હરિવંશરાય બચ્ચન

પંડિત આનંદશંકર ધ્રુવ કહે છે, ‘કવિ આર્ષદૃષ્ટા છે, મંત્રદૃષ્ટા છે.’ ભલે આવા કવિઓ જૂજ હોય તો પણ સારા કવિઓમાં આ લક્ષણ ક્યારેક ક્યારેક પ્રગટતું રહેતું હોય છે. ક્યારેક ક્યારેક એની વાણીમાં સરસ્વતીદેવી પ્રગટતી હોય છે. ક્યારેક એ એવું સર્જન રજૂ કરી દેતો હોય છે કે ન માત્ર લોકહૈયે વસે પરંતુ અમર બની જાય… ગુજરાતી ભાષાના કવિ રમેશ પારેખ -જેમને પૂ. મોરારીબાપુ ‘કંઈક ભાળી ગયેલો કવિ’ કહે છે-નો આમાં સમાવેશ કરી શકાય. કવિ રમેશ પારેખે આપણી ગુજરાતી ભાષામાં ધોધમાર અને અદભૂત સર્જન આપ્યું છે. આજે એમનો જન્મદિવસ ઉજવતા ‘કાવ્યવિશ્વ’ હરખે ઉભરાય છે. ‘કાવ્યવિશ્વ’ના આઠે આઠ વિભાગ, ‘સંવાદ’થી ‘સંચય’ સુધી તમામ, આજે રમેશ પારેખને સમર્પિત છે. દરેક વિભાગમાં આજે રમેશ પારેખ પ્રસર્યા છે.

હિંદીના ધુરંધર કવિ હરિવંશરાય બચ્ચનનો જ્ન્મ પણ 27 નવેમ્બર ! કેટલો સુખદ સંયોગ છે ! કદાચ આ તારીખનું કોઈ નવું ભાગ્ય હશે કે જેણે બબ્બે ધુરંધરોને જન્મ આપ્યો ! આ હિંદુસ્તાનનું સૌભાગ્ય છે. અભિનેતા અમિતાભ બચ્ચનને તો આજે એકેએક દેશવાસી જાણે છે. એમના પિતા કવિ હરિવંશરાય બચ્ચનની પ્રતિભા પણ સાહિત્યજગતના ઇતિહાસમાં અને લોકહૃદયે સોનેરી અક્ષરે અંકાઇ છે.

પાંચ કલાઓ – સ્થાપત્ય, શિલ્પ, સંગીત, ચિત્ર અને કાવ્ય, જેમાં કાવ્ય સૌથી પ્રભાવશાળી માધ્યમ છે. કદાચ એટલે જ કવિના જીવન વિશે લોકોને જાણવાની વધારે ઇંતેજારી હોય છે. ‘તમે કવિતા કેવી રીતે લખો ?’ આવા પ્રશ્નનો ઉત્તર લગભગ દરેક સારા કવિને આપવાનું બન્યું હોય. અહીં કવિ હરિવંશરાય બચ્ચનના સર્જન સંબંધિત થોડી વાતો પ્રસ્તુત છે. 

બચ્ચનજીને નાની વયથી કવિતા લખવાનું ગમતું. અલબત્ત તેઓ કવિતા લખી લખીને કબાટમાં સંતાડી દેતા. ક્યારેય પ્રકાશિત કરવા ન મોકલતા. એમને ડર હતો કે ક્યાંક ‘સાભાર પરત’ થશે તો પોતાની લખવાની હિંમત તૂટી જશે. કદાચ પોતે લખવાનું જ બંધ કરી દેશે, એવીય દહેશત ખરી ! જેમના પ્રથમ કાવ્યસંગ્રહને સામયિકોએ અને વિવેચકોએ ઉમળકાથી વધાવી લીધો, જેમની ‘મધુશાલા’એ લોકોના દિલ ડોલાવી દીધા, એવા જન્મજાત પ્રતિભાસંપન્ન કવિની શરૂઆતમાં આ સ્થિતિ હતી.

એમના મિત્ર પ્રફુલ્લચંદ્ર ઓઝા ‘મુક્ત’ એમના ઘરે આવતા-જતા રહેતા. મિત્રના પિતાનું એટલું મોટું નામ હતું કે કવિ નિરાલાએ પોતાના કવિતાસંગ્રહ ‘અનામિકા’ની ભૂમિકા એમની પાસે લખાવડાવી હતી. આ મિત્રે ક્યાંકથી એમની રચનાઓ વાંચી લીધી, પ્રભાવિત થયા અને ચૂપચાપ કાગળ પર ઉતારી લીધી. બચ્ચનજીને પૂછ્યા વગર એમણે આ કવિતાઓ સામયિકમાં મોકલી આપી અને બચ્ચનજીની પહેલી કવિતા જબલપુરથી પ્રકાશિત થતાં સામાયિક ‘પ્રેમા’માં છપાઈ. કવિને સ્વાભાવિક ખુશી જ થાય. એમનો આત્મવિશ્વાસ વધી ગયો, પેલો ડર રફુચક્કર થઈ ગયો.

બચ્ચનજીએ લખ્યું છે કે લગભગ દરેક કવિ/લેખકનો શરૂઆતનો સમય આવો જ હોય છે. એનું કારણ એ કે એની ભાવનાઓ અને કલ્પનાઓ એકદમ તાજી અને એની પોતાની હોય છે એટલે નગ્ન હોય છે. એમાં કલાનું આવરણ નથી હોતું. એ પછીથી કેળવાય છે.

બચ્ચનજીનો પહેલો કવિતાસંગ્રહ ‘તેરા હાર’ 1932માં છપાયો. આ સંગ્રહના પ્રકાશનની વાતો પણ રસપ્રદ છે. તેઓ  કવિતાસંગ્રહ ‘તેરા હાર’ છપાવવા માગતા હતા. એ સમયે મુન્શી કન્હૈયાલાલ સંપાદક તરીકે જાણીતા હતા. મુન્શીજી સાથે બચ્ચનજીને કૌટુંબિક સંબંધો હતા. એમને મુન્શીજી પાસે જઈને પોતાની ઇચ્છા બતાવી. મુન્શીજીએ સંગ્રહ છપાવડાવી દીધો પણ સંપાદક તરીકે પોતાનું નામ ‘મુન્શી કન્હૈયાલાલ M. A. LL. B.’ છપાવ્યું. જેમાં એમણે કોઈ પ્રકારનું સંપાદન કર્યું જ નહોતું. અરે, સરનામું પણ મુન્શીજીનું જ રહ્યું ! રોયલ્ટીનો તો સવાલ જ નહોતો. પુસ્તકની કિંમત હતી એક રૂપિયો. છપાયેલી હજાર કોપીમાંથી બચ્ચનજીને અઢીસો કોપી મફત મળી ! સર્જકો માટે પરિસ્થિતિ એ સમયે પણ સરખી જ હતી. હા, કવિને અઢીસો કોપી ભેટ આપનાર પ્રકાશક આજે મળે નહીં એ નક્કી.

જે દિવસે ‘તેરા હાર’ પુસ્તક પ્રકાશિત થયું, બચ્ચનજી ખભા પર પોતાને મળેલી ફ્રી કોપીઓનું બંડલ લઈને જતા હતા અને આનંદ એટલો હતો કે એમને લાગ્યું કે જાણે પગ નહીં, પાંખો લાગી ગઈ છે. ‘મારો પહેલો કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો’ એ શબ્દોનો જાણે મનમાં સતત પડઘાતા હતા. રસ્તામાં એમના એક સંબંધી, શ્યામ ગોપાલ શિવલી મળ્યા અને પૂછ્યું, ‘શું લઈને જાઓ છો ?”

બચ્ચનજીએ લખ્યું છે, “આનાથી વધારે સુખદ સવાલ જીવનમાં ભાગ્યે જ કોઈએ પૂછ્યો હશે !”

એનાથી યે મોટી વાત એ હતી કે જ્યારે બચ્ચનજીએ ભાવવિભોર થઈને કહ્યું કે મારો પહેલો કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો છે અને એ લઈને જાઉં છું ! પછી એમણે બંડલ ખોલીને એક કોપી એમને ભેટ આપવાની કોશિશ કરી ત્યારે શ્યામગોપાલજીએ કહ્યું,

“હું તારું પહેલા પુસ્તકની પહેલી કોપી મફત નહીં લઉં. ખરીદીશ ! પહેલી બોણી ભાગ્ય નિર્માણ કરે છે. ઈશ્વર કરે ને તારા પુસ્તકો લાખોમાં વેચાય !”

બચ્ચનજીના માતાજી કહેતા કે દિવસમાં એકવાર સરસ્વતીદેવી ખુદ આવીને આપણી જિહવા પર બેસે છે. એમને લાગ્યું કે એ સમયે શ્યામગોપાલજીની જિહવા પર ખરેખર સરસ્વતીદેવી બેઠા હતા !                                                             

બચ્ચનજીના એ કાવ્યસંગ્રહ વિશે ઘણા સામયિકોમાં લખાયું. લેખકો સંપાદકોએ એની અઢળક પ્રશંસા કરી. ‘તેરા હાર’પ્રગટ થયું એ દિવસોમાં બચ્ચનજી પ્રયાગ મહિલા વિદ્યાપીઠમાં ભણાવતા હતા. મહાદેવી વર્મા નવા આચાર્ય તરીકે આવ્યા. બચ્ચનજીએ એમને પોતાનું પુસ્તક ભેટ આપ્યું. મહાદેવીજીએ કહ્યું, “હાર તો મોતી-માણેકનો  હોય. ફૂલોની તો માળા બને.” ત્યારે બચ્ચનજીએ એમની વાત સાંભળી લીધી પણ જવાબમાં મહાદેવીજીને એમની જ એક રચનાની પંક્તિ  સંભળાવી,

चढ़ा न देवो के चरणों पर, गूंथा गया न जिसका हार |

એ દ્વારા એમણે એ પણ બતાવી દીધું કે તેમણે મહાદેવીજીનો કાવ્યસંગ્રહ ‘નિહાર’ ધ્યાનથી વાંચ્યો છે.

‘તેરા હાર’ તેમનો પહેલો કાવ્યસંગ્રહ, જે ખૂબ વખણાયો પણ તેમણે મેદાન માર્યું ‘મધુશાલા’થી !

એમણે ‘રુબાઇયાત ઉમર ખૈયામ’નો અનુવાદ કર્યો હતો. એનું પરિણામ એ આવ્યું કે જાણે એમના હૃદયની સુરાહીનું ઢાંકણ કોઈએ ખોલી નાખ્યું. નોંધપાત્ર બાબત છે, આટલા મોટા કવિની નમ્રતા ! અહીં સ્પષ્ટ સમજી શકાય છે કે ઉમર ખૈયામની રુબાઈયોનો પ્રભાવ એમના પર પડ્યો અને ‘મધુશાલા’ રચાઇ જેનો એ જાહેરમાં સ્વીકાર કરે છે. એક બાજુ એમણે ઉમર ખૈયામની રુબાઈયોનો અનુવાદ પૂરો થયો અને જાણે મદિરાની ધાર વહી ચાલી,  ‘મધુશાલા’માં….  ‘સરસ્વતી’ મેગેઝીનમાં ‘મધુશાલા’ની દસ રચનાઓ છપાઈ, કાશીમાં એમણે એનું પઠન કર્યું અને તેઓ એકદમ મશહૂર થઈ ગયા. મુશાયરાઓમાં મધુશાલાની રચનાઓના પઠને જબરી વાહ વાહ મેળવી. લોકો એના શબ્દો અને પઠન પર ફિદા થઈ જતા. હજુ મધુશાલાના કાવ્યો પુસ્તકરૂપે નહોતા આવ્યાં. ‘અભ્યુદય’ પ્રેસે એ રચનાઓ છાપવા માંગી અને કહ્યું કે‘વેચાશે તો રોયલ્ટી મળશે !’કવિએ આવી બાબતોમાં સમર્પિત ભાવ જ કેળવવાનો હોય છે !! બચ્ચનજીએ એ જ કર્યું !

‘મધુશાલા’ પુસ્તકે એમને જબરજસ્ત કવિયશ અપાવ્યો. હિંદુસ્તાન ટાઇમ્સે એમને ‘હિંદીના ઉમર ખૈયામ’ કહ્યા. મધુશાલાની પહેલી રચનાના પઠન પછી તરત એની પેરોડી બનવાની શરૂ થઈ ગઈ હતી અને પછી તો એની એક એક રચનાઓની અનેક પેરોડી બની.   

તેઓ લખે છે કે હું સામાન્ય માણસ છું, એના કારણે જ હું લોકો સાથે ઐક્ય અનુભવું છું. મને આવતા જન્મોમાં પણ સામાન્ય માણસ તરીકે જ જીવવું ગમશે. નવા કવિઓએ લોકજીવનના ધબકારા ઝીલવા જોઈએ એના વગર પરિપક્વતા ન આવે. આગલી પેઢીના પ્રભાવને ઝીલવો જોઈએ પણ એનાથી દબાવું ન જોઈએ. સર્જકનો અવાજ મુક્ત હોવો જોઈએ – ઉદાહરણ આપતા બચ્ચનજી લખે છે કે સર્જકનો અવાજ મુક્ત હોવો જોઈએ – જેમ કે ‘અબ તો બાત ફૈલ ગઈ, જાને સબ કોઈ.’ મીરાંની આ પંક્તિમાં ‘તો’નો પ્રયોગ કેટલો સાહજિક અને છતાં પ્રભાવશાળી રીતે વ્યક્ત થયો છે!  

આ જ કારણ છે કે બચ્ચનજીની કવિતા ભાવકો સાથે સીધો સંવાદ સાધે છે, એને વચ્ચે કોઈ માધ્યમની જરૂર નથી.

બચ્ચનજી લખે છે કે કોઈપણ સર્જક પોતાની સર્જનપ્રક્રિયાની વાત કરે તો એ અધૂરી જ હોવાની. આ પ્રક્રિયાને પૂરી વર્ણવવી અશક્ય છે. વૈજ્ઞાનિક આવું કરી શકે પણ કવિ નહીં. કેમ કે વૈજ્ઞાનિક વાસ્તવનો જેવી રીતે ઉપયોગ કરે છે એવી રીતે કવિ નથી કરતો. સર્જકનું વાસ્તવ વસ્તુલક્ષી નથી હોતી. સર્જકનું વાસ્તવ એની મનોસ્થિતિનું વાસ્તવ હોય છે. એ એની દૃષ્ટિ અને વિચારધારાનું વાસ્તવ હોય છે અને દૃષ્ટિ કે વિચારધારા જડ નહીં, પરિવર્તનશીલ અને પ્રગતિશીલ હોય છે. જે સર્જકોની દૃષ્ટિ અને વિચારધારા પરિવર્તનશીલ નથી હોતી તેઓ વિકસતા નથી. તેઓ સર્જનના શિખરો પ્રાપ્ત કરી શકતા નથી.   

સામાન્ય રીતે દરેક મહાન સર્જક સાથે થતું હોય છે કે ભાવકો એમની રચનામાં એમના જીવનનું પ્રતિબિંબ નિહાળતા હોય. અનેક વાર ભાવકો બચ્ચનજીની કવિતાને એમના જીવન સાથે જોડી દેતા અને એ સંદર્ભે પત્રો લખતા. ક્યારેક તેઓ સાચા હોય ક્યારેક તેમનો ભ્રમ પણ હોય. પોતાના સર્જન માટે બચ્ચનજી લખે છે કે કવિતા મારી અનુભૂતિઓનો આયનો છે પણ ઘણી વાત એવી હોય કે જે કવિતામાં ન કહી શકાય. એના માટે ગદ્ય જોઈએ. આથી એમને આત્મકથા લખવાની જરૂર લાગી અને લખાઈ. આત્મકથામાં પોતાના હૃદયને અશાંત કરતા રહેતા ભાવો એમણે વ્યકત કર્યા છે. પોતાની મર્યાદાઓ, ખામીઓ, ભૂલો અને પશ્ચાતાપો દિલ ખોલીને વ્યક્ત કર્યા છે. ભાવકો સુધી પોતાની સઘળી વાતો પહોંચાડીને એમની પીડા શાંત થઈ. તેઓ દૃઢપણે માને છે કે સાહિત્યમાં સત્યની પ્રતિષ્ઠા જ સર્જકને ઊંચાઈ બક્ષે છે.

એમની એક અતિ વિખ્યાત રચના

जो बीत गई सो बात गई.. 

जीवन में एक सितारा था, माना वह बेहद प्यारा था
वह डूब गया तो डूब गया
अम्बर के आनन को देखो, कितने इसके तारे टूटे, कितने इसके प्यारे छूटे
जो छूट गए फिर कहाँ मिले
पर बोलो टूटे तारों पर, कब अम्बर शोक मनाता है
जो बीत गई सो बात गई.

*****

કવિ હરીવંશરાય શ્રીવાસ્તવ બચ્ચન : હિંદી ભાષાના સૌથી વધુ લોકપ્રિય કવિઓમાંના એક. 

સાહિત્યક્ષેત્રે : કવિતા, વાર્તા, અનુવાદ અને અન્ય.  

તેમના કુલ છવ્વીસ કાવ્યસંગ્રહો છે અને એ ઉપરાંત વાર્તાઓ સહિત ગદ્યસાહિત્યના ચોવીસ પુસ્તકો પ્રકાશિત થયેલાં છે. એમની આત્મકથા ચાર ભાગમાં પ્રકાશિત થઈ છે જેના અનેક સંસ્કરણો થયા છે.   

સન્માનો

એમની કૃતિ ‘દો ચટ્ટાને’ સાહિત્ય અકાદમી પુરસ્કાર 1968

સોવિયેત લેન્ડ નહેરુ પુરસ્કાર તથા એફ્રો એશિયાઈ સમ્મેલનનો કમલ પુરસ્કાર 1968

‘સરસ્વતી સમ્માન’ બિડલા ફાઉન્ડેશન તરફથી એમની આત્મકથા માટે

ભારત સરકાર તરફથી ‘પદ્મ ભૂષણ’ સમ્માન 1976

ભારત સરકારે એમના સન્માનમાં રૂ. 5ની ટપાલટિકિટ બહાર પાડી.   

*****

જન્મ : 27 નવેમ્બર 1907, અલ્હાબાદ

માતા-પિતા : સરસ્વતીદેવી અને પ્રતાપનારાયણ શ્રીવાસ્તવ  

જીવનસાથી : શ્યામા બચ્ચન અને તેમના મૃત્યુ બાદ તેજી બચ્ચન

સંતાનો : અમિતાભ બચ્ચન, અજિતાભ બચ્ચન 

અવસાન : 18 જાન્યુઆરી 2003, મુંબઈ

જીવન : અલ્હાબાદના એક કાયસ્થ પરિવારમાં એમનો જન્મ થયો. બાળપણમાં પરિવારના લોકો એમને બચ્ચન કહેતા, જેનો અર્થ બચ્ચા, બાળક થાય છે. પછીથી તેઓએ આ જ શબ્દ સ્વીકારી લીધો. અંગ્રેજી સાહિત્યમાં M.A. કર્યા પછી કેમ્બ્રીજ યુનિવર્સિટીમાંથી ડબલ્યુ બી. યીટ્સની કવિતાઓ પર Ph. D કર્યું. અલ્હાબાદ વિશ્વવિદ્યાલયમાં તેઓ અંગ્રેજીના અધ્યાપક હતા. ત્યાર બાદ તેઓ ભારત સરકારના વિદેશ મંત્રાલયમાં હિંદીના વિશેષજ્ઞ રહ્યા. રાજ્યસભાના સભ્યપદે પણ એમને સેવાઓ આપી.

*****

(હરિવંશરાય બચ્ચનની આત્મકથાને આધારે)     

OP 9.1.21

***

સુરેશ જાની

24-06-2021

जो बीत गई सो बात गई..
બહુ જ ગમતીલા શબ્દો .
સરસ જીવન ચરિત્ર લેખન . ગમ્યું .

Jayshree Patel

24-06-2021

બહુ સરસ લેખ. ખરેખર કવિમિત્રો જૂહુ પર સાંભળવા મળતા વહેલી સવારે.. આનંદ મળતો..તેમના કાવ્યો નીડ કા નિર્માણ ફિર ફિર બહુ પ્રિય હતું

Purushottam Mevada, Saaj

13-04-2021

આદરણીય લતાજી,
આપનો હરિવંશરાય બચ્ર્ઘચન વિષે નો લેપ સરસ માહિતી સભર છે. ‘રાષ્ટ્ર ભાષા કોવિદ’ ની પરીક્ષા મેં આપી ત્યારે તેમનું એક કવિતા પુસ્તક અભ્યાસમાં હતું એવું યાદછે. આપણા ધુરંધર કવિ ર.પા. નું પુસ્તક, ‘ છ અક્ષરનું નામ’ મેં ઘણીવાર વાંચ્યું છે. આટલી સરસ મહેનતથી લેખકોએ આપનું અભિયાન વધાવી લીધું છે એ ખૂબજ આનંદની વાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: