ્રકારોની જાણકારી પણ સુપેરે ધરાવતા હતા. તેઓના પૂર્વસુરી અને સમકાલીન ગઝલકારો પણ સ્વાભાવિક રીતે જ આ શબ્દાંજલી પામ્યા છે.

પોતાના સમકાલીન મરીઝ-ઘાયલની તુલનાએ સાહિત્યિક સ્તરે આજે બેફામ ભલેને ના પોંખાતા હોય પરંતુ મુશાયરાયુગમાં એમનો ભવ્ય દબદબો હતો. લહેકદાર તરન્નૂમથી તેઓ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેતા હતા. શયદાસાહેબના જમાઈ એવા કવિ બેફામ એક અદના ઇન્સાન હતા. શયદા સાથેના તેઓના સંબંધ મધુર નહોતા. આમ છતાં તેઓના દેહાવસાન પછી તેઓને શબ્દાંજલી આપતા મુક્તકો પણ  મળે છે જે એમની અંદરના સંવેદનશીલ ઈન્સાનનો પરિચય કરાવે છે.  

તેઓ ગુજરાતી સિનેમા સાથે સંલગ્ન હતા. તેમણે ગુજરાતી ચલચિત્ર મંગળફેરા (૧૯૪૯)માં અભિનય કર્યો હતો અને અનેક ફિલ્મો જેવી કે ‘અખંડ સૌભાગ્યવતી’ (1963), ‘કુળવધુ’ (1997), જાલમસંગ જાડેજા, સ્નેહબંધન વગેરે માટે ગીતો લખ્યા હતા. ‘નયનને બંધ રાખીને’, ‘થાય સરખામણી તો ઉતરતા છીએ’, ‘મિલનના દીપક સહુ બુઝાઇ ગયા છીએ’ જેવા લોકપ્રિય ગીતો તેમણે લખ્યાં  હતાં.

પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’

*****   

બરકતઅલી ગુલામહુસેન વિરાણી ‘બેફામ’

સાહિત્યક્ષેત્ર : કવિતા, ટૂંકી વાર્તાઓ, નાટકો, રેડિયો નાટકો અને ફિલ્મી ગીતો   

કવિના ગઝલસંગ્રહો 1. ‘માનસર’ (૧૯૬૦)  2. ઘટા(૧૯૭૦)  3. પ્યાસ (૧૯૮૦)  4. પરબ (૧૯૯૭ મરણોત્તર)

જન્મ : 25 નવેમ્બર 1923 ધાંધળી જિ. ભાવનગર

જીવનસાથી : રૂકૈયા

અવસાન : 2 જાન્યુઆરી 1994, મુંબઈ

જીવન : બરકતઅલીનો જન્મ ૨૫ નવેમ્બર ૧૯૨૩ના રોજ ભાવનગર જિલ્લાના સિહોર નજીક ઘાંઘળી ગામમાં થયો હતો. તેઓ બાળપણથી સાહિત્યમાં રસ ધરાવતા હતા અને ૧૪ વર્ષની વયે તેમણે પ્રથમ ગઝલ લખી હતી.  ભાવનગરમાંથી તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું. કિસ્મત કુરેશીએ તેમને કવિતા અંગેની સમજ આપી હતી. ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા માટે તેમણે મેટ્રિકનો અભ્યાસ પડતો મૂક્યો હતો. શયદાના સૂચન પરથી તેઓ ૧૯૪૫માં મુંબઈ આવ્યા. તેઓ ત્યાં મરીઝને મળ્યા અને પછીથી આકાશવાણી રેડિયોમાં જોડાયા. ૧૯૫૨માં તેમના લગ્ન શયદાની જયેષ્ઠ પુત્રી રુકૈયા સાથે થયા.

OP 26.11.20

***

લલિત ત્રિવેદી

24-09-2021

સરસ આલેખન… અભિનંદન

છબીલભાઈ ત્રિવેદી

24-09-2021

બરકત વિરાણી બેફામ વિષે ખુબજ વિસ્ત્રુત માહિતી આપી ડાભી સાહેબે ખુબ સારી રીતે બેફામ સાહેબ ના જીવન, કવન ને રજુ કર્યા શયદા સાહેબ તેવખત ના પ્રસિદ્ધ ગઝલકાર ના જમાઈ અેવા બફામે ઘણી ઉમદા રચના ઓ આપી છે,,, બેફામ તોયે બહુજ થાકી જવાયુ બાકી જિંદગી નો રસ્તો છે ઘર થી કબર સુધી,, બન્ને દિગ્ગજ રચનાકાર ને વંદન આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: