જયેન્દ્ર શેખડીવાળા ~ સમંદર શાન્ત છે & ભોમિયા ભોંઠા પડે * Jayendra Shekhadiwala

આકાશ બોલે છે

સમંદર શાન્ત છે,  ઘર મૌન છે, આકાશ બોલે છે:
“સમંદર શાન્ત છે. ઘર મૌન છે. આકાશ બોલે છે “

હૃદયની  પાર  જઈને એક  સ્મરણનું દ્રશ્ય ખુલે છે
“સમંદર શાન્ત છે.  ઘર મૌન છે. આકાશ બોલે છે”

અહો ગતજન્મ જેવું મારું આ હોવું  તારી તોલે છે
“સમંદર શાન્ત છે. ઘર  મૌન  છે. આકાશ બોલે છે”

ન છે  કોઈ શ્વાસ, ના આકાશ, ના અવકાશ મારામાં
“સમંદર શાન્ત છે. ઘર મૌન  છે. આકાશ બોલે  છે”

નજર  સામે  પડી છે  અફાટતાઓ  કૈં જીવન  રૂપી
“સમંદર શાન્ત  છે. ઘર મૌન  છે. આકાશ બોલે છે”

~ જયેન્દ્ર શેખડીવાળા

સાગર – જે સદાય ઊછળતો હોય; ઘર – જે મોટેભાગે બોલકું હોય અને આકાશ જે સદાય શાંત હોય (ચોમાસા સિવાય!) – આ ત્રણેયની ગુણબદલી દ્વારા કવિ કંઈક બીજું જ સૂચવે છે ! આ એક લીટીના આવર્તનો પહેલાંની પંક્તિ કવિના આંતર આવર્તનોનો આભાસ આપે છે… બાકી કવિતા ગૂઢ છે, કવિ પણ ગૂઢ છે… અને ગૂઢતા પણ રસભરી છે !    

@@

એવું કરો

ભોમિયા ભોંઠા પડે એવું કરો,
આંસુની સરહદ જડે એવું કરો.

સૂર્યને મૂકી ચરણના તાળવે
જળ ઉપર પગલાં પડે એવું કરો.

જળની ભાષામાં કિરણ જે ઓચરે,
વાંચતાં એ આવડે એવું કરો.

ભીંત પર ચિતરી ફૂલો ભીનાશનાં,
અશ્રુછાયા સાંપડે એવું કરો.

આ ગઝલ ઊતરીને ઊંડે કાનમાં,
શિલ્પ આંસુનાં ઘડે એવું કરો.

~ જયેન્દ્ર શેખડીવાળા

આંસુની સરહદથી માંડીને આંસુના શિલ્પ ઘડવાની વાત આવા કવિ જ કરી શકે…. શબ્દોથી ખસીને, ઊંડા ઊતરીને ભાવના શિલ્પ નિહાળતા શીખવાનું છે. તો કદાચ એને પામતાં આવડે !   

4 Responses

  1. હરીશ દાસાણી says:

    બંને કવિતાઓ પ્રસન્નતા પ્રેરક

  2. ઉમેશ જોષી says:

    બન્ને રચના ખૂબ ખૂબ સરસ છે.
    કવિ જયેન્દ્ર શેખડીવાળાને અભિનંદન.

  3. કવિ શ્રી ની આ રચનાઓ ખરેખર ગૂઢ છે, સમજાય તો સમજાય.

  4. જયેન્દ્ર શેખડીવાળાની બંને ગઝલો કાબિલે તારીફ છે.કવિ ઊંડાણના તળિયાઓ ખોદીને હિરા મોતી લ ઈ આવે છે અને કવિતાના આકાશમાં જે દીવાઓ તરતા મૂકે છે તેનું અજવાળું ભાવકને જાગતો કરી દે છે ! કવિશ્રીને સલામ દિલસે !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: