નરેન્દ્ર મોદી ~ કાવ્યો * Narendra Modi

પ્રભુની મહેરબાની
રોજ રોજ આ સભા, આ માણસોની મેદની
ટોળે વળતાં કેમેરા-મેન
આંખને આંજી દેતો ધોધમાર પ્રકાશ
અવાજને એન્લાર્જ કરતું આ માઇક
– આ બધાથી ટેવાઇ નથી ગયો
એ પ્રભુની મહેરબાની.
હજી પણ મને વિસ્મય થાય છે
કે ક્યાંથી પ્રકટે છે આ શબ્દોનો ધોધ?
ક્યારેક અન્યાય સામે
મારા અવાજની આંખ ઊંચી થાય છે
તો ક્યારેક શબ્દોની શાંત નદી
નિરાંતને જીવે વહે છે,
ક્યારેક વહે છે શબ્દોનો વાસંતી વૈભવ.
શબ્દો આપમેળે અર્થના વાઘા પહેરી લે છે
શબ્દનો કાફલો વહ્યા કરે છે.
અને હું જોયા કરું છું એની ગતિ.
આટલા બધા શબ્દોની વચ્ચે
હું સાચવું છું મારું એકાન્ત
અને મૌનના ગર્ભમાં પ્રવેશી
માણું છું કોઇ સનાતન મોસમ.
~ નરેન્દ્ર મોદી
‘આંખ છે ધન્ય’ કાવ્યસંગ્રહમાંથી
જન્મદિવસે મોદીજીને શત શત વંદન.
તસવીરની પાર
હું મારી તસવીરમાં છું અને નથી
હું મારા પોસ્ટરમાં છું અને નથી
આમાં કોઇ વિરોધ
કે નથી વિરોધાભાસ…
તસવીર આત્મા જેવી નથી
એ તો પાણીથી ભીંજાય
ને અગ્નિથી બળે.
એ ભીંજાય કે બળે ત્યારે
મને કશું ન થાય.
તમે મને મારી તસવીરમાં કે પોસ્ટરમાં
શોધવાનો મિથ્યા પ્રયત્ન ન કરો.
હું તો પલાંઠી વાળીને બેઠો છું
મારાં આત્મવિશ્વાસમાં –
મારી વાણી, વર્તન અને કર્મમાં.
તમે મને મારા કાર્યથી જ ઓળખો
કાર્ય એ જ મારું જીવન-કાવ્ય.
કાવ્યમાં છંદની શિસ્ત છે
લયતાલ છે.
પારણે ગીતાસાર
બારણે કર્મધાર
તમારા સૌને માટે અકારણ આર્દ્ર
કુંવારું વ્હાલ છે.
~ નરેન્દ્ર મોદી
‘આંખ છે ધન્ય’ કાવ્યસંગ્રહમાંથી
સરસ કાવ્ય ખુબ ગમ્યા
“તમે મને મારા કાર્યથી જ ઓળખો
કાર્ય એ જ મારું જીવન-કાવ્ય” આજે સત્ય ઠરે છે.