હિતેન આનંદપરા ~ અમે ગીતોના માણસ
અમે ગીતોના માણસ ~ હિતેન આનંદપરા
અમે ગીતોના માણસ રે લોલ
તમે આપીને કોઈ દી પાળો નહી, અમે સાચવીએ વણદીધા કોલ.
આંખ ભેદી બખોલ, એમાં અંધારું ઘોર, કોઈ હૈયા લગ કેમ કરી પહોંચે ?
રાત સૂની નઘરોળ, ઝીલે બાવળના સોળ, કોઈ શય્યા લગ કેમ કરી પહોંચે ?
દરવાજા-બારીને બંધ કરી દો છો ને હળવેથી કો’ છો કે બોલ !
અમે ગીતોના માણસ રે લોલ.
આભ તલસે તલભાર, કોઈ આવી પળવાર, સૂના આયખાનો ઢોલિયો ઢંઢોળે,
પાય સોંસરવી ઝાળ, પડે ધરતીને ફાળ, કોણ થાશે ગરક મારે ખોળે !
પડતા પતંગ પાસ ભાગે સૌ કોઈ, અમે ભાગીએ પકડવાને ઝોલ.
અમે ગીતોના માણસ રે લોલ.
તાકધીંતાને તાલ, બજે ઢોલક પર વ્હાલ, સૂર સગપણનો સથવારો શોધે,
થયા શ્વાસો તો લાલ, લોહી રમતું ત્રિતાલ, ચૂર શબ્દોમાં અર્થોને ઘોળે,
કોઈ આંગળીની થાપ માટે તરસી રહેલા અમે ચામડીના ગણવેશે ઢોલ.
અમે ગીતોના માણસ રે લોલ.
~ હિતેન આનંદપરા
ગીત પીડાનું છે, એનો લય પરહરી લે છે. શબ્દજૂથો જાણે તબલાને તાલ આપતાં હોય એવું અનુભવાય છે. ‘કોઈ હૈયા લગ કેમ કરી પહોંચે’ અને ‘કોઈ શૈયા લગ કેમ કરી પહોંચે’ આમાં તરફડતું હૈયું અદભૂત રીતે પરોવાયું છે. તો છેલ્લી લાઇન ‘કોઈ આંગળીની થાપ માટે તરસી રહેલા અમે ચામડીના ગણવેશે ઢોલ.’ ક્યા બાત કવિ !
OP 4.11.22
પ્રતિભાવો