રમેશ પારેખ ~ આલા ખાચરનું & કાઇપો * Ramesh Parekh

આપણું તો….

આલા ખાચરનું ‘આપણું તો…..’
ભવાયા આવીને કે’ :
‘બાપુ જોવા ન આવે તો રમીએ નંઈ.’
-હાળાંવને દીધાં બે ગામ, તાંબાના પતરે.

હડાળાનો કણબી કે’કે
‘દીકરીના આણાં અટક્યા છ્ !
અફીણ ખાઉં.’
કાઢી દીધો પગનો તોડો,
નગદ સોનાનો:
‘જા હાળાં, કર્ય આણાં…..’

નગરશેઠે પગ ઝાલ્યા :
‘બારે વા’ણ બૂડ્યાં,
વખ ઘોળું, લેણદારોને શેં મોઢું બતાવું ?’
દીધાં જરઝવેરાતનાં ગાડાં :
‘લ્યો, રાખો મૂછનાં પાણી….’

આપણું તો એવું.
માગતલ મૂંઝાય,
આપતલ નઈં.
ઠકરાણાં ક્યે :
‘સૌને દીધું, અમને? અમે વાંઝિયાં.’
‘લ્યો, ત્યારે’
– એમ કહીને દેવના ચક્કર જેવા
ખોળાના બે ખૂંદતલ દઉં દઉં
ત્યાં ગધની આંખ્યું ઊઘડી ગૈ.

~ રમેશ પારેખ

રમેશોત્સવ

કાઈપો

‘કાઈપો !’
‘શું-શું ? પતંગ ?’
‘ના, આજનો દિવસ’
‘એમાં રાજીના રેડ થવાનું ?’
‘તમને ખુશી ન થઈ ?’
‘દિવસ વીતે એમાં ખુશી શાની ?’
‘લાઈફનો એક દિ’ ટુંકાયો ને !’
‘લાઈફ તો અમૂલ્ય છે’
‘તો ?’
‘એ ઘટે એ તો ખિન્નતાની બાબત છે’
‘તમને ખિન્ન થવાની છૂટ…’
‘વાત ઉડાવો છો !’
‘ખિન્નતાપર્વ ઉજવો કે મોદપર્વ,
શું ફરક પડવાનો, મૂળમાં ?’
‘પણ લાઈફ જેવી લાઈફ આમ ચાલી જાય…’
‘પકડી લો એને, મૂઠીમાં, બંધુ !’
‘એ જ તો આપણા હાથની વાત નથી’
‘તમારી સત્તા ન ચાલે ત્યાં
હથિયાર હેઠાં મૂકી દેવાનાં’
‘એ તો આત્મદૌર્બલ્ય’
‘હં’
‘પલાયનવૃત્તિ’
‘હં’
‘નામર્દાઈ’
‘એ તો નિયતિદત્ત છે’
‘આપણી કને કંઈ ઉપાય નહીં આનો ?’
‘છે ને !’
‘શું ?’
‘પ્રામાણિકપણે સગર્જન નિનાદ કરો’
‘શું ?’
‘કાઈપો !’

~ રમેશ પારેખ

રમેશોત્સવ

9 Responses

  1. વાહ ખુબ સરસ રચનાઓ ખુબ ગમી

  2. મને તો લાગે છે કે આને વાર્તા કહેવી કે કવિતા!

  3. ઉમેશ જોષી says:

    ર.પા.અમારા અમરેલીનું ગૌરવ…

  4. ઉમેશ જોષી says:

    ર.પા.અમારા અમરેલીનું ગૌરવ…
    બન્ને રચના ખૂબ સરસ.

  5. Anonymous says:

    બંને રચનામાં કેટકેટલું કહી દીધું કવિએ!

  6. હરીશ દાસાણી.મુંબઈ says:

    કવિના કટાક્ષ કાવ્યો કબીરની અવળવાણી જેવા.

  7. વહીદા ડ્રાઈવર says:

    વાહ મસ્ત રચનાઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: