રમેશ પારેખ ~ છાજલી પર પુસ્તકો * Ramesh Parekh

મારો અભ્યાસખંડ

છાજલી પર પુસ્તકો અ થી જ્ઞ સુધીનાં …..
દુનિયાના નકશા જેવો
મારો અભ્યાસખંડ લટકે છે વિશ્વમાં.

‘છાજલી પર પુસ્તકો’ – એમ કહું કહું ત્યાં
છાજલી તળે ઠોકેલા ખીલા મને કરે છે ચૂપ.
તે કહે છે :’આ તો ફરિશ્તાઓની વસ્તી છે!’
ને છાજલી હકારમાં વધુ ઝૂકે છે …

અહીં શબ્દોનો બગીચો મઘમઘે છે – એમ બબડતું કોઇ પુસ્તક.
મારાં બે પૃષ્ઠ વચ્ચે છે સ્વર્ગ
– એવું જાહેર કરે કોઇ ઝીણકુડી ચોપડી.
ખોખરા અવાજે બોલે છે શબ્દકોશ:
‘અલ્યા, અહીં તો બધી ભાષાઓ ગાય છે ગીત.
ગીત – ફૂટપાથ પર ઠૂંઠવાતા ભિખારીઓનાં,
ગીત – ખૂણે બેસી આસું પાડતી નવવિધવાનાં,
ગીત – યુદ્ધમાં કપાઇ ગયેલા સૈનિકોનાં.
ગીત – ભૂખથી વલવલતાં શિશુઓનાં
ગીત – હોસ્પિટલમાં ક્ણસતા રુગ્ણોના,
ગીત – માનવ્યનાં,
ગીત – માનવ્ય માટે ઝૂઝતા ચપટીક શ્વાસોનાં
ગીત – નિ:શ્વાસ નાખી રસ્તે જતા થાકેલા પ્રવાસીનાં’

‘અહીં ફિલસૂફોએ, ઉકેલી નાખ્યો છે
કાળનો કોયડો…’ એમ ધીમેકથી કહે કોઇ જર્જરિત ચોપડી –
‘આ બધાં ગ્રંથો છે સમાજની યાદદાસ્ત’
એમ કહી ટપ્પ કરતું નીચે પડે કોઇ પુસ્તક.
મારા અભણ કપાળમાં શબ્દનું ટીલું
અહીં અક્ષર છે,

ધર્મ – જે ખંડિત કરતો નથી કશું,
જે બનતો નથી કદી પશુ
બે પૃષ્ઠ વચ્ચેથી નીકળી
તે કોઇનાં ઘર કે સપનાં સળગાવતો નથી.
નથી ભોંકતો કોઇને છૂરો.
અહીં મંદિરની જગ્યાએ મૂકો મસ્જિદની ચોપડી
તો બકરીય કરે નહીં બેં, એવું રામરાજ્ય છે!

અહીં એકે અક્ષર નથી ધર્માન્ધ.
અહીંથી જ ઊગે છે સૂર્ય
જે અજવાળે છે ભીતરી બ્રહ્માંડ …
ચાચા ગાલિબ એના દીવાનમાંથી,
ડોકિયું કરી પૂછે: ‘તું કોણ?’
તો હોઠ બોલી ઊઠે – ‘ હું મુસલમાન !’
મીરાં, કબીર, તુલસી , નાનક
પૂછે તારું કયું થાનક, જ્યાં તું ટેકવે તારું મસ્તક
ને ભીડ પડયે કોને દરવાજે દે તું દસ્તક ?
તો હું ચીધું મારા પુસ્તકની છાજલી …

ખ્રિસ્ત, બુદ્ધ કે મહાવીર મને ચીંધે દિશા
પુસ્તકમાં જાય – આવે મારા વિચાર લિસ્સા !
મારી છાજલી રામની જન્મભૂમિ નથી,
એ તો છે વૃંદાવન,
જ્યાં વિશ્વની તમામ સુંદરતા
ગોપી બનીને રાસ રમે
મારું અંતર એમાં ફેરફૂદરડી ભમે…
ધર્મનો ‘ધ’
બે પૂઠાં વચ્ચેથી નીકળીને
બીજાં પુસ્તકમાં વધ કરવા નથી જતો…

તો ઉપદેશકો, હોંશિયાર !
મારી છાજલી પર પુસ્તકોની કતાર,
જેમાં પ્રત્યેક ધર્મ ને મનુષ્ય પ્રતિષ્ઠિત પુરબહાર …
તમારાં કંઠીકંઠા, મારા અભ્યાસ ખંડને ન અભડાવે
બીભત્સ્તા મારા ખંડના બારણાં ન અભડાવે
તો બસ.
આખા વિશ્વમાં સૌથી પવિત્ર જગા છે –
મારા પુસ્તકોની છાજલી.
મારો અભ્યાસખંડ તીર્થ છે, મારા માંહ્યલાનું,
તમે આવો તો તમારુંય!……

~ રમેશ પારેખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: