દિલીપ જોષી ~ સુખ * આસ્વાદ મહેન્દ્ર જોશી * Dilip Joshi * Mahendra Joshi
સુખ તો એવું લાગતું જાણે પાંદડાં ઉપર પાણી
ઉક્કેલવી રે કેમ કરી આ પરપોટાની વાણી ?
આંખ ખોલું તો મોંસૂઝણું
ને આંખ મીંચું તો રાત
ખૂલવા ને મીંચાવા વચ્ચે
આપણી છે ઠકરાત
પળમાં પ્રગટે ઝરણાં જેવી કોઈની રામકહાણી.
ટહુકો નભમાં છલકી ઊઠે
એટલો હો કલરવ
સાંજનો કૂણા ઘાસની ઉપર
પથરાયો પગરવ
લીંપણ કોઈ ગાર-માટીનું સહુને લેતું તાણી .
~ દિલિપ જોષી
પરપોટાની વાણી ઉકેલતા કવિનું ગીત ~ મહેન્દ્ર જોશી
ગીતનો લય જેને સહજ સાધ્ય છે એવા કવિ શ્રી દિલીપ જોશીએ , ભાવકને રસ પડે એવા ગીતને ‘સુખ’નું શીર્ષક આપ્યું છે. આ સુખમાં કૃતિલક્ષી એક લટાર લેવાનો ઉપક્રમ છે. કવિ અને કવિતા વિષે વાત કરતાં અમેરિકન કવિ ઓડેનનું એક વિધાન છે : “I LIKE HANGING AROUND WORDS , LISTENING TO WHAT THEY SAY , THEN MAY BE HE IS GOING TO BE A POET”
“જે કવિ કાન સરવા કરીને કવિની ચેતનામાંથી આવતા શબ્દો બરાબર સાંભળે છે તે કવિપદનો સો ટકા હકદાર છે. આ કવિ એવા હક્ક સાધિકાર ધરાવે છે.”
ગીતનો ઉપાડ આમ છે :
સુખ તો એવું લાગતું જાણે પાંદડાં ઉપર પાણી
ઉક્કેલવી રે કેમ કરી આ પરપોટાની વાણી ?
નાજુક નમણા એવા ગીતના અર્થલાઘવને ભાવકની ચેતનામાં વિસ્તારી સૌન્દર્યબોધ કરાવે તે કવિ ! કવિનું કાર્ય સુખને વ્યાખ્યાયિત કરવાનું નથી ! સુખને વિસ્તારીને કવિની નજર કોઈ નવ પલ્લવિત પાંદડાં ઉપર છે. પાંદડાં ઉપર જલબિંદુઓ છે . એટલે મોતી જેમ ઝળહળતાં ઝાકળ બિંદુઓ છે. ‘એવું લાગતું જાણે’ એમ કહીને સુખની પંક્તિને ઉત્પ્રેક્ષાથી અલંકૃત કરી છે. સચેત કવિ મનુષ્યની નિયતિમાં સુખ ક્ષણજીવી છે એવું સપાટ વિધાન શા માટે કરે? કવિ સામે વિશ્વભરના સાધાર્મિક ભાવપ્રતીકોની સૃષ્ટિ છે. કવિ પસંદ કરે છે પ્રતીક તરીકે પરપોટો ! આમ સુખ કેવું ? ‘પાંદડાં ઉપર પાણી’ અને ‘પરપોટાની વાણી’ બંને ક્ષણજીવી પણ સૌન્દર્યના સ્વબોધિ પ્રતીકો! સુખનો ફોડ પાડ્યા વિના કવિએ ભાવલોકનું સર્જન કરીને મુખબંધની આ બે પંક્તિમાં જ કવિએ અડધું કવિકર્મ સહજ લયથી પૂરું કરી દીધું છે. કવિ સુન્દરમ કહે છે : ’પહેલી પંક્તિ ગીતના કેન્દ્ર જેવી હોય છે. એ ગીતકાવ્યનું ઝળહળતું શિખર છે.’ મુખબંધના સુંદર એવા ઉક્તિલાઘવ પછી ગીતના અંતરામાં કવિ ગીતનું વસ્તુનિરૂપણ કેમ કરે છે એ ભાવકને મન રસનો વિષય હોય છે. ગીતનો પ્રથમ અંતરો જુઓ :
આંખ ખોલું તો મોંસૂઝણું, ને આંખ મીંચું તો રાત
ખૂલવા ને મીંચાવા વચ્ચે, આપણી છે ઠકરાત
પળમાં પ્રગટે ઝરણાં જેવી કોઈની રામકહાણી.
કવિનું કાર્ય સંત, તત્વજ્ઞ અને વિજ્ઞાનીથી અલગ છે. સત્યને સુંદર રીતે પોતાની કૃતિમાં વ્યક્ત કરવાનું છે. કવિ સુખને આંખ ખૂલવાના અને મીંચવાના એક પલકારા જેવું કહે છે. મોંસૂઝણું જેવો આપણી ભાષાનો મીઠો શબ્દ અને રાતના અરૂપ- રૂપ સાથે સમયાધીન વિરોધ રચે છે. ગીતના ઉપાડમાં જે ભાવસૃષ્ટિ રચી તેનું અનુસંધાન સાધી ભાવકને સુખની ભ્રાંતિનો નિર્વેદ નહી તેવી જાણે ઠકરાત મળી હોય તેવો રસાનુભવ કરાવે છે. અહીં આ બે પલકારા વચ્ચે સુખનું નાનું એવું સામ્રાજ્ય છે. કવિકર્મ પ્રતિ કવિ સચેત ના હોય તો ગતાનુગતિક રાતના પ્રાસમાં ‘વાત’, ‘જાત’ લઇ આવે પણ અનાયાસ આવેલો ઠકરાતનો પ્રાસ ગીતમાં ઉચિત ઠરે છે. ઠકરાતનો મૂર્ધસ્થાની બીજો વ્યંજન ‘ઠ’ કર્કશ હોવા છતાં સુખની ક્ષણજીવી સત્તાનો આહલાદક અનુભવ કરાવે છે. ભલે સુખની પળ અલ્પકાલીન હોય પણ મનુષ્ય નિયતિનું એ ખળખળ ઝરણું છે. એ જ છે આપણા સહુની રામનિર્મિત કહાની !
ઉત્તમ ગીતનું લક્ષણ ઉપાડથી ગીતના અંત સુધી કવિએ અનુભવેલા ભાવને સાદ્યંત ઉક્તિ અને અર્થના લાઘવથી સૌન્દર્ય અને માધુર્ય પ્રગટ કરી પરાકાષ્ઠાએ પહોંચાડવાનું હોય છે. આ પ્રવાસ ટૂંકો પણ રમણીય છે. ઘણી વાર ગીતનો મુખબંધ ચમત્કૃતિપૂર્ણ હોય પછી અંતરામાં ફંટાઈ ધ્રુવ પંક્તિ સાથેનો અનુબંધ ખોઈ લીલયા લયમાં જતું રહે છે. ગીતમાં જો એ કવિક્રીડા, ભાષાક્રીડા હોય તો પણ સહેતુક હોવી જોઈએ જેથી ગીતનો ભાવક પ્રત્યાયન સાથે ઊર્મિનો અનુભવ કરી શકે ! ગીતની પ્રકૃતિ નાજુક ચમેલી ફૂલ જેવી છે. તળને ફોડી નીકળતી સરવાણી જેવી છે. ઉપરની વાતનો સંદર્ભ રાખી કવિના ગીતનો આ બીજો અંતરો જુઓ :
ટહુકો નભમાં છલકી ઊઠે
એટલો હો કલરવ
સાંજનો કૂણા ઘાસની ઉપર
પથરાયો પગરવ
લીંપણ કોઈ ગાર-માટીનું સહુને લેતું તાણી.
કવિએ ઉપાડ અને પહેલા અંતરામાં સુખને જે ક્ષણિક લયાત્મક સૌન્દર્ય આપ્યું તેનો વધુ વિસ્તાર આ બીજા અંતરામાં કર્યો હોય તેવું લાગે છે ! સુખની ક્ષણને લંબાવી છે…..ખુલ્લી આંખે દેખાતો નભનો વિસ્તાર, ઊડતા પંખીઓના ટહુકાથી છલકાતી સૃષ્ટિ, ધીરે ધીરે પડતી સાંજનો રતુંબલ પ્રકાશ, ઘાસમાં સહુનો દ્રશ્ય અદ્રશ્ય પગરવ. હવા, પંખી, મનુષ્યના સ્મરણ-મરણનો….. ‘લીંપણ કોઈ ગાર-માટીનું સહુને લેતું તાણી’ માં જીવન પછી મરણનો સંકેત નિર્દેશે છે. રવીન્દ્રનાથ કહે છે તેમ આ વિશ્વ સુખનું મોહિનીભુવન જ છે. કવિ અને ભાવક માટે….ના..મનુષ્ય માત્ર માટે….અમર થવાની આકાંક્ષા શા માટે ?
ગીતના અંતે કવિની ઉક્તિ ,’લીંપણ કોઈ ગાર-માટીનું સહુને લેતું તાણી’ .
ગીતનું અખિલ સૌન્દર્ય કાવ્યત્વથી કોળાતી ભાવતરલતામાં, ભાષાની પારદર્શકતામાં, રાગીયતામાં અને પતંગિયા જેવા હળવા ઉડ્ડયનમાં છે. ગીતમાં કાવ્યત્વ ના હોય તો ગીત, ગાયન બની જાય છે ! આ દોષથી કવિ વાકેફ છે. ગીતના ઉક્ત કાવ્યગુણો કવિએ મહદ અંશે ગીતમાં સિદ્ધ કરી ગીત સર્જ્યું છે. ‘પાણી’, ‘વાણી’, ‘કહાણી’, ‘તાણી’ના ઉપાડના અનુષંગે પ્રાસયોજના તેમ જ અંતરામાં આવતા ‘રાત’, ‘ઠકરાત’, કલરવ’, ‘પગરવ’ની પ્રાસ યોજના ગીતના લયાનુસંધાનની દૃષ્ટિએ સુંદર છે. ઉપાડની બીજી પંક્તિમાં કવિએ પંક્તિના અંતે મૂકેલી પ્રશ્નસંજ્ઞા સુખના શીર્ષક માટે ઉચિત છે. સમાપન વેળાએ પેન્ટાફ સેન્દોર નામના કવિનું એક કાવ્ય :
દુઃખ?
એક મહાસાગર.
સુખ?
એ મહાસાગરનું એક નાનું મોતી.
કદાચ હું તેને શોધી કાઢું
તે દરમ્યાન
તેને ભાંગી તો નહીં બેસું ને ?
આમ લટાર મારતાં કવિની શબ્દચેતનાને થોડાક અંશે પામી શક્યો હોઉં તો તેનો આનંદ …
Very nice.Congratulations.
આભાર…લતાબેન….ગીત સરસ છે
જી, આનંદ મહેન્દ્રભાઇ…
ખુબ સરસ ગીત નો ઉત્તમ આસ્વાદ ખુબ ગમ્યુ
દિલીપ જોશી ni બધી રચના ગમી ધન્યવાદ