નલિન રાવળ ~ પાણાનો વગડો સૂનકાર * Nalin Raval

પાળિયો

પાણાનો વગડો સૂનકાર
કાંસાના સૂરજનો વરસે તડકો તીખો ખાર
ખડખડ હસતા ખરખર ખરતા રડે

વાયરા ખૂબ ભેંકાર
પડઘાતો વગડો સૂનકાર.
ઉભડક સૂતી પથરાળી ફૂટેલી વાવ
વાવના અંધકારમાં અંધ પાંગળો ફરતો કાળ
કાળને માથે ઊભો જરઠ પાળિયો એકલ સાવ.
ભૂંસાતા ઘોડાના ખરતા પીઠપાંસળે

બેઠેલો ઊંચો અસવાર
બેઠેલો ઊંચો અસવાર,
હાથ-પગ-છાતી-મોં-મસ્તક-ધડના

લટકી લીરા લોહી નીંગળતા ઘાવ
લોહીનીંગળતા ઘાવ.
લબડતી આંખોમાંથી ખરખર ખરતા રડે

વાયરા ખૂબ ભેંકાર વાયરા ખૂબ ભેંકાર.
હસતા ખરખર ખરતા રડે

વાયરા ખૂબ ભેંકાર.
પાણાનો વગડો સૂનકાર
પડઘાતો વગડો સૂનકાર.

~ નલિન રાવળ (17.3.1933 – )

અમદાવાદમાં જન્મેલા આ કવિ અંગ્રેજીના પ્રાધ્યાપક હતા. વિવેચક, અનુવાદક અને વાર્તાકાર. પશ્ચિમના સાહિત્યનો ઊંડો અભ્યાસ. કાવ્યમાં મૌલિકતા, શિસ્ત અને સૌષ્ઠવ.

કાવ્યસંગ્રહો : ‘ઉદ્ગાર’, ‘અવકાશ’ અને લયલીન

‘અવકાશ પંખી’ સમગ્ર કવિતા સં. યોગેશ જોશી

જન્મદિને કવિને સ્મૃતિવંદના

4 Responses

  1. ઉમેશ જોષી says:

    સરસ રચના.

  2. Minal Oza says:

    બલિદાનના દસ્તાવેજ સમા પાળિયા મસે કવિએ ઘણું ઘણું નિર્દેશ્યુ છે.

  3. ખૂબ સરસ અભિવ્યક્તિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: