સુરેશ દલાલ ~ ભટકી ભટકીને Suresh Dalal
ભટકી ભટકીને
ભટકી ભટકીને મારા થાક્યા છે પાય
હવે પંથ મારો ચાલે તો ચાલું ;
પોપચાં બિડાય ત્યારે ખૂંચે અંધાર
અને ઊઘડે ત્યાં સળગે અજવાળું.
વેદનાનું નામ ક્યાંય હોય નહીં એમ જાણે
વેરી દઉં હોંશભેર વાત;
જંપ નહીં જીવને આ એનો અજંપો
ને ચેનથી બેચેન થાય રાત.
અટકે જો આંસુ તો ખટકે; ને લ્હાય મને
થીજેલાં બિંદુઓ જો ખાળું!
સોસવાતો જાઉં છું સંગના વેરાનમાં
ને મારે એકાંત હું અવાક્.
આઘે જવાના કોઈ ઓરતા નહીં ને અહીં
થોભ્યાનો લાગે છે થાક;
આંખડીના પાણીને રોકી રોકીને, કહો–
કેમ કરી સ્મિતને સંભાળું ?
~ સુરેશ દલાલ
નકરા અજંપાનું ગીત. ન ઇસ પાર, ન ઉસ પાર જેવી મનોસ્થિતિ. હરખે હરખાય નહીં તોય દુખનું કોઈ નામ નહીં! ‘આઘે જવાના કોઈ ઓરતા નહીં ને અહીં થોભ્યાનો લાગે છે થાક’ આટલી પંક્તિ બહુ પ્રચલિત થઈ ગઈ છે. એકલતા આભડી ગઈ છે એવા લોકો માટે જ જાણે!
કવિ તો ક્યારના પરમ શાંતિમાં પોઢી ગયા. એમનું આ મજ્જાનું ગીત એમના જન્મદિવસે…. (આ કવિતા છે જે દુખની હોય તોય સુખ આપે!)
OP 11.10.22
પ્રતિભાવો