‘અમર’ પાલનપુરી ~ કવિ પરિચય * Amar Palanpuri

‘અમર’ પાલનપુરી

“કોઈ પોતાના નામ સાથે ‘સર્જક’ ન લખે કેમ કે ‘સર્જક’ તો એક ઈશ્વર જ છે. આપણે ‘શોધક’ છીએ.” ~ અમર પાલનપુરી  

ગઈ પેઢીના લોકપ્રિય કવિઓમાં આ છેલ્લા હયાત કવિની આ વાત અમર થઈ જવા સર્જાઈ છે.   

શૂન્ય પાલનપુરી સાથે અંગત સંબંધ. અને એમણે જ ‘અમર’ તખલ્લુસ આપ્યું. 

ગુજરાતી સાહિત્યમાં પાલનપુરી ગઝલ ઘરાનાના બગીચાનું એક મધમધતું સફેદ ફૂલ એટલે અમર પાલનપુરી ! તો પરંપરાની ગઝલ, રંગભૂમિ, સંગીત અને ટૂંકી બહેરનો બેતાજ બાદશાહ એટલે અમર પાલનપુરી !

અઢાર વર્ષની ઉંમરે કવિ મુંબઈ પહોચ્યાં. મુંબઈમાં બીમાર પડતાં પાલનપુર પાછા આવ્યા અને ગુરુ શૂન્ય પાલનપુરી એ આપેલા ‘અમર ઉપનામે ગઝલ લખતા થયા. સાજા થઈને વળી મુંબઈ ગયાં. શૂન્યની ભલામણથી સૈફ પાલનપુરીના ‘વતન’ સામયિકમાં માનદ્ સેવા આપી. શૂન્ય પાલનપુરીએ ચિઠ્ઠી લખી આપેલી કે ‘તેઓ સારું ગાય છે.’ આ ભલામણથી સૈફ પાલનપુરીએ મિત્રો સાથે મહેફિલમાં ગઝલ ગવડાવી. અને કવિ મુશાયરા પોતાના અંકે કરવા લાગ્યા.

અમર પાલનપુરીએ પોતાનો પ્રથમ મુશાયરો 1952માં વડોદરા રાજમહેલમાં વ્રજ માતરી સાથે કર્યો. 1960માં અમદાવાદની શેઠ મંગળદાસ ટાઉન હોલમાં ગુજરાતના મરીઝ, સૈફ પાલનપુરી, બેફામ, ગની દહીવાલા, જમિયત પંડ્યા, શેખાદમ આબુવાલા, રતિલાલ ‘અનિલ’, બેકાર, વ્રજ માતરી, વિશ્વરથ વગેરે લબ્ધપ્રતિષ્ઠત શાયરો વચ્ચે અમર પાલનપુરીએ મહેફિલ લુંટી લીધી જેની ગુજરાત સમાચારમાં પ્રશંસા થઈ હતી અને સંદેશમાં પીતાંબર પટેલે પણ પ્રશંસા કરી નવાજ્યાં હતા, તો  શયદા અને બેકાર સાહેબના મુશાયરાની જાહોજલાલીમાં અમૃત ઘાયલ, રુસ્વા મઝલુમી, અનીલ, સીરતી, અમીન સાબિર, બદરી, બેફામ, આદિલ કૈલાસ, મસ્તહબીબ, હરીન્દ્ર દવે, શૂન્ય પાલનપુરી, સૈફ પાલનપુરી, તથા જલન, ચિનુ મોદી, આદિલ, શોભિત દેસાઇ અ.ધ.ધ.ધ … કેટલાય ધુરંધરો સાથે અમર પાલનપુરીએ મુશાયરાઓ ગજાવ્યા છે.

તેમણે નાટકોમાં અભિનયના પણ અજવાળાં પાથર્યા. રંગભૂમિની સફળતાએ એમને હીરો બનાવી દીધા. પરંતુ હિન્દી ફિલ્મોના નિર્દશક રાજ ખોસલાએ મિત્રભાવે સુચન કર્યું કે આ નાટક-ચેટકમાં ચક્કરમાં પડવા જેવું નથી. પરિણામે ઈ.સ. 1962માં કાયમ માટે મુંબઈ છોડી સુરત સ્થાયી થઇ ગયા.

કવિએ સુરતમાં 1975માં ‘સપ્તર્ષિ’ નામની કલાસંસ્થા સ્થાપી, સુરતના કલા-પ્રેમીઓને દેશ-વિદેશના ગાયકો, સંગીતકારો, કલાકારોને આમંત્રણ આપી પ્રજાની કલા ભૂખ સંતોષી છે. વિશ્વવિખ્યાત ગઝલકાર ગુલામ અલીએ કહ્યું છે કે, “દક્ષિણ ગુજરાતને ગઝલનું ઘેલું લગાડનાર હોય તો એ અમર પાલનપુરી છે.” તો મનહર ઉધાસ કહે છે કે, “હિન્દુઓની કાશી, મુસલમાનને મક્કા અને નવો ગાયક જ્યાં સુધી ‘સપ્તર્ષિ’ના તખ્તે નથી ગાતો ત્યાં સુધી ધન્ય થતો નથી.” તો રજની શેઠ લખે છે કે “સુરત જેને માટે ઋણી છે તે અમરની આ સિદ્ધિ શિરમોર છે”

જીવન સંઘર્ષથી પહેલ પાડેલો ચમકતો હીરો એટલે અમર પાલનપુરી !

પવન ફરકે તો એ એ રીતે ફરકજે પાન ના ખખડે!!
કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે.’
ચંદ્રવદન મહેતાએ આ ગઝલ સાંભળીને કોમેન્ટ કરી કે “અમર માણસ મરતો નથી તો મર્યો કેમ ?”
જવાબમાં શાયર કહે છે,

ન જાયે કોઈ ખાલી હાથ મારા આંગણે આવી,
અમર એથી મરણ આવ્યું તો બસ મરવું પડ્યું મારે.”

નામ ‘અમર’ પણ મૃત્યુના મંગલ વિષયને પોતાની ગઝલોમાં વણી લેનાર ‘અમર પાલનપુરી’ બેફામ પછી કદાચ બીજા શાયર હશે. મૃત્યુ તો સનાતન અને શાશ્વત છે , એથી જ ‘અમર’ લખે છે કે,

“નાનો છું કે મોટો છું, અંતે તો પરપોટો છું.”

આ શાયરની કાવ્યબાની એમના વ્યક્તિત્વની પિછાન જેવી છે.

દુઃખમાં છું સાવ એકલો એવું જણાય છે,
કહેવાને બાકી આમ તો મિત્રોય ઘણાય છે,
પાણીની જેમ આંખડી ખર્ચે છે મોતીઓ,
દિલમાં તમારી યાદના મહેલો ચણાય છે.***

ઊંડા ઘા તો કૈક સહ્યા પણ-
જાન ગયો છે એક ઉઝરડે.***

પૂછી રહ્યા છે સૌ મને આ શાનું દર્દ છે?
કેવી રીતે કહું કે બહુ છાનું દર્દ છે.***

‘ઉઝરડા’ પછી ‘રૂઝ’ સંગ્રહમાં ઉઘડ્યા આકાશ જેવો નીતર્યો ભીનો અજવાસ ને નવી તાજગી લઈ આવે છે. જેમાં હાઈકુ, ચોટદાર દુહાઓ, ટૂંકી બહેરની ગઝલો અને અછાંદસ રચનાઓ મળે છે. કવિ મિત્રને કેવા ઊંચા સ્થાને બેસાડે છે એ આ દુહામાં જોવા મળે છે.

તન મન,ધન ને ખાનગી જ્યાં ત્યાં ના કહેવાય,
ગુરુ ગોવિંદ ને ગોઠિયો, અંધ ભરોસો થાય.

તો ટૂંકી બહેરનો આ શેર

વાયરો સીધો હતો,
વાડને વાંધો પડ્યો***

તમને જોયાં ત્યારે માન્યું,
સુરજ કરતાં ચાંદ સવાયો***

‘રૂઝ’ના સર્જક ભલે અમર પાલનપુરી હોય પણ સર્જક પોતાનાં અર્ધાંગિની મીનુબહેનને સાચા સંકલનકર્તા ગણાવતાં કહે છે કે 2006ના ભયાનક પૂરમાં ઘરવખરી સાથે ‘રૂઝ’ની બધી જ રચનાઓ પણ તણાઈ ગયેલી, મીનુબહેને સાંભળીને યાદ રાખી મોટાભાગની રચનાઓ ભારે જહેમત લઈ યાદ કરી સંકલન કરી પુસ્તક આકાર આપવામાં મદદ કરી અને અમર પાલનપુરને ફરી અમર કરી દીધા.

મારા જીવનનું પારખું ત્યારે થશે,
સાથે તમે રહો ભલે સામો પવન રહે

કવિ કહે છે કે મેં અને મીનુએ ઉઝરડા-ને ‘ઘસરકા’માં ફેરવી નાખ્યો છે. એનો ઈલાજ પણ શોધી કાઢ્યો છે એ છે મૌન.

હર વખતમાં ટીકા અને ટિપ્પણ હતાં
મૌન પાછલ એ જ તો  કારણ હતા.

મૌન હથિયાર છે અને ઢાલ પણ, એનો ક્યાં કેવી રીતે ઉપયોગ કરવો તે અમે શીખી ગયા છીએ અને એથી ઘણી નિરાંતથી, મસ્તીથી જીવીએ છીએ અને જીવી જઈશું. બાકી તો જ્યાં સુધી ચેતના છે ત્યાં વેદના રહેવાની જ.

લાગણીઓને લીધી સૂઝ
ઉઝરડા પર આવી રૂઝ

પરંપરિત ગઝલના ગણી શકાય એટલા ગઝલકારો વિદ્યમાન છે એમાંના એક ગઝલકાર અમર પાલનપુરી, ગુજરાતી સાહિત્યના આકાશમાં ઝળહળતો અમર સિતારો છે. પ્રથમ હરોળના આ શાયર તરફ સાહિત્ય જગતનું ધ્યાન ઓછું ગયું છે. એમની યોગ્ય નોંધ લેવાઈ નથી. જો કે 2004માં આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનો (UNO) એ અમર પાલનપુરીને મિર્ઝા ગાલિબ એવોર્ડ નવાજી સન્માન આપ્યું છે. ચીનુ મોદી ‘ઇર્શાદ’ના શબ્દોમાં અમર પાલનપુરી અમર નહિ પણ અજરાઅમર છે.

એ ક્ષોભથી મેં ના કર્યો ઉલ્લેખ આપનો,
લાગે ન ક્યાંક ફૂલને નાનમ વસંતમાં***

છોડી ચાલ્યાં આપ તો લાગ્યું,
જાણે જમણો હાથ કપાયો
છોડી ચાલ્યાં આપ તો લાગ્યું,
બપ્પોરે અંધાર છવાયો.***

દગા પર દગા છે, હવે ક્યાં જગા છે ?
જઈ દુર ઉભા, નિકટનાં સગા છે***

*****

પુસ્તકો

‘ઉઝરડો’, ‘રૂઝ’, ‘સાથે તમે રહો’

એવોર્ડ્ઝ અને સન્માન

1 મિરઝા ગાલિબ ઇન્ટરનેશનલ એવોર્ડ ફોર એકસલન્સ

2. સન્માનપત્ર – સાહિત્ય સંગમ સુરત

3. સન્માનપત્ર – યંગ પ્રોસેસિવ ગ્રૂપ ઓફ પાલનપુર

4. સન્માનપત્ર – ઝવેરી મિત્રમંડળ મુંબઈ

5. સન્માનપત્ર – રોટરી ક્લબ ઓફ પાલનપુર

6. અંજુમને ગુલઝારે અદબ, સુરત

7. સન્માનપત્ર – હિન્દી સાહિત્ય સૌરભ સુરત

8. સન્માનપત્ર – પાલનપુરી જૈન સમાજ કેન્દ્ર મુંબઈ

9. પૂ. મોરારીબાપુ દ્વારા વિશેષ સન્માન મુંબઈ

10. કંચનલાલ મામાવાળા એવોર્ડ

11. ગુજરાત સાહિત્ય ભારતી

12. ‘વલી’ ગુજરાતી એવોર્ડ – ગુજરાત સાહિત્ય અકાદમી

અમર પાલનપુરી   

મૂળ નામ – પ્રવીણ હરીલાલ મહેતા

જન્મ : 1.9.1935  પાલનપુર 

માતા-પિતાનું નામ : તારાબહેન હરિલાલ

જીવનસાથીનું નામ : મીનાક્ષી

કર્મભૂમિ : સુરત  

માહિતી સૌજન્ય : શિલ્પી બુરેઠા અને આર. પી. જોશી (રાજકોટ)

OP 1.9.2023

*****

ચિત્રલેખાએ લીધેલી મુલાકાત (અમર પાલનપુરીના અવાજમાં ગઝલ)  

6 Responses

  1. ખુબ ખુબ અભિનંદન સરસ માહિતી

  2. 'સાજ' મેવાડા says:

    વાહ, ખૂબ જ સરસ લેખ, ઘણું શિખવા, જાણવા મળ્યું.

  3. Minal Oza says:

    અમર પાલનપુરીને અકાદમી તરફથી મળેલા પુરસ્કારથી પ્રસન્ન થવાયું.

  4. ભદ્રેશ વ્યાસ "વ્યાસ વાણી" says:

    વાહ ,
    અમર સાહેબ.
    અમર નામ,અમર કામ.

  1. 13/03/2024

    […] ‘અમર’ પાલનપુરી ~ કવિ પરિચય * Amar Palanpuri […]

  2. 13/03/2024

    […] ‘અમર’ પાલનપુરી ~ કવિ પરિચય * Amar Palanpuri […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: