મનીષ પાઠક ~ રોજ મારા નામનું * Manish Pathak * KS

રોજ મારા નામનું

રોજ મારા નામનું એ ન્હાય છે
એ રીતે એ જીવ મારો ખાય છે.

સત્ય કે’વા શ્વાસ જો રૂંધાય તો
સો ટકા લોહીનું પાણી થાય છે.

બોલવામાં જીભ જ્યાં લથડાય છે
આભ ધરતી બેઉ ત્યાં બદલાય છે.

બહાર ઘરની હું નીકળતો પણ નથી
વાત મારી બહાર ક્યાંથી જાય છે ?

હું મને મળતો રહું છું એટલે
સાધુ-સંતો મારા પર અકળાય છે.

~ મનીષ પાઠક ‘શ્વેત’

રોજ આવું થાય છે….  લતા  હિરાણી > દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 456 > 10.10.23  

થયા કરે છે, રોજ કઈંક થયા કરે છે. ‘હોવા’ના અસ્તિત્વને જડતા સાથે સંબંધ વધુ છે પણ આ ‘થવા’ના અસ્તિત્વને શ્વાસ સાથે સીધો સંબંધ છે. એ હૂંફાળી હયાતીનું બીજું નામ છે. હયાતીની હૂંફ જન્મના વધામણાં થાય ત્યારથી કશુંક કશુંક ‘થવા – Being’ સાથે જોડાઈ જાય છે અને આંખોમાં વિસ્મય અંજાય ત્યાં ‘કરવા – Doing’નું ચક્ર શરૂ થાય છે. વિસ્મયના વહાણ કોઈ દૂર કિનારે લાંગરાઈ જાય ને અંતે સમુદ્રના ઊંડાણોમાં અદૃશ્ય થાય ત્યારે હયાતી વિદાય લે છે પણ આ આખીયે ધારામાં કેટકેટલું બન્યા કરે છે! સાદા પરિચયોથી માંડીને સુખ દુખના પ્રદેશો તો શું એના શિખરો, એવરેસ્ટો સર થાય છે, ક્યારેક કરવા પડે છે અને એ જ જિંદગી છે!

શ્વાસની ગલી અત્યંત સાંકડી છે પણ એનું આવાગમન લોહીના એક એક બુંદને ધબકતું રાખે છે. ક્યાંક વાંચ્યું છે કે શરીરમાં લોહીનું વહન કરતી નળીઓની કુલ લંબાઈ 96,000 કિલોમીટર થાય ! એમાં વહેતું લોહી એક જૂઠથી પાણી બરાબર થઈ જાય એવું કવિ જ નહીં, ઘણા ફિલોસોફરો પણ કહે છે. લોહીનો રાતો રંગ શારીરિક દૃષ્ટિએ ભલે રક્તકણોને આભારી હોય, માનવહયાતીના સંદર્ભે એ માનવીની સચ્ચાઈનો દ્યોતક છે. મહાત્મા ગાંધીજી સત્ય પર જીવ્યા. એમના રક્તનળીઓમાં માત્ર ને માત્ર સત્ય વહેતું હતું. કોણ જાણે રાજકારણીઓ કેમ જીવતા હશે! ‘એનું જીવ્યું ધૂળ બરાબર’ આવા શબ્દપ્રયોગોનો જન્મ કઈક આવી બાબતોમાંથી જ થતો હશે!

જીભના ટેરવે સાચી વાત જ રમતી હોય છે. સાચું બોલવામાં કઈં વિચારવું નથી પડતું, કોઈ ગણિત કે કોઈ આયોજન નથી કરવું પડતું. એ સહજ અને આપોઆપ થાય છે, જો માનવીની એટલી સહજ પ્રકૃતિ હોય તો; પણ ભણીભણીને માણસ ગણતરીબાજ થાય છે. નફા નુકસાનની બારાખડી એના મનમાં બારેમાસ ઘુંટાતી રહે છે. એટલે તો આકાશ અને ધરતીની અવસ્થા માનવીને આધીન થઈ ચૂકી છે, પહાડોના બોદા બનતા જતાં પેટાળો, સતત ઉલેચાતી ધરતી અને આકાશને વગર વાંકે કાળુ કરી મૂકતા ધુમાડાના વાદળો પ્રકૃતિએ સહેવા જ પડે છે પછી ક્યારેક એ થાકીને જવાબ દઈ દે છે અને ત્યારે જીવનનું પેલું જૂઠ સ્તબ્ધ બની જોયા કરે છે, રોકકળ મચી જાય છે પણ વળી પાછી એની એ જ રફતાર….

સઘળા સવાલોના જવાબ મળી જાય જો માણસ આત્મનિરીક્ષણ કરવાનું શરૂ કરે, ખુદની તલાશ કરે તો ઈશ્વર પાસે જ છે. પછી કોઈ મુશ્કેલી, કોઈ ઝગડા, કોઈ ટંટા ન રહે. માત્ર સંવાદ ને સંવાદ વ્યાપી જાય કેમ કે અંદર બેઠેલો આત્મા ક્યારેય ખોટું બોલતો નથી. ત્યાં વસેલા છે, સત્ય અને ન્યાય. દયા અને કરુણા. પ્રેમ અને માત્ર પ્રેમ. આમ થાય તો પછી કોઈ સાધુ-સંત, ઉપદેશકની કે વેદ, કુરાન, બાઈબલની જરૂર ન રહે…. પણ આ શક્ય છે ? યુગો યુગોથી આ જ કહેવાતું આવ્યું છે તોય એના અમલ માટે ક્યાંક ગાંધી પાકે છે ને એને ગોળીએ વીંધાવું પડે છે, ક્યાંક ઇસુ પાકે છે, એને ક્રોસ પર જડાવું પડે છે. એના કારણમાં છે માત્ર પેલી ગણતરી, પેલું આભાસી જ્ઞાન અને પડછાયાની જેમ સાથે રહેતો અહંકાર. આ કદી જવાના નથી ચાહે ખુદ રામ આવે કે ક્રુષ્ણ. રાવણો અને દુર્યોધનોથી દુનિયા ભરેલી જ રહેવાની છે….

2 Responses

  1. કાવ્ય ખુબ સરસ આસ્વાદ પણ ખુબ માણવા લાયક

  2. ખૂબ જ સરસ ગઝલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: