ગીત : સુરેશ જોશી * Suresh Joshi

ગીતોનું પ્રમાણ કાવ્યસંગ્રહોમાં વધતું જતું જોવામાં આવે છે. જે કવિઓએ કદી ગીતો લખ્યાં નથી તેઓ પણ ગીતો લખવાને લલચાયા લાગે છે. ગીતમાં પ્રકટ થતી ઊર્મિ પાંખી કે ફિસ્સી હોય, ઉમંગઊછળતા ઉપાડથી હૃદયને હેલે ચઢાવીને કવિ એકાએક ઊમિર્ની ઓટ આણી આપણને નિરાશ કરતો હોય; લલિત, મધુર, મૃદુ અને કમનીય એવા ભાવનર્તનને તાલેતાલે કવિની વાણી પણ તાતાથૈથૈ નાચી ઊઠતી ન હોય, તો ગીતો નિષ્ફળ જ જવાનાં. જેમ સમુદ્રનાં મોજાંના ઘુઘવાટને સાંભળીને આપણને અફાટ વિસ્તરેલા જલરાશિની અસીમતાનો ખ્યાલ આવે છે તેમ ગીતોમાં પણ પ્રકટ થયેલી અમુક એક ઊમિર્ના લયમાં હૃદયનાં સર્વ સ્તરોમાં વિસ્તરીને પડેલા ભાવોદધિનો ઘુઘવાટ સંભળાવો જોઈએ. ગીતોમાં ક્ષણિક તરંગને કે લાગણીને ગેયતાનો વાઘો પહેરાવીને રજૂ કરી દીધાથી કૃતાર્થ થઈ જવાતું નથી.

ગીતમાં કાવ્યત્વની ઊણપને ગેયતાથી પૂરી દઈ શકાય એવી ભ્રાન્તિ કવિએ સેવવાની નથી. ગીતોનુંય એક કાવ્યસ્વરૂપ તરીકે આગવું વ્યક્તિત્વ છે. એમાં નિરૂપિત થતી ઊર્મિ અખંડરૂપે રજૂ થવી જોઈએ. એમાં પણ આકારસૌષ્ઠવ આવવું જોઈએ. ગીતમાં પ્રકટ થતી ઊર્મિ માંદલી ન હોવી જોઈએ. વ્યક્તિના સમષ્ટિ સાથેના સંવાદી મિલનનો લય એમાં હંમેશાં ઝંકૃત થઈ ઊઠવો જોઈએ. ગીતોની સફળતા ખાસ કરીને તો કવિએ સર્જેલાં ભાવપ્રતીકોના પર અવલંબીને રહે છે. આજનો કવિ એ ભાવપ્રતીકો સર્જી શક્યો નથી. ને આથી જ આજના કવિને મીરાંનાં ગીતોમાં રહેલી ઊમિર્ની ઉત્કટતા,સચોટતા ને વ્યંજકતા લાધ્યાં નથી. સાહિત્યમાં પ્રવર્તતી ફેશનને ગતાનુગતિક ન્યાયે અનુસરીને લખાતાં ગીતોમાં તો ઊમિર્ની સચ્ચાઈનો અભાવ જણાઈ આવે છે જ. રવીન્દ્રનાથનાં ગીતોના પરિશીલનની અસરથી પ્રભાવિત થઈને લખાયેલાં ગીતોમાં આપણા કવિઓની પ્રતિભાની ઊણપનો, ગીતમાં નિરૂપિત થતી ઊમિર્ને અનુરૂપ સંગીતની પરખના અભાવનો આપણને તરત જ ખ્યાલ આવે છે.

અર્વાચીન કવિતા – સુરેશ જોશી (લેખનો અંશ)

23.11.2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: