દક્ષા વ્યાસ ~ લો, સફરનો સાથ * Daxa Vyas

સફરનો સાથ

લો, સફરનો સાથ આ પૂરો થયો
મળીશું ફરી, પંથ આ જુદો થયો

દિવસો, માસો, વર્ષો વહી ગયાં
યાદનો એ ઝરો ના સૂકો થયો

આવ્યા તમે પુષ્પ પર પતંગ થઇ
ઘડીપળ રસપાનનો મોકો થયો

છે ભાગ્યમાં રસ દઇ મુરઝૈ જવું
ખુદ ઇશ્વરે નિર્મ્યું કે ધોખો થયો

લો, મોકલું સુવાસ એ સફરની
સ્નેહનો રંગ આ પાકો થયો…

~ દક્ષા વ્યાસ

કેટલી સહજ રીતે નાયિકાએ સાથ છૂટ્યાની વાત કરી છે !! શબ્દોમાં નથી કોઇ ફરિયાદ, નથી કોઇ પીડા ! બસ એક મુસાફરની જેમ કોઇ આવ્યું અને ચાલ્યું ગયું. એક એક પંક્તિએ આશાવાદ ઝલકે છે. નાયિકા કહે છે, સફરનો સાથ પૂરો થયો, પંથ ભલે જુદો થયો પરંતુ આપણે ફરી મળીશું જ. દિવસો, માસો અને વર્ષો ….. સમયની નદીમાં કેટકેટલાં પાણી વહી ગયાં !!! પણ સ્મરણની સુગંધ હજી ફોર્યા જ કરે છે અને સંબંધની એ જ ખૂબી છે !!

પુષ્પ અને ભ્રમરનો સંબંધ જુગજુનો છે. ભ્રમરની આદત છે, ફૂલ ફૂલ પર રસ ચુસતા રહેવાની…. અહીં પણ નાયિકા એ જ અનુભવે છે પણ ઘડીભર રસપાનનો મોકો થયો એની ખુશીયે સહજતાથી વ્યક્ત કરે છે…હા, એ પછી બંને છૂટા પડ્યા, એ સ્વાભાવિક છે કે ન જ ગમે પરંતુ આશ્વર્ય એ છે કે એ માટે નાયિકા ભાગ્યને દોષ દઇ દે છે. આવું ભાગ્યે જ બનતું હોય છે. પ્રેમીએ દગો દીધાના અસંખ્ય કાવ્યો, ગઝલો લખાયાં છે પણ અહીં તો નાયિકા કહી દે છે કે શું કરું ?

એક પરિપક્વ પ્રેમની અહીં અભિવ્યક્તિ વર્તાય છે. અહીં માત્ર સાથ છૂટ્યાની વાત છે, સાથ વિશે એમણે વધુ કહ્યું નથી. સાથ છૂટ્યો છે પણ સાથ સૂકાયો નથી કે શોષાયો નથી.. એ જીવંત છે, એનાં મૂળ સલામત છે. મુરઝાઇ જવાની વાત કે ‘ધોખો થયો’ જેવા શબ્દો વપરાયા હોવા છતાં આખીયે પ્રસ્તુતિ પૂરી વિધેયાત્મક છે, આશાથી ભરી ભરી છે કેમ કે અંતમાં નાયિકાએ સફરની સુવાસ મોકલી સ્નેહના રંગને પાકો બનાવવાની શક્યતાઓ ઉઘાડી છે !!

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 77 > 12 માર્ચ 2013 (ટૂંકાવીને)

3 Responses

  1. ઉમેશ જોષી says:

    વાહ સરસ ગઝલ… સરસ આસ્વાદ.

  2. કાવ્યનો ભાવ સરસ હકારાત્મક છે, આપનો આસ્વાદ લેખ પણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: