દેવેન્દ્ર ભટ્ટ ~ હરિને કેમ લખાશે કાગળ ?

હરિને કેમ લખાશે કાગળ ~ દેવેન્દ્ર ભટ્ટ

હરિને કેમ લખાશે કાગળ

પ્રથમ લખું જો અંતર્યામી, પછી લખું શું આગળ .. હરિને

લખી લખીને ભૂંસ્યા કરતો, ચિત્ત ચડે ચકરાવે

હરિ કલમથી લખવા પ્રેરે, એ જ પછી અટકાવે

સુગંધ થઈને રહે પમરતો, હરિ પુષ્પ પર ઝાકળ .. હરિને

ભલે લખું હું હરિને હર પળ, હરિ તો મનને વાંચે

છૂપું રહે ના તેનાથી જગમાં, બને ખૂણે કે ખાંચે

આગળ રહીને માર્ગ ચીંધતો, રહી પીઠની પાછળ .. હરિને

થઉં તમારો કાગળ કાના, રખે રાખતાં કોરો

મરમી છો તમ મારા મનના, અર્થ કાઢજો ફોરો

અઢી અક્ષરમાં હરિ તો હાજર, નહિ અવઢવ કે અટકળ .. હરિને

દેવેન્દ્ર ભટ્ટ (ભાવનગર)

એવું કહેવાય છે કે કવિ કલ્પનાને સહારે કવિતા કરતા હોય છે. પણ કવિ જ્યારે સાચી અનુભૂતિને સહારે કવિતા કરે, ત્યારે વાત કંઈ ઓર બનીને નીખરી આવે છે. કલ્પનને કવિતાનો શણગાર કહીએ, તો અનુભૂતિ એ કવિતાનો પ્રાણ કહેવાય. એવું જ કંઇક આપણને આ ગીત કહી જાય છે. ગીતના ઉપાડમાં હરિને કેવું સંબોધન કરવું તેની મીઠી મુંઝવણ પ્રથમ અંતરામાં કવિને ચકરાવે ચડાવે છે તો બીજા અંતરામાં કવિ હરિની ગિરફ્તમાં આવી જઇ તેમના મનનો કબજો ગુમાવતા જણાય છે. તો ત્રીજા અંતરામાં કવિ U TURN લઈને પોતે કાગળ બની જાય  છે અને હરિને લખવા વીનવે છે. અંતમાં, પરાકાષ્ઠા સ્વરૂપે હરિ અઢી અક્ષરના “પ્રેમ” શબ્દને કવિના દેહપત્ર પર લખી દે છે. આખીય રચનાનો મુખ્ય સૂર હરિનું સર્વજ્ઞપણું છે અને અંતે હરિના ચરણમાં સમર્પણ છે.

સુરેન્દ્ર કડિયા

OP 6.10.22

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: