રમેશ આચાર્ય ~ મારા ગામની નદી * Ramesh Aacharya

મારા ગામની નદી ~ રમેશ આચાર્ય

મારા ગામની નદીની વાત ન થાય.

છતાં જો કહેવી હોય તો

એમ કહેવાય કે

મારા ગામની નદી

મારી નાની બહેન મુન્નીના

માથામાં નાખવાની બૉપટ્ટી જેવી છે.

અથવા

મારા ગામની નદી

મારા મામાને ઘેર મારી મા

લાપસીમાં વાઢીથી ચોખ્ખું ઘી રેડતી

તેના ચાલતા રેલા જેવી છે.

અથવા

નાના બાળકને મોઢું આવ્યું હોય

ત્યારે તેના મોઢામાં પાડવામાં આવતી

બકરીના દૂધની શેડ્સ જેવી છે.

અથવા

મારા ગામની નદી

મારી માએ બનાવેલી કઢીમાં

નાખેલા મીઠા લીમડાનાં પાંદની

આવતી ને વહેતી સોડમ જેવી છે.

રમેશ આચાર્ય

ગામની નદીને કવિએ ભાવકના દિલમાં વહેતી કરી દીધી છે. આ નાનકડા કાવ્યમાં કવિએ કેટલું રેલાવ્યું છે ! પિયરમાં મોટા દિલથી ઘીના રેલે વહેતી મા અને તોફાની પણ મીઠી નાનકડી બહેન આંખ સામે ઝળહળે છે તો સાથે સાથે નાના બાળકને મોઢું આવ્યું હોય તો શું કરાય એનો ઉપચારેય અહીં ચિંધાય છે અને છેલ્લે તો વાહ ! કઢીની સોડમ પણ નાકમાં સુગંધાય છે… નદીની સાથે કેટકેટલું જીવંત કરી આપ્યું છે કવિએ !

કવિને એમના જન્મદિવસે વંદન અને સ્વાસ્થ્ય શુભેચ્છાઓ.    

OP 5.11.22

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: