દલપત પઢિયાર ~ કોની રે સગાયું * Dalpat Padhiyar  

અમને કોની રે સગાયું આજ સાંભરે
ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે…
કોની રે સગાયું આજ સાંભરે

કોઈ પાળ્યું રે બંધાવો ઘાટે ઘોડા દોડાવો
આઘે લ્હેર્યુંને આંબી કોણ ઊઘડે…
કોની રે સગાયું આજ સાંભરે

આજે ખોંખારા ઊગે રે સૂની શેરીએ,
ચલમ-તણખા ઊડે રે જૂની ધૂણીએ;
અમને દાદા દેખાય પેલી ડેલીએ…
કોની રે સગાયું આજ સાંભરે

માડી વાતું રે વાવે આ ઉજ્જ્ડ ઓટલે,
ખરતાં હાલરડાં ઝૂલે રે અદ્ધર ટોડલે;
ઊંચે મોભને મારગ કોણ ઊતરે…
કોની રે સગાયું આજ સાંભરે

કોઈ કૂવા રે ગોડાવો કાંઠે બાગો રોપાવો,
આછા ઓરડિયા લીંપાવો, ઝીણી ખાજલીયું પડાવો;
આજે પરસાળ્યું ઢાળી સૌને પોંખીએ…
અમને સાચી રે સગાયું પાછી સાંભરે.

દલપત પઢિયાર

એકાંત અને સ્મરણ બેલડીમાં જીવે. સ્મરણ ક્યારેક સુખદ હોય, ક્યારેક દુખદ પણ એ છોડીને જાય નહીં. આ સ્મરણ ‘ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે’ જેટલાં પ્રબળ છે. ભાવક પર એ રેલાયા વગર રહેતા નથી. મન આ સ્મરણના ઓછાયાને આંબવા ઘોડે ચડવા આતુર છે. ખોંખારા, ચલમ ને ઓટલો વડીલોના સ્મરણના પ્રતીક છે.    

સ્મરણમાં લોહીની સગાઈના ઘોડાપૂર ઉમટ્યા છે અને પરસાળુ ઢાળીને સૌને પોંખવાના કવિના મન સાથે ભાવક પણ ભૂતકાળમાં હેલ્લારા લે છે….

કવિના જન્મદિને વંદનસહ.

OP 11.10.22

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: