અગન રાજ્યગુરુ ~ ગઝલ * Agan Rajyaguru   

કોઈ આવીને

કોઈ આવીને હવે જો પૂછશે-
‘કેમ છો’ તો દિલ વધારે દુઃખશે!

જે મળે છે એ બધા ગમગીન છે;
કોણ મારા આંસુઓને લૂછશે?

એ જ સારું કે મને જોયા કરો;
સ્મિત ક૨શો તો ઘણાંને ખૂંચશે!

મારી દોલત માત્ર મારા શબ્દ છે,
કોણ આવીને કહો એ લૂંટશે?

જેમના માટે વધુ હો લાગણી;
જોઈ લેજો, એ વધારે રુઠશે!

રોજ મારી બેડીઓને તાકું છું;
રોજ એવું લાગતું કે તૂટશે!

ના રહે ઉમ્મીદ કોઈ તો ‘અગન’
આયખું કોના સહારે ખૂટશે?

~ અગન’ રાજ્યગુરુ

દરેક શેર ચોટદાર થયો છે. વાત જાણીતી લાગતી હોવા છતાં જુદી લાગે છે એ નોંધનીય.
‘કેમ છો’થી રાહત મળવી જોઈએ અને મળે એ સામાન્ય રીતે બને. અહીં આ સવાલથી કવિ કહે છે, હૃદય વધારે દુખશે…
‘સ્મિત કરો તો ખૂંચશે’ વાળો શેર લોકોમાં રહેલી ઇર્ષ્યાની ભાવનાને કેવી સરસ રીતે રજૂ કરે છે !  

એમ શમણાં આંખમાં

એમ શમણાં આંખમાં અટકી ગયાં,
શ્વાસ જાણે શ્વાસમાં અટકી ગયા.

સાથમાં ચાલી શકાયું હોત પણ;
વાતમાં ને વાતમાં અટકી ગયા.

એક ઝટકે જીભ પર આવ્યા હતા;
શબ્દ સઘળા બાદમાં અટકી ગયા

હું સતત ચાલ્યાં કર્યો છું એ રીતે:
જેમ કે પગ રાહમાં અટકી ગયા.

આયનો ફૂટી ગયો તરડ્યા પછી;
બિંબ કિન્તુ કાચમાં અટકી ગયાં

ઠીક છે છોડો બધા એ વાયદા;
એ કહો, કઈ વાતમાં અટકી ગયા?

આંખથી ઓઝલ થયેલાં વાદળાં;
કયાંક તારી યાદમાં અટકી ગયાં.

ઝાંઝવાઓ જોઇને લાગ્યું ‘અગન’
કે અમે પણ પ્યાસમાં અટકી ગયા.

~ ‘અગન’ રાજ્યગુરુ

એવી જ સરસ બીજી ગઝલ

2 Responses

  1. 'સાજ' મેવાડા says:

    કવિ શ્રી અગમનો ગઝલો નોંખી ભાવાભક્તિ રજૂ કરે છે, આ બંને ગઝલો ટૂંકી બહેરમાં સુંદર રચાઈ છે.

  2. અગન રાજ્યગુરુ says:

    ખૂબ ખૂબ આભાર આદરણીય લતાબેન…💐🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: