મધુમતી મહેતા ~ ઊંડી ખીણો ઊંચા ડુંગર * Madhumati Maheta  

રામભરોસે

ઊંડી ખીણો ઊંચા ડુંગર ચડવાનું છે રામભરોસે
જીવ્યા જેવું જીવતર છે ને મરવાનું છે રામભરોસે.

ક્યાં હોડી ને ક્યાં હલ્લેસાં ક્યાં છે શઢ ને ક્યાં બેલીડા;
પથ્થર જેવી જાત લઈને ફરવાનું  છે રામભરોસે.

જંગલની લીલાશ બનું યા પંખીની ઊડ્ડાન ભલે;
પાન બનું કે પીચ્છું, મારું ખરવાનું છે રામભરોસે.

કાણી કોડી ફાટલ જૂત્તા, તરસી આંખો લાંબા રસ્તા;
યાદોનો લઈ એક ખજાનો ફરવાનું છે રામભરોસે.

હું છું સપનું કે જોનારો હું પ્યાદું કે હું રમનારો;
તર્કવિતર્ક બધા છોડી દઈ રમવાનું છે રામભરોસે.

~ મધુમતી મહેતા

‘રામભરોસે’ બોલચાલમાં અતિ વપરાતો શબ્દ અને છતાંય એના ભાવજગતથી માનવી સાવ દૂર….

સૌ કોઈ જાણે છે કે ‘ધાર્યું ધણીનું થાય છે’ (આ પણ બીજો એક જાણીતો પ્રયોગ) અને છતાંય ધારવામાં અને મથવામાં જ આપણી જિંદગી પૂરી થાય છે. ઉપરના શબ્દો આપણી જીભને ટેરવે રમતા હોવા છતાં, મળે તો રાજી અને ન મળે તો આપણે ઈશ્વરને ફરિયાદ કરવામાં કે કોસવામાં પણ પાછા નથી પડતાં….

એક સરસ મજાનો કોર્સ છે, CFL (Coach for Life). કોઈએ કહ્યું કે “એમાં તો ઇચ્છાઓનું લિસ્ટ બનાવવાની, રોજ આશીર્વાદો ગણવાની, ખુશ રહેવાની વાતો થાય છે. એ બધું તો આપણને ખબર જ હોય ને !  કશું નવું નથી” મારો જવાબ હતો, “હા, કશું નવું હોતું જ નથી. સત્ય એક જ અને એ જ હોય. આમ આ બધું ખબર જ હોય. પણ આ વાક્યો એ Ph D છે અને આપણે સીધા Ph Dના પાઠો ભણવા બેસીએ છીએ એટલે કદી ત્યાં પહોંચતા નથી. જાણીએ બધું જ પણ આચરણ ? શૂન્ય ! નહીંતર આપણે દુખી હોઈએ જ નહીં, ન તો આપણી પાસે કોઈ ફરિયાદ હોય, ન કોઈ સંબંધોમાં મુશ્કેલી હોય. જ્યારે આપણે તો આ બધી મુશ્કેલીઓના ઘોર જંગલમાં ફસાયેલા છીએ! આ CFL આપણને એકડિયાથી/પહેલા ધોરણથી શીખવાડે છે અને જો આપણે એમાં એકનિષ્ઠા રાખીએ તો આપણને Ph D સુધી લઈ જવાની હામ ભીડે છે !”   

લો, આ ‘રામભરોસે’ શબ્દે ક્યાંથી ક્યાં પહોંચાડી દીધા !

4 Responses

  1. વાહ ખુબ સરસ રચના અભિનંદન

  2. ઉમેશ ઉપાધ્યાય says:

    વાહ 👌🏻👌🏻

  3. સરસ રદિફ નો ઉપયોગ કર્યો, જૂદા જૂદા ભાવવિશ્વ માં વિહાર કરાવે છે. આપની નોંધ સરસ.

  4. Saryu Parikh says:

    મધુબેનની ખુબ સરસ રચના.
    સરયૂ પરીખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: