ગઝલ : મીનાક્ષી ચંદારાણા * Minaxi Chandarana

ભારતીય શાસ્ત્રીય સંગીત! આગંતુક મુસ્લિમ પ્રજાએ ભારતીય શાસ્ત્રીય સંગીતની પરંપરા સાથે જોડાઈને કેવા-કેવા દિગ્ગજ કળાકારો સંગીતવિશ્વને આપ્યા! એ કળાકારોએ ફક્ત પોતાને જ નહીં, શાસ્ત્રીય સંગીતને પણ નવ્ય ઊંચાઈઓ બક્ષી! પરંપરાની એ જ સ્વીકૃતિનો જાણે પ્રતિભાવ આપતાં હોય તેમ ભારતીય કવિજનોએ મુસ્લિમોની ફારસી પરંપરામાંથી ઊતરી આવેલી ગઝલને એવી રીતે અપનાવી, એમાં એવી મહારત હાસિલ કરી લીધી, કે પોતાના નામની સાથોસાથ ઈરાનના કાવ્યપ્રકારને પણ નવી ઊંચાઈઓ બક્ષી! સંસ્કૃતિ, ધર્મ, માન્યતાઓ, પરંપરાઓ, વગેરે જેવા તદ્દન સામસામા છેડે સ્થિત બે પ્રજા કોઈક ક્ષેત્રે સહિયારું કાર્ય કરે, એકમેકની પરંપરાને સ્વીકારે અને આગળ વધારે, ત્યારે કેવાં ભવ્ય અને રૂડાં પરિણામો આપી શકે!

ગઝલ! શું છે આ આજની આપણી ગઝલ! બે સંસ્કૃતિઓની પરંપરા છે ગઝલ! બે પ્રજાએ એકબીજાની સંસ્કૃતિઓમાંથી લીધેલા આચમનની ફલશ્રુતિ છે ગઝલ! બે અલગ-અલગ ઉષ્ણતામાન ધરાવતા પાણીમાં માથાબોળ નાહીને તડકે વાળ સૂકવવા ઊભેલી ષોડશી કન્યકાનું સૌંદર્ય છે ગઝલ! બે પૃથક્ ભાષાનાં માધ્યમોમાંથી પસાર થઈને પોતાનું આગવું સૌંદર્ય નિખારીને મૂળ પ્રકારને પણ મુઠ્ઠી ઊંચેરો, અદકેરો બનાવીને આગવાં પરિમાણો સાથે, આગવાં પરિણામો સાથે ઊભરી આવેલો કાવ્યપ્રકાર છે આપણી આ ગઝલ! એક થવું જ હોય, તો કેવા અહોભાવથી એકમેકની સંસ્કૃતિને, સંસ્કૃતિના પરિવેશને અપનાવવાની હદે, એને પોતીકો કરી લેવાની હદે અપનાવવી રહે તેની તસવીર છે ગઝલ!

કોઈ પૂછે કે ગઝલ શું છે, તો એનાં કદ-કાઠી, અંગ-ઉપાંગો, ચહેરો-મહોરો, નાક-નકશો, વગેરેની ચર્ચા કરતાં પહેલાં આપણે કહેવું ઘટે, કે આજના સમયમાં, રિપીટ… અત્યારના કોમી વૈમનસ્યના સમયમાં આ વાત ફરી-ફરીને, અને યાદ કરી-કરીને કહેવાવી જોઈએ, કે હિંદુ-મુસ્લિમ જેવી સામસામા છેડાની સંસ્કૃતિઓને જોડવાનું સુખદ કાર્ય કર્યું છે ગઝલે!

ગઝલ એટલે એક કાવ્ય-સ્વરૂપ,  છંદોબદ્ધ કાવ્ય-સ્વરૂપ! પહેલી બંને પંક્તિમાં અને પછી પ્રત્યેક બીજી પંક્તિએ પ્રાસ જરૂરી! એટલે કોઈપણ કાવ્યને ગઝલ ત્યારે કહી શકાય, કે જ્યારે તેમાં છંદ (બહર) અને પ્રાસ (કાફિયા) જળવાયા હોય. તે ઉપરાંત, ગઝલમાં પ્રાસ પછી એક અનુપ્રાસ (રદીફ) પણ મહદંશે હોય છે. બબ્બે પંક્તિઓની પ્રત્યેક જોડ શેર તરીકે ઓળખાય; પ્રાસ ધરાવતી પહેલી બે પંક્તિઓની જોડને મતલાનો શેર કહેવામાં આવે, અને છેલ્લી બે પંક્તિઓમાંથી કોઈ એકમાં જો કવિનું નામ સાંકળી લેવામાં આવ્યું હોય, તો એને મક્તાનો શેર કહીને ઓળખવામાં આવે. એક ગઝલમાં સામાન્ય રીતે પાંચ, સાત, નવ, કે અગિયાર એમ એકી સંખ્યામાં શેર લખવામાં આવે. દરેક શેર સ્વતંત્ર અને પૂરો વિચાર રજૂ કરે. સામાન્યતઃ દસ પંક્તિઓમાં સમેટાઈ શકતી ગઝલ વીસ-ત્રીસ, સો-બસ્સો કે હજાર-બે હજાર પંક્તિઓમાં પણ લંબાઈ શકે!

દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી, / મારો હાથ ઝાલીને લઈ જશે મુજ શત્રુઓ જ સ્વજન સુધી!

ન ધરા સુધી, ન ગગન સુધી, નહિ ઉન્નતિ, ના પતન સુધી, / ફકત આપણે તો જવું હતું અરે એકમેકના મન સુધી!

તમે રાંકનાં છો રતન સમા ન મળો હે આંસુઓ ધૂળમાં, / જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી!

તમે રાજરાણીનાં ચીર સમ અમે રંક નારની ચૂંદડી, / તમે તન પર રહો ઘડી બે ઘડી, અમે સાથ દઈએ કફન સુધી!

જો હૃદયની આગ વધી ‘ગની’ તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી / કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી….

‘લલગાલગા’ના ચાર આવર્તન ધરાવતી કામિલ નામના ફારસી છંદમાં લખાયેલી, આદરણીય કવિશ્રી ગની દહીંવાલાની આ ગઝલમાં મિલન, સ્વજન, પતન, મન, નયન, કફન અને અગન કાફિયા છે, અને દરેક કાફિયા પછી રદીફ છે ‘સુધી’. પાંચ શેરની આ ગઝલમાં પહેલા બંને શેરોની બંને પંક્તિમાં કાફિયા અને રદીફનો પ્રયોગ થયો છે એટલે પહેલા બંને શેર મતલાના શેર કહેવાશે. છેલ્લા શેરમાં ‘ગની’ નામ સમાવિષ્ટ હોવાને કારણે છેલ્લો શેર મક્તાનો શેર કહેવાશે.

બસ થઈ ગઈ ગઝલની ઓળખ પૂરી! સામાન્ય રીતે આટલી જાણકારી સમજી લેનાર કોઈ પણ વ્યક્તિ ગઝલ લખી શકે! ખરું!? પણ આ હતી ગઝલના બંધારણની ઉપલક વાત! તેના બાહ્ય-સ્વરૂપની ઝાંખી! આટલું સમજી લીધા પછી પણ એક મહત્ત્વની વાત જે સમજવી રહી જાય તે એ, કે ગઝલ પણ કાવ્યનું જ એક સ્વરૂપ છે, કવિતાનો જ એક પ્રકાર છે. એટલે કવિતા હોવું અહીં પ્રથમ સ્થાને છે, અને ગઝલ હોવું પછીના સ્થાને! અને આ થઈ ગઝલના આંતરસ્વરૂપની વાત!

ગઝલનું આંતરસ્વરૂપ એટલે શું?

ગઝલ એ પ્રિયપાત્ર સાથેની વાતચીત છે. એ પ્રિયપાત્ર ઈશ્વર પણ હોઈ શકે, કોઈ સખી કે સખા પણ હોઈ શકે, અને કોઈ વ્હાલું એવું સગું પણ હોઈ શકે! ઘણી વખત એવું સાંભળવામાં આવ્યું છે, કે ગઝલ એ વાતચીતનો કાવ્યપ્રકાર છે, એટલે એમાં અરજ, પ્રાર્થના, સ્તુતિ, આદેશ, વગેરે જેવા ભાવો કે અઘરા શબ્દો ન આવવા જોઈએ. વળી એવું પણ કહેવાયું છે, કે ગઝલમાં આપણે વાતચીતમાં જે વહેવારુ ભાષામાં બોલતાં હોઈએ એનો જ ઉપયોગ થવો જોઈએ. સામાન્ય રીતે એવું જ બનવાનું, કારણ કે પ્રિયપાત્ર સાથે તો આપણે તદ્દન પોતાની, મીઠી-મીઠી ભાષામાં, કોઈ પ્રકારના આડંબર વગર ખુલ્લા મનથી જ વાત કરવાના ને! ગઝલમાં બસ એમ જ વાત ચાલે, પણ છંદ અને પ્રાસ સાથે! ‘હીર-રાંઝા’ ફિલ્મના સંવાદોની જેમ જ અદ્દલ!

હવે વાત એમ છે, કે પ્રિયપાત્ર સાથે વાતચીતનો દૌર શરૂ થાય, એ વખતે શરૂઆતમાં તો આપણે એ પ્રિયપાત્ર તરફનો આપણો અહોભાવ, આપણી લાગણી વ્યક્ત કરતાં હોઈએ છીએ, એટલે શરૂઆતમાં આવે પ્રેમની વાતો; પણ ધીમે-ધીમે પ્રિયપાત્રને જેમ જેમ હળતાં-મળતાં થઈએ, એમ તેની સાથે વધારે ખૂલીને આપણા ઘરની, આપણી ભાવનાઓની, સુખ-દુઃખની વાતો કરતાં થઈએ… અને એ પછી એમ પણ બને કે પડોશની, ઑફિસની, વ્યવસાયની, સામાજિક રીતિઓની, રિવાજોની, આર્થિક બાબતોની, સંસ્કૃતિની, રમતોની, ગામની, જિલ્લાની, રાજ્યની, દેશ-દેશાવરની… એમ વિવિધ વિષયોની વાતો આપણે આપણા વ્યાપ અને આપણા અભિપ્રાયો પ્રમાણે કરવાનાં! આમ પ્રિયપાત્ર સાથેની વાતચીતમાં વાતના વિષયોમાં વિવિધતા તો રહેવાની જ! પ્રિયપાત્ર એકની એક વાત સાંભળીને આપણાંથી કંટાળવું તો ન જ જોઈએ ને!

આ પણ થઈ ગઝલના આંતરસ્વરૂપની જ વાત!

આમ, ટૂંકમાં ગઝલ એટલે એવી પ્રાસ-યોજના, જે સમગ્ર કૃતિમાં એક જ છંદમાં રચાઈ હોય, જેમાં મોટાભાગે પ્રાસ પછી છેલ્લે અનુપ્રાસ પણ હોય, જે પ્રિયપાત્ર સાથેની વાતચીતના સ્વરૂપમાં હોય, અને એ વાતચીતની પ્રત્યેક બે પંક્તિ મળીને જીવન વિશેનો એક સુંદર વિચાર રજૂ કરતી હોય!

હા, એ વિચાર સુંદર હોઈ શકે, પણ એમાં કેવળ સુષ્ઠુ-સુષ્ઠુ ન હોય! એટલે એવું સૌંદર્ય, જે ક્યારેક પ્રેમ-પ્યારને આભારી હોય, તો ક્યારેક રોષને આભારી પણ હોય!

બસ એટલી સમજ મને પરવરદિગાર દે! / સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે!

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા, / સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે!

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે, / અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે!

પીઠામાં મારું માન સતત હાજરીથી છે, / મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે!

દુનિયામાં કંઈકનો હું કરજદાર છું ‘મરીઝ’, / ચૂકવું બધાનું દેણું જો અલ્લાહ ઉધાર દે!

ગઝલના આંતરિક સૌંદર્યની વાત થાય, ત્યારે ‘મરીઝ’ની આ ગઝલનો ઉલ્લેખ ન થાય એ કેમ ચાલે!

મૂળ પોસ્ટીંગ 27.10.2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: