હનુમાન
એનું તું કેમ લગાવી શકે અનુમાન,
એ તો જનમથી જ છે અદ્દલ હનુમાન.
મસ્જિદે ગયો તો કહે: .હિન્દુ તું,
મંદિરે કહે બધાં: આ છે મુસલમાન.
શિવમંદિરે પૂજામાં પઢતો કલમા પાંચ,
આજ સપનામાં મને આવેલો ઈન્સાન.
ગંગા-જમની વારસાનું તેજ ઝળહળ તેજ,
મુલ્લા મંત્રોચાર કરે ‘ને પંડિત પઢે કુરાન.
આ લોકના નફા બધાં ત્યાં હશે નુકસાન,
ચાલ મુલ્લા-મહંત કરી, બંધ એવી દુકાન
~ ઇલિયાસ શેખ
માણસને માણસ તરીકે જીવવા દઈએ અને આ બધી દુકાનો બંધ કરીએ એ સિવાય વિશ્વમાં શાંતિ સ્થપાવી અશક્ય છે. અલબત્ત આ દુકાનો અને ધર્મને કોઈ સંબંધ નથી એ યાદ રહે. ધર્મ સંપૂર્ણપણે અંદરની વાત છે, હૃદયની વાત છે, શ્રદ્ધાની વાત છે. બહારના આચારો એને દૃઢ કરવા માટે રચાયા હશે. એ રચનારાઓને કલ્પના પણ નહીં હોય કે માણસ એક દિવસ આ આચારોમાં જ રમમાણ થશે, અરે એના માટે યુદ્ધે ચડશે !

વાહ, ખૂબ જ સરસ ગઝલાભિવ્યક્તિ.
બંને રચના ફરી ફરી વાંચવી ગમે તેવી..
બન્ને ગઝલ સંવેદનશીલ.