ગીત : રમેશ પારેખ Ramesh Parekh

ગીત એટલે શબ્દ અને કલ્પન દ્વારા મુક્ત અને લયાત્મક અભિવ્યક્તિ માટે મથતું મનુષ્યત્વ. ગીત એટલે શબ્દકોશ પ્રમાણેનો અર્થ: ગાયેલું, ગવાયેલું, કહેવાયેલું.

ગીતપઠનક્ષમ નહોતું તે પહેલાનું ગુંજનક્ષમ છે, કેમકે તે લોકગીતનું જ (અનેક રૂપાંતરો ધારણ કર્યા પછીનું, વિકસેલું, નિખરેલું) સ્વરૂપ છે. પઠનક્ષમતા એ, ગુંજનક્ષમતા ઉપરાંતનું ગીતનું અન્ય વિશિષ્ટ પાસું છે. ગીત પઠનક્ષમ બન્યું તેથી કરીને તેનું ગુંજનક્ષમતાનું પાસું, ગેયત્વ, વિસર્જિત થઈ જતું નથી. ગુંજનક્ષમતા એ ગીતની પ્રથમ શરત છે. તેવી જ રીતે તે પઠનક્ષમ પણ હોય તે બીજી અને અનિવાર્ય શરત છે.

ગઈકાલનું લોકગીત અને આજનું ગીત સગોત્ર છે, એકલોહિયાં છે. લોકગીત/લોકસંગીત એ અદ્યતન ગીતનાં પૂર્વસ્વરૂપો છે. આજના ‘ગીત’ શબ્દમાં  ‘લોક’ અને ‘સંગીત’ શબ્દો ઓગળીને રાસાયણિક રીતે એકરસ થઈ ગયાં છે. બીજી રીતે કહીએ તો આજનું ગીત એ ગઈ કાલના લોકગીત/સંગીતનો બીજો  છેડો છે. આજનું ગીત સતત વિકસતા રહેલા, નવનવીન મૂલ્યો ધારણ કરતા રહેલા, બીનજરૂરી વળગણો છોડતા રહેલા તેમજ શબ્દના સામર્થ્યને વધુ બળવત્તર રીતે અને વધુ સૂક્ષ્મ રીતે નિખારતા રહેલા હદયંગમ કાવ્યપ્રકારનું, કહો કે લોકગીતનું જ સંમાર્જિત સ્વરૂપ છે. લોકગીત આજના ગીતના પાયામાં રહેલું ને તેને જીવંત રાખતું રસાયણ છે. આમ લોકગીત અને અદ્યતન ગીત ભિન્ન નથી, ગઈ કાલના સ્વરૂપનું રૂપાંતર માત્ર છે એટલે ગીતના ઉદ્ભવ વિશેનો પ્રશ્ન લોકગીત/સંગીતના સંદર્ભે  અપ્રસ્તુત છે.

ગીતની સંરચનાનાં મખ્યત્વે બે પાસાં છે. શબ્દ અને લય. પ્રથમ શબ્દની વાત કરીએ તો ગીતનો શબ્દ મેદસ્વી હોતો નથી, ભારેખમ હોતો નથી, પવન પાતળો હોય છે!   તે સરળ અને સાહજિક હોય, બરડ નહીં પણ લવચિક હોય. તે અનાયાસે આવે છે,  ગીતમાં પોતાની યોગ્ય જગા લઈને આવે છે. એ જ્યાં સ્થપાય છે ત્યાં તેનું સૌંદર્ય વેરી રહે છે, પોતાનું સૂક્ષ્મ સંગીત વહેતું કરી દે છે અને પોતાની અનિવાર્યતા સિદ્ધ કરી દે છે. લય આમ તો માત્રામેળ છંદોનું સંયોજન માત્ર છે, પરંતુ  એ ગીતમાં પ્રયોજાય છે ત્યારે  ગીતના શબ્દનું કવચ બની રહે છે અને ગીતના ભાવના છડીદાર રૂપે અગ્રસર હોય છે. ગીતની ઘટનામાં ભાવનું કાચું દ્રવ્ય લયજન્ય પધીકરણ દ્વારા ભાષાવતરણ પામે એ વ્યાપાર રસસર્જન-સૌંદર્ય સર્જનની ભૂમિકાનો છે. ‘ભાવ’થી ‘ભાષા’ પર્યન્તની આખી યે પ્રક્રિયા સર્ગશક્તિના સૂક્ષ્મ કલાવિવેકને અપેક્ષે છે. 

(રમેશ પારેખ – ‘હોંકારો આપો તો કહું’ પુસ્તકના અંશો)

મૂળ પોસ્ટીંગ 27.11.2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: