નરેન્દ્ર મોદી ~ કાવ્યો * Narendra Modi * સ્વર Parthiv Gohil  

ટહુકે વસંત

અંતમાં આરંભ અને આરંભમાં અંત.
પાનખરના હૈયામાં ટહુકે વસંત.

સોળ વરસની વય, ક્યાંક કોયલનો લય,
કેસૂડાંનો કોના પર ઊછળે પ્રણય?
ભલે લાગે છે રંક પણ ભીતર શ્રીમંત.
પાનખરના હૈયામાં ટહુકે વસંત.

આજે તો વનમાં કોના વિવાહ,
એક એક વૃક્ષમાં પ્રકટે દીવા.
આશીર્વાદ આપવા આવે છે સંત.
પાનખરના હૈયામાં ટહુકે વસંત.

~ નરેન્દ્ર મોદી

કવિ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસે શત શત વંદન. ઈશ્વર એમને સ્વસ્થ દીર્ઘાયુ આપે એવી પ્રાર્થના.

કાવ્ય : નરેન્દ્ર મોદી

સ્વર : પાર્થિવ ગોહિલ

ઓચ્છવ

પતંગ….
મારે માટે ઊર્ધ્વગતિનો ઓચ્છવ
મારું સૂર્ય તરફનું પ્રયાણ..

પતંગ….
મારો ભવભવનો વૈભવ
મારી જ દોર મારા હાથમાં
પૃથ્વી પર આ પગ
ને આકાશમાં કોઇ વિહંગ હોય એવો

મારો પતંગ….
અનેક પતંગોની વચ્ચે પણ
મારો પતંગ અટવાતો નથી
કોઇ વૃક્ષની ડાળીઓમાં
ક્યાંય ભેરવાતો નથી.

પતંગ –
– જાણે કે મારો ગાયત્રી મંત્ર.
શ્રીમંત હોય, ધીમંત હોય કે રંક હોય –
બધાને જ ‘કટી પતંગ’
ભેગા કરવાનો આનંદ.
આ આનંદ પણ નોખો-અનોખો
કપાયેલા પતંગ પાસે
આકાશનો અનુભવ છે.
હવાની દિશાની ગતિનું જ્ઞાન છે.
પોતે એકવાર ઊંચે ગયો ને ત્યાં થોડુંક રહ્યો
અને પ્રત્યક્ષ પ્રમાણ છે.

પતંગ….
મારું સૂર્ય તરફનું પ્રયાણ.
પતંગનો જીવ દોરમાં
પતંગનો શિવ વ્યોમમાં
પતંગનો દોર મારા હાથ
મારો દોર શિવજીના હાથ
પતંગ કાજે પવનવાટ
શિવજી બેઠા હિમઘાટ
પતંગનાં સપનાં માનવથી ઊંચા અદકાં
પતંગ ઊડે શિવજીને ખોળે
માનવ ભોંય બેઠો ગૂંચ ઉકેલે.

~ નરેન્દ્ર મોદી

9 Responses

  1. ઉમેશ જોષી says:

    તન મનથી તંદુરસ્ત રહે એવી શુભેચ્છા સહ જન્મદિનની અંતરની સુકામનાઓ…

  2. Kirtichandra Shah says:

    કપાયેલા પતંગ પાસે આકાશ નો અનુભવ…વાહ ભાઈ વાહ

  3. જન્મદિવસ ની શુભ કામના કવિ દિલ પ્રધાન મંત્રી શ્રી ના બન્ને કાવ્યો ખુબ ગમ્યા

  4. હરીશ દાસાણી.મુંબઈ says:

    માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસ પર ખૂબ ખૂબ અભિનંદન અને સ્નેહપૂર્ણ શુભેચ્છાઓ

  5. પ્રફુલ્લ પંડ્યા says:

    આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ અભિનંદન !
    પ્રિય નરેન્દ્રભાઈ,
    રાષ્ટ્ર સેવાનો આપનો આ મહાયજ્ઞ અખંડ પ્રજ્જવલિત રહો અને સદા સ્વસ્થ અને પ્રસન્નતા સાથે કાર્યરત રહો તેવી અંતરમનથી હાર્દિક અભિલાષા !
    આપણા પ્રિય ભારતની મહાન વિભૂતિને આજે તેમના ૭૩મા જન્મદિને શત શત નમન!
    પ્રફુલ્લ પંડ્યા

  6. 'સાજ' મેવાડા says:

    આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ, દેશના વડા નિવડેલા કવિ હોવા એ ભારતની જનતાનું સૌભાગ્ય છે, કારણ એ જ કે સંવેદનશીલ માણસ બધા સાથે સંવાદ સાઘી શકે. સલામ, વંદન,

  7. જન્મદિવસ ની શુભ કામના

  8. Anonymous says:

    માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની અગણિત શુભેચ્છાઓ.તેમના બન્ને કાવ્યો લાજવાબ.

  9. નયના શાહ says:

    અદભૂત હજી તો એક જ કવિતા સાંભળી ને હવે શાંતિથી બીજી સાંભળીશ…મમળાવીને દરેક શબ્દને માણવા જેવું…આવી ક્રુતિ ગાવા માટે પાર્થિવ મળે તો પછી શું પૂછવું? કમ્પોઝ કોણે કર્યું એ તો જોયું જ નહીં…તમને ને તમારી પારખું નજરને સલામ હું આ પોસ્ટ દેશવિદેશમાં રહેતાં મારાં કુટુંબીઓને ફોરવર્ડ કરું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: