મુક્તક : ઉમાશંકર જોશી * Umashankar Joshi

મુક્તક શબ્દમાંનો ‘મુક્ત’ એટલો ભાગ તો પરિચિત છે. મુક્ત એટલે છૂટું, બંધન વગરનું. મુક્ત-ક એટલે છૂટું કાવ્ય. કવિઓ લાંબાં કાવ્યો લખે તેમાં તો દરેકેદરેક શ્લોક આખી કૃતિની સાથે બંધાયેલો હોય, પણ ક્યરેક ક્યારેક તેઓ છૂટક શ્લોકો લખે તો તેવો દરેક શ્લોક મુક્તના નામથી ઓળખાતો. એક મુક્તકને બીજા મુક્તક સાથે કશો સંબંધ ન હોય. નહિ તો પછી એ મુક્ત – છૂટો શ્લોક શેનો? પણ એવા એક શ્લોકમાં પણ જીવનનો કોઈ એવો અનુભવ રજૂ થયો હોય- અને તે એટલી તો સુંદર રીતે રજૂ થયો હોય – કે સાંભળતાંની સાથે એ શ્લોક મનમાં રમી રહે; એટલું જ નહીં, જીવનમાં અમૂલ્ય ભાથારૂપ બની રહે.

સંસ્કૃતમાં ખંડકાવ્ય અને મહાકાવ્ય રચે તેની સામાન્ય રીતે કવિમાં ગણના થતી. પણ તેવાં લાંબાં કાવ્યો રચનાર જાણીતા કવિઓએ તેમ જ અસંખ્ય અજાણ્યા કવિઓએ એક એક શ્લોકનાં મુક્તકો રચેલાં છે, જે પણ સંસ્કૃત કાવ્યસહિત્યના મહાન વારસાનો એક કીમતી ભાગ છે. રાજસભાઓમાં વિદ્વાનોનું બહુમાન થતું ત્યારે નવા આવનાર કવિની કસોટી આવું એકાદ મુક્તક એ રજૂ કરે એ ઉપરથી થતી.  કેટલાક વિદ્યાપ્રિય રાજાઓ એક એક મુક્તકના સવાલાખ રૂપિયા આપતા તેવી કિંવદન્તીઓ પણ પ્રચલિત છે. सहसा विदधीत न क्रियाम् – ઉતાવળમાં આવી જઇને કાંઈ કામ કરી ન વેસવું – એ એક મુક્તકના એ રીતે પૈસા ખરચેલા તે આગળ જતાં કેવી રીતે દુષ્કાર્યમાંથી બચાવીને અનેકગણા ખપ લાગે છે એનું બયાન પણ કવિકથાઓમાં મળે છે.

મોટા કાવ્યગ્રંથો અભ્યાસી વર્ગમાં આસ્વાદ્ય, પણ આવાં છૂટાં, તરતાં મુક્તકો તે તો લોકહૈયે અને લોકજીભે વસી જાય એવાં ટૂંકાં, મરમાળાં અને રસિક કવનો હતાં. આ મુક્તકોના સંસ્કૃતમાં સંગ્રહો મળે છે. મુક્તકોને સુભાષિતો પણ કહે છે. સુભાષિતરત્નભાંડાગર એ મુક્તકોનો એક અમૂલ્ય ખજાનો છે. ભર્તુહરિ કવિએ સ્વરચિત સો સો મુક્તકોનાં ત્રણ શતકો આપ્યાં છે, તે પણ અત્યંત લોકપ્રિય નીવડ્યાં છે. અમરુ કવિનું અમરુશતક શૃંગારના ચિત્રો એવાં સુરેખ ઉપસાવે છે કે અમરુ કવિનો એક શ્લોક તે સો સો લાંબા કાવ્યોની તોલે છે એવી અતિશયોક્તિભરી પ્રશંસા એની થઈ છે.

સંસ્કૃતની જેમ જ પ્રાકૃત, અપભ્રંશ આદિભાષાઓમાં મુક્તકો રચાયાં છે. અને દરેક ભાષાના લોકસાહિત્યમાં ઘૂંટેલી રસમયતાવાળાં પાણીદાર મોતી જેવાં અનેક મુક્તકો હોય છે. ગુજરાત સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં દુહા અને સોરઠાં મળે છે તે આવાં મુક્તકો જ છે. એમાં માનવજીવનના અનુભવોનું ડહાપણ વેધક રીતે રજૂ થયેલું જોવા મળે છે.

બાકરબચ્ચાં લાખ, લાખે બિચારાં;  / સિંહણ બચ્ચું એક, એકે હજારાં.

સિંહનું એક બચ્ચું હજાર જેટલું છે, જ્યારે બકરીને ઝાઝાં બચ્ચાં હોવા છતાં એને કપાળે બિચારાપણું લખાયલું છે. થોડું પણ સત્ત્વવાળું મળે તો એ મોટા સંતોષની વાત છે એ સત્ય કેવી સોંસરી ઉપમા દ્વારા કહેવાયું છે?  ‘એકે હજારાં’ એટલો ટુકડો તો કહેવત પણ બની ચૂક્યો છે.

બીજો દુહો જોઈએઃ

શેરીમિત્રો સો મળે….

‘શેરીમિત્રો!’ – એક નવો જ શબ્દ કવિ યોજે છે અને ઘર આસપાસ ટોળે ઊભરાતા મિત્રોનું  ‘શેરીમિત્રો’ કહીને તાદૃશ ચિત્ર ઊભું કરી દે છે. પણ આ અજાણ મુક્તક કવિને એટલાથી સંતોષ નથી. એક બીજો સુંદર શબ્દ ઉપજાવે છે ત્યારે એને ચેન પડે છેઃ

તાળીમિત્ર અનેક;

– આપણી પાસેથી જે જરીક કાંઈ આનંદ મળી શકે એમ હોય તે પ્રાપ્ત કરી તાળી આપીને ખસી જતા મિત્રોનું વર્ણન એ ‘તાળીમિત્ર’ શબ્દ યોજીને કરે છે.

શેરીમિત્રો સો મળે, તાળીમિત્ર  અનેક;

જેમાં સુખદુઃખ વારીએ, તે લાખોમાં એક,

જેમાં આપણાં સુખ ઠલવીએ કે દુઃખ ઠાલવીએ તોય જે સમાન રહે તેવો મિત્ર તો લાખોમાં એક હોય – એક હોય તોયે ઘણું. બે લીટીના નાનકડા મુક્તકમાં જીવનની એક માર્મિક વાત ચોટપૂર્વક મુકાઈ છે. 

કોઈ વાર આવાં મુક્તકોમાં કવિનું નામ પણ મળે છે, પણ કોઈક જ વાર.

અતિ ડ્હાપણ અળખામણો, અતિઘેલે ઉચાટ;

આણંદ કહે પરમાણદા, ભલો જ વચલો ઘાટ.

આમાં કવિ આણંદનું નામ છે એટલું જ નહિ,  શ્રોતાનું નામ પણ છે;  જેમ ‘કહત કબીર કમાલકું દો બાતાં  સિખ લે; કર સાહિબકી બંદગી, ભૂખેકો કુછ દે’માં સાંભનારનું નામ આવે છે. શ્રોતા પરમાણંદને આપણા સૌના પ્રતિનિધિ તરીકે બેસાડી આણંદ પોતાને જડેલાં જીવનરહસ્યો મરમાળી રીતે ઉચ્ચારે છે. આ મુક્તકમાં, દુહામાં એ કહે છે કે કોઈ જો અતિડહાપણની છાપ પાડે એટલે કે ગંભીરતાથી વર્તે તો લોકોમાં તે અળખામણો થઈ પડવાનો સંભવ છે, એની સોબત બધાને રુચે નહિ. બીજી બાજુ જો ઘેલો થઈને ગમે તેની આગળ  લળી-ઢળી જાય તોપણ આપણને એને માટે ઉચાટ થાય – ચિંતા થાય કે આનું ક્યાં અટકશે. માટે આણંદ પરમાણંદને કહે છે કે ન તો અતિડાહ્યા બનીને બેસવું, ન ઘેલા થઈ ને વરસી જવું, પણ બંને છેડાના વચગાળાનું વર્તન રાખવું. બુદ્ધ ભગવાને મધ્યપ્રતિપદાનો જે સુવર્ણમાર્ગ સમજાવ્યો છે તે સદા ચાર ગુજરાતી શબ્દો ‘ભલો જ વચલો ઘાટ’માં કેવો સચોટ પ્રગટ થાય છે!

આપણા લોકસાહિત્યમાં જ નહિ, લેખિત સાહિત્યમાં પણ કોઈ કોઈ કવિનાં મુક્તકો મળે છે. જૂની ગુજરાતી આરંભકાળે આચાર્ય હેમચંદ્રે પોતાના વ્યાકરણમાં કેટલાંક મુક્તકો ઉતારેલાં છે, તેમાં આપણી પ્રજાના શૌર્યની અને પ્રેમની પ્રતીતિ થાય છે. એક વીર નારી પોતાની સખીને કહે છે કે લડાઈમાં પોતાનો પતિ મરાયો તે ઠીક થયું:

ભલ્લા હુઆ જુ મારિયા, બહિણિ, મહારા કન્તુ; / લજ્જેજન્તુ વયસિઅહુ, જઈ ભગ્ગા ધરૂ એન્તુ.

(ભલું થયું હે બહેન જે રણ મુજ કંથ મરાયો, હું લાજત સખીમાં ઘરે ભાગી હોત જો આવ્યો.)

મધ્યકાલીન ગુજરાતીમાં કવિઓની લાંબી રચનાઓમાં વચ્ચે-વચ્ચે વેરાયેલાં મુક્તકો મળશે. શામળભટે પોતાની કથાઓમાં વચ્ચેવચ્ચે છૂટે હાથે વેરેલા ‘સપૂત તે કહેવાય…’ જેવા છપ્પા તે મુક્તકો લેખી શકાય.

અર્વાચીન સમયમાં કવિ દલપતરામ પાસેથી અનેક મુક્તકો આપણને મળ્યાં છે. લોકસાહિત્યના જેવા સરળ અને ઘાટદાર દોહરા ક. દ. ડા. આપી શકે છે. એમની વિનોદવૃત્તિ એ મુક્તકોને વળી વધુ ઓપ આપે છે.

કાણાને કાણો કહ્યે કડવાં લાગે વેણ, / પેરે રહી પૂછીએ : ભલા, શેણે ગયાં તુજ નેણ?

કવિતાની દૃષ્ટિએ મૂલ્યવંતાં એવાં મુક્તકો રમણભાઈ નીલકંઠના ‘રાઈ નો પર્વત’માં મળે છે. હું બે નમૂના અહીં રજૂ કરું છું:

જે શૌર્યમાં કોમળતા સમાઈ, / તેને જ સાચું પુરુષત્વ માન્યું;

દ્રવંત લોખંડનું ખડ્ગ થાય, / પાષાણનું ખડ્ગ નથી ઘડાતું.

કોમળતાનો મહિમા સુરેખ સુંદર દૃષ્ટાંતની મદદથી કર્યો છે. બીજું એક સમાજદર્શનનું મુક્તક જોઈએ:

દુર્વૃત્તિઓ જે જગવે જનોની, / તે ખેલ માંડે ભયનો ભરેલો;

ભર્યાં તળાવો તણી પાળ ખોદી, / રોકી શક્યા છે જળધોધ કોણ?

પણ અર્વાચીન સાહિત્યમાં મુક્તકની એક કાવ્યપ્રકાર તરીકે પ્રતિષ્ઠા થઈ હોય તો તે પ્રો. બળવંતરાય ઠાકોરને હાથે. એમણે પોતે થોડાંક સારાં મુક્તકો આપ્યાં અને તે પછી નવીન કવિઓમાંથી ઘણાઓએ મુક્તકો લખવા પ્રયત્ન કર્યો છે. પ્રો. ઠાકોરનું એક મુક્તક છે:

સ્તુતિખોરથી ઊતરતો જાણો નિંદાખોર, / છેક ઊતરતો જેહને બધા જ પદધ્રૂળ તોલ.

‘નિંદાખોર’ શભ્દ તો પ્રચલિત છે, કવિએ ‘સ્તુતિખોર’ શબ્દ નવો ઉપજાવ્યો.

શ્રી રામનારાયણ પાઠકનાં જૂનાં ઘૂંટાયેલા દુહાઓની યાદ આપતાં મુ્કતકો જોઈએઃ

એકલ ખાવું, એકલ જોવું, એકલ રમવું, ઈશ ! / એકલ વાટે વિચરવું કરમ ન કદી લખીશ.

મુખ સમ કો મંગલ નહિ, મૃત્યુ સમી નહિ હાણ, / જગ સમ કો જંગલ નહિ, સત્ય સમી નહિ વાણ.

નવીન કવિઓમાંથી કાવ્યની ગુણવત્તાની દૃષ્ટિએ ઉત્તમ મુક્તકો કવિશ્રી સુંદરમ પાસેથી મળે છે તેવાં ભાગ્યે જ બીજા કોઈ કવિ પાસેથી મળે છે. કેટલીક વાર તો એ આખો શ્લોક પણ પૂરો કરતા નથી અને ધારી અસર ઉપજાવે છેઃ

જગની સૌ કડીઓમાં / સ્નેહની સર્વથી વડી.

બીજુ એક અદ્ભુત સુંદર મુક્તક જોઈએઃ

હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની, / ને જે અસુન્દર રહી તેહ સર્વને, / મુકૂં કરી સુન્દર ચાહી ચાહી.

આધુનિક કવિઓમાંથી ખાસ કરીને શ્રી ઇન્દુલાલ ગાંધી અને શ્રી જેઠાલાલ ત્રિવેદીએ મુક્તસંગ્રહો આપેલા છે અને શ્રી તનસુખ ભટ્ટ, શ્રી રમણલાલ સોની અને શ્રી વિવિત્સુનાં સારી સંખ્યામાં મુક્તકો પ્રગટ થયાં છે. શ્રી તનસુખ ભટ્ટમાં જૂના દુહાની કોટિએ અભિવ્યક્તિને પહોંચાડવાની શક્તિ જોવા મળે છે. શ્રી જેઠાલાલ ત્રિવેદીનું એક વિનોદી મુક્તક ખોટા રૂપિયા ઉપર છે, જોકે એમણે મથાળું તો આપ્યું છે ‘સાચો પ્રણય!’

તજું વારેવારે બબડી મનમાં રોષ કરતો, / અવજ્ઞાયે તારી કીધ અતિ, છતાં તું ઝટ દઈ,

મને શોધી કાઢે; કયહીં નવ ગમે શું મુજ વિના? / ભલે ખોટો, સાચો પ્રણચ રૂપિયા! હુંથી તુજનો.

– હે રૂપિયા, તું ભલે ખોટો છે, પણ તારો મારી સાથેનો પ્રેમ તે તો સાચો છે એમ કબૂલ કર્યે જ છૂટકો છે.

કવિ પૂજાલાલનું એક ગંભીર ભાવના પ્રગટ કરતું મુક્તક છે, જે મને લાગે છે કે એક વાર કાને પડ્યા પછી ભૂલવું મુશ્કેલ છે:

રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, / સિંધુના ઉરમાંથી તો ઊઠશે અમી-વાદળી.

કેટલાક ઓછા જાણીતા કવિઓએ પણ સફળ મુક્તકો અજમાવેલાં છે, બલકે કેટલાક દાખલા એવા હું જાણું છું જેમાં એકાદ ચોટદાર મુક્તક ઉપરાંત નવકવિ પાસેથી બીજી સારી રચનાઓ હજી મળી નથી. 

મુક્તકની ચર્ચાના અનુસંધાનમાં આપણા ગઝલ લખનાર કવિઓને ખાસ સંભારવા જરૂરી છે. ગઝલનો પ્રકાર એ જાતનો છે કે એક પછી એક મુક્તકરૂપી મૌક્તિકો પરોવાતાં આવે અને આખી કૃતિનો હાર તૈયાર થઈ જાય. દરેક કડી – હરેક શેર એક સ્વતંત્ર ચમકતું મુક્તક હોય છે. શ્રી શયદાભાઈનો એક શેર આજથી પચીસેક વરસ ઉપર સાંભળેલો – અને સાંભળેલો તેવો જ યાદ રહી ગયો છેઃ

મને આ જોઈને હસવું હજારો વાર આવે છે, / પ્રભુ! તારા બનાવેલા તને આજે બનાવે છે.

મુક્તકો લખવાં મુશ્કેલ છે. અજાણ્યા લોકકવિના દુહાસોરઠા જેવા દુહા સોરઠા દસકામાં એક-બે પણ જવલ્લે જ મળે છે. (ઉત્તમ ગઝલ લખવી મુશ્કેલ છે એ પણ આ ઉપરથી સમજી શકાશે.) જાપાનની પ્રજામાં સૈકાઓથી ‘હૈક્ક’ કે ‘હાઇકુ’ નામનો ત્રણ પંક્તિનો અને ‘તાન્કા’ નામનો પાંચ પંક્તિનો અત્યંત સુકુમાર છતાં ગંભીર અને હૃદયસ્પર્શી કવિતાપ્રકાર લોકપ્રિય છે. મને લાગે છે કે પ્રજાકીય વાડ્મયસિદ્ધિના એક ભાગરૂપે દર જમાને મુક્તકોનો કેટલો ફાળ મળે છે એ પણ જોવાવું જોઈએ.

જુલાઈ 17, 1957 – ઉમાશંકર જોશી

નોંધ : 1957માં લખાયેલો આ લેખ પરંતુ આ કાવ્યસ્વરૂપમાં ખાસ ફેરફાર થયો નથી એટલે આજે પણ લેખ એટલો જ પ્રસ્તુત છે.

**********

મૂળ પોસ્ટીંગ 9.11.2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: