ઝવેરચંદ મેઘાણી ~ બે કાવ્યો * Jhaverchand Meghani

હું દરિયાની માછલી!

દરિયાના બેટમાં રે’તી, પ્રભુજીનું નામ લે’તી
હું દરિયાની માછલી!
હાં રે મને બારણે કઢવી નો’તી,
હું દરિયાની માછલી!

જળની સાથે અમારે જનમ કેરી પ્રીતડી,
મરજો પ્રીત્યોના તોડનારા,
હું દરિયાની માછલી! -દરિયાના…

દરિયાનાં નીર મને પાતાળે ગોતશે,
આભ લગી મારશે ઉછાળા,
હું દરિયાની માછલી! -દરિયાના…

તારલાનાં તેજ ઊગી ઊગી આથમશે,
ચંદ્ર કેને પાશે અજવાળાં?
હું દરિયાની માછલી! -દરિયાના…

છીપલીની છાતીઓથી કોણ હવે ઝીલશે,
મોં ઊઘાડી મોતીડાં રૂપાળાં?
હું દરિયાની માછલી! -દરિયાના…

દરિયાના દેશથી વિછોડી,
દુનિયાસું શીદ જોડી !
હું દરિયાની માછલી!

~ ઝવેરચંદ મેઘાણી

કોડિયું

અસ્ત જાતા રવિ પૂછતા અવનિને :
‘સારશો કોણ કર્તવ્ય મારાં ?’
સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઊભાં સહુ,
મોં પડ્યાં સર્વનાં સાવ કાળાં.

તે સમે કોડિયું એક માટી તણું
ભીડને કોક ખૂણેથી બોલ્યું :
‘મામૂલી જેટલી મારી ત્રેવડ, પ્રભુ !
એટલું સોંપજો, તો કરીશ હું’

~ ઝવેરચંદ મેઘાણી
(રવિન્દ્રનાથ ઠાકુરની કૃતિ ‘કર્તવ્યગ્રહણ’ પરથી)

કવિના જન્મદિવસે સ્મૃતિવંદના

2 Responses

  1. કવિ શ્રી ના જન્મ દિવસ પર તેમની ખુબ ઉત્તમ રચનાઓ ખુબ ગમી

  2. Minal Oza says:

    ‘ શબ્દના સોદાગર’ મેઘાણી ને પ્રણામ..

Leave a Reply to છબીલભાઈ ત્રિવેદી Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: