રમેશ આચાર્ય ~ અધિક માસ * Ramesh Aacharya

અધિક માસની પૂનમનો ચાંદ ~ રમેશ આચાર્ય

રાહ જોવરાવે,

બહુ રાહ જોવરાવે,

પૂનમનો આ તેરમો ચાંદ,

ત્રણ વરસ સુધી.

તેની પણ છે મજા.

આપણે વાવેલા બીની કૂંપળ ફૂટી કે નહિ

તેની રાહ જોયા કરવા જેવી છે

આ આખી પ્રક્રિયા.

ચોખાના લોટના ઠંડા ખીચાના

લોંદા જેવો પૂનમનો તેરમો ચાંદ

વરસના ક્યા માસમાં જોવા મળશે

તે નક્કી નહીં.

આપણે તારીખિયાનાં

કે પંચાંગના પાના ફેરવ્યા કરીએ

તે ક્યારે જોવા મળશે તે જાણવા.

કોઈ પણ બે માસના પૂનમના ચાંદની વચ્ચે

તે ટપકી પડે

અને આપણે તેને એકીટસે જોયા જ કરીએ.

નવજાત શિશુનો ચહેરો

તેના માતા-પિતા, દાદા – દાદી, નાના – નાની

કે અન્ય કોના જેવો છે

તે નક્કી કરવા જેવી છે આ મૂંઝવણ.

તે હસતા હસતા,

તેના ગાલમાં ખાડા પાડતો,

આપણી સામે જોયા કરે.

તે તેરમો છે એટલે શુકનિયાળ હશે

કે અપશુકનિયાળ

તેવી આખી જિંદગી,

દર ત્રણ વરસે આપણે દ્વિધા અનુભવ્યા કરીએ.

રમેશ આચાર્ય

એક નવો વિષય અછાંદસમાં કેટલી સરસ રીતે ઊઘડી આવ્યો છે !  વાક્યમાં વિરામચિન્હો ખૂબ અગત્યના છે જ. તોયે ગઝલ કે ગીતમાં એ ચુકાય તો અર્થમાં બહુ તકલીફ ન પડે પણ અછાંદસમાં ? જોઈ જુઓ એના વગર !

OP 5.11.22

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: