દિનાનાથ વ્યાસ * Dinanath Vyas & કલ્યાણજી વિઠ્ઠલભાઈ મહેતા * Kalyanji Maheta
કાળના અણસારને
આપણે પામી શક્યા ના કાળના અણસારને
ના શકી સમજી કદીયે પિંગલા ભરથારને.
રોમરોમે સ્ફુરણા છે કૃષ્ણનાં સ્મરણો તણી,
બસ કરો. ઉદ્ધવ તમારા કૃષ્ણના અવતારને
ઝાંઝવાં પાછળ સીતા ને રામ પણ દોડ્યા કરે,
ના હણી સુવર્ણમૃગોની છતાં વણજારને.
(દ્રોણપુત્રો) લાખ છો બ્રહ્માસ્ત્રને છોડ્યા કરે,
કૃષ્ણ અવતારી શકે છે (ઉત્તરાના) ગર્ભ કેરા ભારને.
છો ગળે ગાત્રો શિથિલ ચરણો ભલે ધ્રૂજ્યા કરે,
કૃષ્ણ યોગેશ્વ૨ ઊભો દેખ્યા કરે પગથારને.
~ દિનાનાથ વ્યાસ (7.11.1927)
કવિ જન્મસ્થળ સરસવણી (જિ. ખેડા). બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી એમ.એ. શિક્ષણકાર્ય.
‘વર્ષામંગલ (૧૯૬૮) એમનો કાવ્યસંગ્રહ.
કવિને જન્મદિને સ્મૃતિવંદના
હામ મૂક્યે શું થાયે?
હામ મૂક્યે શું થાયે?
અધવચ હામ મૂક્યે શું થાયે?
વીલે મુખે પાછા ફરવું કે તરી જવું તે પારે;
ઠામ નહિ કૈં પગ ટેકવવા મળે અહીં મઝધારે.
વળતાં પાણીથી શીદ હઠીએ? નિશ્ચય પાછળ ભરતી;
લંગર નાખી આજ અટક્યા તો ગતિ અનુકૂળ વળતી.
નિશા-નિરાશા ટળશે કાળી, ઊજળી ઉષા ઊગશે;
આજ ડૂબ્યો સવિતા તે શું નહિ કાલ પ્રભાતે ઊગશે?
~ કલ્યાણજી વિઠ્ઠલભાઈ મહેતા (7.11.1890-11.7.1973)
કવિને જન્મદિને સ્મૃતિવંદના
સાદર સ્મરણ વંદના.
બન્ને રચનાઓ ખુબ સરસ અભિનંદન સ્મ્રુતિવંદન
બંને કવિઓની કવિતાઓ સોદ્દેશ છે. કવિઓને વંદન.
જોમ સભર રચનાઓ.👌👌👌 કવિને વંદન🙏🙏🙏