
વતનમાં ફરી નહીં આવું
વાવ, વડલો અને ખળી શોધું
ક્યાંક અહિંયાં હતી ફળી, શોધું!
ના ઘસાયા વગર જઈ શકતાં
એ ગલીઓય પાતળી શોધું.
ગામ ગોકુળિયું કહાવો છો,
મોરનું પિચ્છ, વાંસળી શોધું.
એ અસલ ભૂખ, તાવડી, ચૂલો,
મા, ટપાકા ને તાંસળી શોધું.
એક ડાળે હતાં અડોઅડ પણ,
ફૂલ ના થઈ શકી, કળી શોધું.
બાળપણની સખીના અશ્રુઓ,
એ કપાયેલ આંગળી શોધું.
ક્યાંક માણેકથંભ રોપેલો,
અટલસી એક કાંચળી શોધું!
હું વતનમાં ફરી નહીં આવું
કેમ વરસેલ વાદળી શોધું?
~ વિજય રાજ્યગુરુ
માંગેલું કે શોધતા હોઈએ એ જીવનમાં ક્યાં મળે છે ?

કવિ શ્રી વિજયનો ગામ આ રાતે વર્ણવાયું છે.
કવિશ્રી વિજય રાજગુરુની બંન્ને રચનાઓ ગમી. અભિનંદન
ગામમાં શોધતું જડતું નથી. ને બીજી રચનામાં સંસ્મરણોની પીડા છે. બંને કાવ્યો સરસ છે. અભિનંદન
બન્ને રચના ખૂબ સરસ ્