હર્ષા દવે ~ જતા આવતા શ્વાસ- ઉચ્છ્વાસ જેવાં * Harsha Dave  

મકાનો

જતા આવતા શ્વાસ-ઉચ્છવાસ જેવાં ગુલાબી ને કાળાં મકાનો
મને  મારી  માની  હથેળી જ લાગે હૂંફાળાં હૂંફાળાં મકાનો,

પડે ભીંતમાં ગાબડું  તોય  અણસાર પપ્પાના ચહેરાનો ભાસે,
કરે  છે  ખરેખર  ઘણી  વાર  એવી  રીતે  મારાં  ચાળાં મકાનો!

વીતેલાં  સમયની  જુની ચોપડી જ્યારે વાંચું તો એવું જ લાગે,
શહેરની   ટૂંકી   વારતા   હોય   શેરી ને એનાં મથાળાં  મકાનો!

નવો  રંગ  દિવાલ  પર  ધોળવાનો   ઘણી  વાર  પ્રસ્તાવ  મૂકું,
રડે ને  ચડી  જાય  કેવાં  તરત  હીબકે  સાવ  આળાં  મકાનો!

કદી  બાપદાદાના  ખભે  હતો  મોભ- ભાંગી પડ્યો છે હવે તો,
અડીખમ ઊભાં છે હજી કઈ રીતે એ ન પૂછો મૂછાળાં મકાનો!

ઘટાદાર વડલાની વડવાઈ જાણે કે છૂટી ગયેલી લટો હો
મને લાગતું કે સમાધિ લગાવીને બેઠાં જટાળાં મકાનો!

 ~ હર્ષા દવે

મકાન જેવી જડ વસ્તુ સાથે અહીં અદમ્ય તાદાત્મ્ય અનુભવાય છે. સહેતુક કવિએ મકાન શબ્દ વાપર્યો હશે! બાકી મકાનને ઘર બનાવવાની કળા માત્ર સ્ત્રી પાસે છે, એ સૌ જાણે છે. એના વિના મકાન ક્યારેય ઘર નથી બનતું.

માતા-પિતા, શહેર, બાળકના કલ્પનમાં અદભૂત સંવેદનો નિપજાવ્યા છે તો છેલ્લા બે શેરમાં એનામાં ચેતન તત્ત્વની ઊંચાઈ  ઉપસાવીને કવિતામાં કમાલ થઈ છે. 

5 Responses

  1. વાહ, મકાનના સંદર્ભે આવી ગઝલ કહેવી એ ‘કાબિલે દાદ’ કવિની અભિવ્યક્તિ છે.

  2. ખુબ સરસ રચના ખુબ ગમી

  3. કંચનભાઈ અમીન says:

    સરસ ગઝલ – -હર્ષા દવેને ખૂબ ખૂબ અભિનંદન

  4. Bharatsinh Jethwa says:

    અદ્ભૂત શબ્દ ફૂલો

  5. ઉમેશ જોષી says:

    વાહ.. ગૂઢાર્થ ગઝલ ખૂબ સરસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: