ભાગ્યેશ  જહા ~ કહું છું કહીને & સંકોચાયેલું મૌન * Bhagyesh Jaha

એક યુગલ—ગીત

“કહું છું”! કહીને મેં ક્યાં કંઈ કીધું,
તેં “સાંભળો છો’! કહી ક્યાં સુણાવ્યું,
આપણે તો આપણા જીવનનું ગીત
કેવું ધોધમાર, જોરદાર ગાયું,
જાણે આભ આખું આંગણે સમાયું.

ચપ્પલને ઊંધું હું પાડીને
ઝગડાના ઝાંપાને સહેજ-સાજ ખોલું,
ત્યાં જ મારા ચશ્માંના લૂછે તું કાચ,
અને પેન કહે હું “કંઈ બોલું?”
આપણે તો આપણને સુંઘાડયું ફૂલ,
જેનું સરનામું સાચે વખણાયું…
જાણે આભ આખું આંગણે સમાયું.

બાથરૂમ કે અરીસા પર ચોંટેલા ચાંલ્લામાં
વાંચું હું તબિયતની ભાષા,
ઓટલા પર સૂકવેલા સૂરજમાં સાચવે તું,
મોજ અને મસ્તીની આશા.
આપણા ‘અથાણા’ને ‘છુંદા’માં હોય,
કો’ક મંજરીનો મઘમઘતો વાયુ,
જાણે આભ આખું આંગણે સમાયું.

હસવાનું, હસવામાં લેવાનું સઘળું
ને વાત કરી વાત વાળવાની,
કે’તો’તો કે’તી’તી કહેનારી ના’ત
ત્યાં તો ભાષાને ભરદરિયે ગાળવાની.
સપનાથી શણગાર્યું, પ્રેમ કરી પડકાર્યું.
આપણે તો અજવાળ્યું આયખું,
આપણે તો આપણા જીવનનું ગીત
કેવું જોરદાર ધોધમાર ગાયું,
જાણે આભ આખું આંગણે સમાયું.

~ ભાગ્યેશ જહા

પરિણીત જીવનમાં પૂર્ણતા અનુભવવી હોય તો આ ગીત ગીતા બને એમ છે. પતિ-પત્નીના પ્રશ્નોના હળવા ને સરળ ઉત્તરો છે. કવિના વકતવ્ય દરમિયાન આ નટખટ નિરાળું ગીત સાંભળ્યુ ત્યારનું મનમાં વસી ગયું હતું. લો, આજે તમારા માટે પણ….

સંકોચાયેલું મૌન

એક ખૂણામાં પડ્યું હતું

સંકોચાયેલું મૌન

ટૂંટિયું વાળીને પડેલા

કૂતરાની જેમ

ગયા જન્મમાં ભસેલું ને

પછી

તીરના મારાએ સીવી લીધેલું

એનું મોં

બસ,

એ મૌન લઈને સૂતું છે

હવાની દીવાલ પર

એના ભસવાના ડાઘા છે

હાલક ડોલક.

~ ભાગ્યેશ જહા

આ સંગ્રહનું શીર્ષક કાવ્ય.

સંકોચાયેલું મૌન’ ~ કવિ ભાગ્યેશ જહા * નવભારત સાહિત્ય મંદિર 2014

9 Responses

  1. વાહ ખુબ સરસ અભિનંદન

  2. Kirtichandra Shah says:

    The યુગલ ગીત is just beautiful: unparralal I Enjoyed

  3. ઉમેશ જોષી says:

    વાહ.. ગીત… દરેક યુગલની અનુભૂતિનો અનુભવ કરાવે એવું છે.
    સંકોચાયેલુ મૌન… ખૂબ સરસ.

  4. સાયુજ્યનું નેશ્નલ એન્થમ એવું આ ગીત ભાવકને પ્રસન્ન કરી જાય છે. બિલકુલ ભાગ્યેશભાઈના મુખ પરી નિતાંત નિરાંતનું પ્રસન્ન હાસ્ય જ જાણે ….!🙏

  5. વાહ, જહાં સાહેબ ની બંને રચનાઓ ખૂબ ગમી.

  6. Minal Oza says:

    બંને રચનાઓની વ્યંજના ખૂબ સરસ રીતે વ્યકત થઈ છે.

  7. સુરેશ 'ચંદ્ર'રાવલ says:

    બન્ને રચનાઓ અદભુત.. ખૂબ ગમી. અભિનંદન.

  8. વારી જવાય એવું મઝાનું યુગલ ગીત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: