પરવીન શાકીર ~ અશોક ચાવડા * Parvin Shakir * Ashok Chavda

કરાંચીમાં જન્મેલા શાયર પરવીન શાકિરનું માત્ર પાકિસ્તાનનાં ઇતિહાસમાં જ નહીં, પણ આધુનિક ઉર્દૂ સાહિત્યમાં મોખરાનું સ્થાન છે.

પરવીન શાકિરનો સાહિત્ય-પ્રવેશ નિબંધલેખનથી થયો જે આગળ જતાં કવિતા અને કટારલેખન સુધી વિસ્તર્યો. શરૂઆતના ગાળામાં પરવીન શાકિર ‘બીના’ ઉપનામથી લખતાં. અહમદ નદીમ કાઝમી તેમનાં ઉસ્તાદ હતાં. પરવીને પોતાના સાહિત્ય પ્રવેશ વિશે એક મુલાકાતમાં એમ કહ્યું હતું કે ‘હું બહુ નાની હતી પણ મને એ ખબર હતી કે શબ્દ મને આકર્ષિત કરેછે. શબ્દનો ધ્વનિ, તેની ખુશ્બૂ, તેનો સ્વાદ હું અનુભવી શકતી હતી. પરંતુ આ બધું શબ્દના અભ્યાસ સુધી જ સીમિત હતું. એ વિચાર ઘણો પાછળથી આવ્યો કે કદાચ હું શબ્દ લખી પણ શકું છું. અને આમ મારા લેખનનો પ્રારંભ થયો.’ પરવીનનાં દરેક કાવ્યસંગ્રહોમાં મુખ્યત્વે ગઝલ અને નઝમ જોવા મળે છે. આ બંને સ્વરૂપ વિશેષ લોકભોગ્ય છે, કારણ કે ગઝલમાં ગઝલકારની અનુભૂતિને સાંભળનાર કે વાંચનાર પોતાના વૈયક્તિક ભાવવિશ્વ સાથે તાલમેલ સાધી પોતાની ભાવાનુભૂતિ જેમ અનુભવી શકે છે. ગઝલ કરતાં નઝમમાં કવિ સવિશેષ વધારે ખૂલે છે, કારણ કે અહીં બે મિસરાના શેર કરતાં વધારે મિસરા સુધી વાતને લઈ જવાની મોકળાશ છે. જોકે પરવીનને આઝાદ નઝમ વધુ માફક આવી છે. પણ એય માનવું રહ્યું કે ગઝલમાં પરવીન ખૂલે છે એવાં બીજે ક્યાંય ખૂલતાં નથી અને એટલે જ અહીં સવિશેષ અવતરણરૂપે ગઝલના શેર જ નોંધ્યા છે. પરવીનની ગઝલોમાં તેમજ નઝમોમાં નિરૂપાતાં સંવેદનો, પ્રેમ, દર્દ,પીડા સહેજે કુત્રિમ નથી લાગતા. મુગ્ધાવસ્થાની સહજ લાગણીઓ તેમની કવિતામાં આવતાં નીખરી ઊઠે છે. ઉર્દૂ સાહિત્યના ઇતિહાસમાં કોઈ કવિ તો શું કોઈ કવિયત્રીએ પણ પરવીન શાકિર જેમ ‘સ્ત્રી’ હોવાના અહેસાસને આટલી સચોટ રીતે રજૂ નથી કર્યો. પરવીનની કવિતામાં આવતી સંવેદનાઓ સહેજે મુખર થયા વિના હૃદય સોંસરવી ઊતરી જાય છે. તેમની કવિતામાં આવતું કૌંટુંબિક દર્દ પણ આપણને આપણું હોય તે રીતે સ્પર્શે છે. પરવીનની કવિતામાં પ્રતીક્ષાની પીડા હોય કે પ્રેમ હોય કે વેદનાનો ભાવ હોય એ એટલાં સહજ રીતે વણાઈ જાય છે કે એનો ભાર કવિતાને નથી લાગતો.

આ ઉચ્ચ કાવ્યપ્રતિભા પરવીન શાકિરનું જીવન યાતનાઓથી જ છલોછલ હોવા છતાં પણ તેમણે ક્યારેય આત્મસન્માન ગુમાવ્યું ન હતું. તેમની કવિતામાં આવતી સ્ત્રીસંવેદના પણ એક સન્માન સાથે જ વાત કરે છે. ૧૯૭૬માં તેમનાં લગ્ન ડૉ. નસીર હૈદર સાથે થયાં હતાં, જે આગળ જતાં ડિવોર્સમાં પરિમણ્યા હતાં. આ વક્રતા તો જુઓ. પરવીન શાકીર ૧૯૮૬માં પાકિસ્તાન સરકારમાં ઉચ્ચ હોદ્દો મેળવે છે તો ૧૯૮૭માં પતિ સાથે તલાક થાય છે.આ બધી ઘટનાઓ પરવીનના જીવન-કવનમાં બખૂબી વણાઈ ગઈ છે. આમ, લગ્ન બાદ તેમની વ્યાવસાયિક અને સાહિત્યિક બેઉ કારકિર્દી બુલંદીઓ પર હતી. તેમને મુરાદઅલી નામનો એક દીકરો છે, જેની જવાબદારી લગ્નવિચ્છેદ બાદ પરવીનના શિરે જ હતી. પરવીનને મુરાદપ્રત્યે ખૂબ જ લગાવ હતો. તેને તે ‘ગીતુ’ના હુલામણા નામે બોલાવતી. મુરાદ પ્રત્યેનું વાત્સલ્ય પરવીનના ‘ખુદકલામી’ કાવ્યસંગ્રહમાંની કવિતાઓમાં જોવામળે છે. આ સંગ્રહ મુરાદને જ અર્પિત છે. પતિ સાથેના સંબંધ-વિચ્છેદથી પરવીન જરાય વિચલિત નહોતા થયા. આ વિશે પરવીનના મૃત્યુ બાદ તેમની માએ એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘જે પંખીઓના માળા ઉજડતા ન જોઈ શકતી હોય તે કઈ રીતે પતિથી જુદા થઈ હશે.’ પરવીન આ વાતનો ખુલ્લો એકરાર કરે છે.

કૈસે કહ દૂં ઉસને મુઝે છોડ દિયા હૈ ; બાત તો સચ હૈ મગર બાત હૈ રુસ્વાઈકી.

*

મેરે છોટે સે ઘરકો કિસકી નજર હે ખુદા લગ ગઈ ; કૈસી કૈસી દુઆઓં કે હોતે હુએ બદદુઆ લગ ગઈ.

પરવીનની કવિતાનું એક સબળ પાસું છે, તેમની સચ્ચાઈ. કવિયત્રી પોતાની સચ્ચાઈ એટલી સાહજિકતાથી વર્ણવી જાય છે કે કવિતા કવિતા ન રહેતા પરવીનનું આત્મકથાનક બની જાય છે, તેમ છતાં તે કવિતા માત્ર પરવીન સુધી સીમિત નથી રહેતી પણ લાખો-કરોડો ભાવક-હૃદયની વાત બની જાય છે. પોતાની માતાને અર્પણ કરેલ ‘સદબર્ગ’ નામનાં કાવ્યસંગ્રહની પરવીનનીપ્રસ્તાવનાનો એક અંશ પરવીનનાં ખંડિત-પીડિત હૃદયનો આર્તનાદ વ્યકત કરે છે : “જિંદગીના વેરાન જંગલની વિપત્તિમાં સચ્ચાઈ જ્યારે ઢળતા સૂરજના સમયે સાથે મળી જાય છે ત્યારે આ પૃથ્વી પર અને પરલોકમાં માત્ર એક જ પોકાર બાકી રહી જાય છે અને તે છે ‘હે જગતના પાલનહાર! તું જ અમને મદદ પહોંચાડી શકે છે. તું જ અમને ઉગારી શકે છે.’ પરંતુ જે સમાજમાં આદેશ, તાકાત કે થનારી કદરનો નંબર રદબાતલ થઈ ગયો હોય… અને આપણા સ્વમાનનું મૂલ્ય કોડીઓને ભાવે પણ ઉપજતું ન હોય ત્યાં આપણી સચ્ચાઈ, આપણી ભલાઈનો અવાજ સાંભળનાર કોઈ હોય તો આવે ને? એવા સમયે તો કાન બહેરા થઈ જતા હોય છે અને આંખો બંધ થઈ જતી હોય છે અને મારો કોઈ અપરાધ હોય તો એ છે કે હું એક એવા કબીલામાં જન્મી જ્યાં વિચાર કરવો ગુનામાં શુમાર થાય છે, પણ કબીલાવાળાઓથી ભૂલ આ થઈ કે એ લોકોએ મારો જન્મ થતાં જ મને જમીનમાં દાટી દીધી નહીં (અને હવે દીવાલમાં ચણી દેવી એ પણ શિષ્ટાચારની રૂએ એમને માટે આસાન રહ્યું નથી.) પ્રત્યેક ઇન્કાર પર મારા શરીરમાં એક ખીલો ઉમેરાતો ગયો. આ સિલસિલો ચાલતો જ રહ્યો પરંતુ આ ખીલા જડનારાઓ કોઈ વિરોધ કરી શક્યા નહીં. કદાચ એ લોકો જાણતા હતા કે મારી આંખોમાં જે ચળકાટ છે એને ઝાંખો પાડવાથી મારી અંદરની રોશનીમાં લેશ માત્ર ફરક પડવાનો નથી. અથવા આ થતા અત્યાચારનો માત્ર આનંદ મેળવવા મૂંગા સાક્ષી બની ગયા હોય. મેં નિર્દોષોનું વહેતું લોહી જોયું છે. તેઓ મારી સામેથી લોહી નીતરતા પસાર થયે જતા હતા છતાંય હું પેલા પીડિતોનું નામ પણ પૂછી શકતી નહોતી, કારણ કે એમ કરવાથી વફાદારી શંકાનું રૂપ ધારણ કરી લેતી હોય છે.” પરવીન આ વાત ગઝલમાં આમ લખે છે :

મૈં સચ કો સચ ભી કહૂંગીમુઝે ખબર હી  થી; તુઝે ભી ઇલ્મ  થા મેરી ઇસ બુરાઈકા.

પરવીન શાકિરના પ્રથમ સંગ્રહનું નામ ‘ખુશ્બૂ’ હતું, અને ‘માહ-એ-તમામ’ છેલ્લો કાવ્યસંગ્રહ. આ છેલ્લો કાવ્યસંગ્રહ તેમનાં મૃત્યુના બે માસ પહેલાં જ પ્રકાશિત થયો હતો. ‘ખુશ્બૂ’ને વિવિધ રીતે પોતાના શેરમાં સમાવે છે, જેમકેઃ

વો તો ખુશ્બૂ હૈ હવાઓમેં બિખર જાએગા ; મસઅલા ફૂલ કા હૈ ફૂલ કિધર જાએગા.

પરવીન જીવનના દરેક દુઃખને સહજતાથી સ્વીકારી લેતાં. સમગ્રયતા પરવીનનું કવન એનાં જીવનનાં તડકા-છાંયા જ દર્શાવે છે. પરવીનની ગઝલ હોય કે નઝ, સ્ત્રીની ઉંમરના દરેક પડાવને પરવીને પીડા સાથે પરોવ્યાં છે. પરવીનને જેટલી સુખ-સાયબી, માન-મરતબો મળ્યા એથી વધારે દુઃખો પણ મળ્યા છે. પરવીન જ્યારે મંચ પર હોય ત્યારે એમની ઉપસ્થિતિ અન્ય કવિઓ કરતાં નોખી તરી આવે છે. કોઈ વિશ્વસુંદરી જેવી સુંદર પરવીનની રજૂઆત પણ સુંદર હતી. પરવીનને એક મુશાયરામાં એક યુવાને ઊભા થઈને કહ્યું, ‘મૈંને આજ તક ઇતના ખૂબસુરત શાયર નહીં દેખા’. તો પરવીન એને મંચ પરથી જ સંભળાવે છે: ‘મિયાં, લડકોં કી તરહ બાત કરો મુઝસે. ઐસી બાતે લડકિયાં કરતી થી. જબ મર્દ શેર પઢતા હો તો શાયર કી નહીં શેરકી તારીફ કરતે હૈ.’

બશીર બદ્ર પરવીનને ‘મર્દાના શાયરા’ કહીને નવાજતા. ‘પરવીન શાકિર ધરતી પરના કામોની ગૂંચ ઉકેલવામાં વિશ્વાસ રાખે છે, આકાશ સાથે ઝઘડો કરી લેવાના મિજાજમાં ક્યારેય નહીં’ એવું કહીને ખાલિદા હુસૈન પરવીનને મીરાં સાથે સરખાવે છે. પરવીનને વાંચીએ અને વિચારીએ ત્યારે એનો પ્રેમ મીરાંના પ્રેમની યાદ ન અપાવે તો જ નવાઈ! આ વાત સાથે આપણે પણ સહમત થઈએ એવા પરવીનના શેર જોવા જેવા છે :

યહ હવા કૈસે ઉડા લે ગઈ આંચલ મેરા ; યૂં સતાને કી તો આદત મેરે ઘનશ્યામ કી થી.

*

હવા મેરે જૂડે મેં ફૂલ સજાતી જા ; દેખ રહી હૂં અપને મનમોહન કી રાહ.

૨૬ ડિસેમ્બર ૧૯૯૪ ના રોજ દરરોજની જેમ ઓફિસે જવા નીકળેલાં પરવીન શાકિરની કાર ઇસ્લામાબાદના માર્ગ પર એક બસ સાથે અથડાઈ. ડ્રાઈવર સ્થળ પર જ મૃત્યુ પામ્યો અને ગંભીર રીતે ઘવાયેલાં પરવીન શાકિર હોસ્પિટલમાં જ ૪૨ વર્ષની વયે જન્નતનશીન થઈ ગયાં. અવસાનના થોડા દિવસો પહેલાં જ તેમના લગ્નસંબંધનો અંત આવી ગયોહતો. જાણે કે આ સામાજિક બંધનોમાંથી મુક્તિ મેળવવાની સાથે જ તેમને તમામ સાંસારિક બંધનોમાંથી પણ મુક્ત થવું હશે. તેમનાંજ શબ્દોમાં જોઈએ તો :

મૌત કી આહટ સુનાઈ દે રહી હૈ દિલમેં ક્યુ ; ક્યા મુહોબત સે બહુત ખાલી યે ઘર હોને કો હૈ.

પરવીન શાકિરના અકાળે અવસાનથી ઉર્દૂ સાહિત્યનો એક સશક્ત અને સાચુકલો સ્ત્રી અવાજ કાયમને માટે મૌન થઈ ગયો. જોકે પરવીન શબ્દદેહે આજે પણ હયાત છે. પરવીનને પોતાનાશબ્દોમાં અખૂટ વિશ્વાસ હતો અને પોતાની હયાતીમાં એટલે જ આમ લખ્યું હશે.

મર ભી જાઉં તો કહાં લોગ ભૂલા હી દેંગે ; લફ્જ મેરેમેરે હોને કી ગવાહી દેંગે.

પરવીનનો આ શેર આજેય તેમની કબર પર કોતરાયેલો છે. આમ, પરવીન શાકિરનું નામ એ રીતે પણ પાકિસ્તાનના ઇતિહાસમાં અમર રહેશે કે પ્રથમ વાર કોઈ સ્ત્રીએ સ્ત્રી હોવાના ગૌરવને પોતાની કવિતામાં ઉજાગર કર્યું અને કેટલાયે મૂંગા નારીઅવાજોને વાચા આપી.

* * *

ઉર્દૂ કવયિત્રી પરવીન શાકિર

જન્મ  :  24 નવેમ્બર 1952, કરાંચી    

અવસાન 26 ડિસેમ્બર 1994, ઇસ્લામાબાદ

માતા-પિતાનું નામ : અફઝલ-ઉન-નિસા *  શાકિર હુસૈન  

જીવન અને કાર્યક્ષેત્ર પરવીનનું હુલામણું નામ ‘પારા’ હતું. ઉચ્ચ કોટિની કવિયત્રી પરવીનનો અભ્યાસ અને કારકિર્દી પણ ઉચ્ચ હતાં. પરવીને ૧૯૯૬માં મેટ્રિક થયાં બાદ સર સૈયદ ગર્લ્સ કૉલેજમાંથી ૧૯૬૮માં ઇન્ટર મીડિયટ કર્યા બાદ જામિયા કરાંચીમાંથી ૧૯૭૧માં બી.એ. થયાં. ૧૯૮૦માં અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ. કર્યું. ત્યારબાદ અબ્દુલ્લા ગર્લ્સ કૉલેજમાં અંગ્રેજીના વ્યાખ્યાતાં બન્યાં. ‘રોલ ઑફ મીડિયા ઇન ૧૯૭૧ વોર’ વિષય પર શોધનિબંધ લખીને તેમણે પીએચ.ડી.ની પદવી મેળવી. તેમને હાર્વડ યુનિવર્સિટીની સ્કોલરશિપ મળતાં ૧૯૯૦-૯૧નું શૈક્ષણિક વર્ષ તેમણે સેન્ટ જોસેફ કૉલેજ અને ત્રિનિટી કૉલેજ ખાતે ફુલબ્રાઇટ કોન્સોર્ટિયમ સ્કોલર તરીકે અમેરિકામાં વિતાવ્યું અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં એમ.બી.એ. કર્યું. ૯ વર્ષ સુધી અધ્યાપન ક્ષેત્રે કાર્યરત રહ્યાં બાદ તેઓ પાકિસ્તાન સિવિલ સર્વિસમાં કસ્ટમ વિભાગમાં જોડાયાં. ત્યાર બાદ ઇસ્લામાબાદમાં સી.બી.આર.માં સેક્રેટરી તરીકે ૧૯૮૬માં નિમણૂક પામ્યાં. એવું પણ સંભળાય છે કે પરવીન શાકિર જ્યારે ૧૯૮૨માં પાકિસ્તાન સિવિલ સર્વિસીસની પરીક્ષા પાસ કરી તે વખતે તે સ્પર્ધાત્મક પરીક્ષામાં તેમની કવિતા વિષેનો જ એક દીર્ઘ સવાલ પૂછાયો હતો, જે આ કવયિત્રીની સાહિત્યસજ્જતા અને લોકપ્રિયતાની ચરમસીમા છે.

સર્જનના ક્ષેત્રો : કવિતા, લેખો                              

કાવ્યસંગ્રહો :

1. ‘ખુશ્બૂ’ (૧૯૭૬), ‘અદમજી ઍવોર્ડ’

2. ‘સદબર્ગ’ (૧૯૮૦),  3. ‘ખુદકલામી’ (૧૯૯૦),  4. ‘ઇન્કાર’ (૧૯૯૦), 5. ‘માહ-એ-તમામ’ (૧૯૯૪)

‘કૂફ-એ-આઈના’ (૧૯૯૬) મરણોત્તર કાવ્યસંગ્રહ

‘ગીતાંજલિ’નો ઉર્દૂ અનુવાદ

કાવ્યસંબંધી પુસ્તકો અને સન્માનો : 

1. પાકિસ્તાન સરકારનો સર્વોચ્ચ ઍવોર્ડ ‘પ્રાઇડ ઑફ પર્ફોમન્સ’

2. પ્રેસિડેન્ટ ઍવોર્ડ   3. ફૈઝ અહમદ ફૈઝ ઇન્ટરનેશનલ ઍવોર્ડ

19.1.21

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: