નિર્મિશ ઠાકર ~ ધોધમાર તેજનો * Nirmish Thakar

ધોધમાર તેજનો ખુમાર, તે હું !
તોય ઘોર રાતનો નિખાર, તે હું !

આભ કે ધરાથી સ્હેજ બ્હાર, તે હું !
સાત સાત સૂર્યનો પ્રસાર, તે હું !

રાત ઝાકળો બની ઠરેલ, ને પણે
છોળ છોળ છૂટતી સવાર, તે હું !

સામ સામે આયનાની હાર, કેન્દ્રમાં
આદમી છતાંય જે ધરાર, તે હું !

સ્થિર આંખહાથ, કાળ સ્થિર જે ક્ષણે,
તીર અચૂક લક્ષ્યપાર, તે હું !

~ નિર્મિશ ઠાકર

કવિનું તા. 18 જાન્યુઆરીના રોજ દુખદ અવસાન થયું છે. એમના આત્માને ઈશ્વર ચિર શાંતિ અર્પે એ જ પ્રાર્થના

કવિ, લેખક, વાર્તાકાર અને કાર્ટૂનિસ્ટ, વ્યંગકાર નિર્મિશ ઠાકરની આ ખુમારીથી ભરેલી રચના. યાદ આવે નરસિંહ મહેતાનું આ પદ – ‘નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું, તે જ હું તે જ હું શબ્દ બોલે !’ આ રચનામાં કવિ આ જ ભાવથી ભરપૂર મન લઈને આવ્યા છે.

ધોધમાર તેજનો ખુમાર, તે જ હું ! અહીં શ્રીમદ ભગવદગીતાના શ્રીકૃષ્ણનું સ્મરણ થાય અને પછીની પંક્તિ તોય ઘોર રાતનો નિખાર, તે જ હું !માં મનુષ્યત્વ ઝળકે છે. આશાનો પ્રચંડ અજવાસ અને કાળી રાત જેવી ઘનઘોર નિરાશાનું અંધારું, જીવનના આ ઉત્તર-દક્ષિણ જેવા બેય પાસા વચ્ચે ઝુલતો માણસ એટલે નાયક અને આપણે સહુ.

આભ કે ધરાથી સ્હેજ બ્હાર તે જ હું શબ્દોમાં કવિકર્મ સરસ પ્રગટ્યું છે.  બંને અંતિમ છેડાની વાત અને છતાંય સુંદર સંયોજન એટલે આ ત્રીજો શેર, રાત ઝાકળો બની ઠરેલ, ને પણે…
છોળ છોળ છૂટતી સવાર, તે જ હું ! રાતને ઝાકળથી ઠરેલ બતાવવી એ હૃદયની અંદર એક ભીની ઠંડક ભરી જાય છે તો છોળ છોળ છૂટતી સવાર શબ્દો તાજગી અને માધુર્યથી ભરપૂર કલ્પનાની અનુભૂતિ આપે છે. પ્રકૃતિના સુંદરતમ રૂપોને અહી આવરી લેવામાં કવિ સફળ રહ્યા છે.

એ પછીના શેરમાં કવિ ફરી મનુષ્યત્વ તરફ વળે છે. સામસામે અરીસાઓની હાર છે જેમાં વચ્ચે ઉભેલા આદમીની કેટલી છાયાઓ દેખાય ! અહીં અરીસામાં પોતાને જોવાની વાત પણ ક્યાંક ડોકાતી હોય એમ લાગે છે. માનવીએ પોતાની ભૂલો, પોતાની મર્યાદાઓ ઓળખવી જોઈએ, એમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરવો જોઈએ. અરીસો કોઇની શરમ નથી રાખતો. એ જેવું છે એવું જ બતાવે છે. કવિ કહે છે, આદમી છતાંય જે ધરાર, તે જ હું ! પોતાની મર્યાદાઓ જે હોય તે, ખામીઓ જે હોય તે પણ હું આ જ છું, હું આવો જ છું’, તમે સ્વીકારો તોય ભલે ને ન સ્વીકારો તો તમારી મરજી ! અહી ધરાર શબ્દ કવિનો મિજાજ બતાવે છે. સચ્ચાઈ છુપાવવાની નહીં અને ટીકાથી ડરવાનું નહીં. મૂળ વાત આત્મવિશ્વાસની છે, ખુમારીની છે જે અહીં પ્રખર માત્રામાં ઝળહળે છે.   

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 422 > 17 માર્ચ 2020 (ટૂંકાવીને)  

 

4 Responses

  1. સ્મ્રુતિવંદન કવિ શ્રી

  2. ઉમેશ જોષી says:

    સ્મરણ વંદના.

  3. ખૂબ જ દુ:ખદ સમાચાર, ૐ શાંતિ.

  4. Minal Oza says:

    સરસ મજાની વાત કાવ્યમાં વ્યક્ત થઈ છે. કવિને. શ્રદ્ધાંજલિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: