ચંદ્રયાન વિશેષ : પ્રફુલ્લ પંડ્યા ~ ચંદ્રેશ મકવાણા ~ પરબતકુમાર નાયી * Prafull Pandya * Chandresh Makana * Parbatkumar Nayi

તુજને આજ સલામી ~ પ્રફુલ્લ પંડ્યા

ચંદ્રયાન ત્રણ મુન મિશન તેં રચી અમર કહાની
ભારતના જન જન આપે છે તુજને આજ સલામી !

ચંદ્રની ભૂમિ ચૂમી કીધું દેશનું ગૌરવ ગાન,
ત્યાંના ખાડાં ખડિયાઓમાં રોપ્યું અમ સન્માન ‌!

નવો કિર્તિ સ્તંભ સ્થાપી વીરોની સાર્થક કરી કુરબાની !
ચંદ્રયાન ત્રણ મુન મિશન તેં રચી અમર કહાની !

ચંદ્રના નામે પ્રેમકથાઓ કૈંક રચાતી રહેતી,
વિક્રમ લેન્ડર સાથે તારા મિલનની ગાથા વહેતી !

અવકાશી ઈતિહાસમાં ગાજી ઈસરો તારી કહાની
ચંદ્રયાન ત્રણ મુન મિશન તેં રચી અમર કહાની !

ચંદ્ર ઉપર તો રહેવા જવાના સ્વપ્નો ને ભણકારા,
આજ વધુ શીતળ લાગ્યા ઓ ચંદ્ર તારા અજવાળાં

તુજ ધરતી પર જળજીવનની શોધની બનશે કહાની,
નવા નવા કૈ સત્યો- તથ્યો લેન્ડર લેશે જાણી !

એમ વિક્રમ લેન્ડર ચારે બાજુ કરશે મોજ સવારી !
ચંદ્રયાન ત્રણ મુન મિશન તેં રચી અમર કહાની !

શું શું બનશે? શું ખાટીશું? એ વાવડ તો ધીરે ધીરે મળશે
ચંદ્ર બધાંની આંખોમાં ઝગમગ ઝગમગ ઝળહળશે

મોદીજીની અમર જયોત ને દેશની અમર કહાની !
ચંદ્રયાન ત્રણ મુન મિશન તેં રચી અમર કહાની !

~ પ્રફુલ્લ પંડ્યા તા.23.8.2023

કાવ્ય આટલું તાત્કાલિક લખી આપવા બદલ દોસ્ત, સલામ.

ચાંદાના ગામ પર ~ ચંદ્રેશ મકવાણા

સપનામાં ધાર્યું ‘તું જે એવા મુકામ પર
પહોંચી ગયા અમે લ્યો ચાંદાના ગામ પર

જેણે વધાર્યું ગૌરવ મા ભોમનું જગે
ગૌરવ છે અમને એવા પ્રત્યેક નામ પર

ચૂલે અદબથી આજે મૂકી છે લાપસી
મેલીને ચોકડી મેં સૌ ગમતા કામ પર

વિજ્ઞાનમાંય અમને શ્રદ્ધા છે એટલી
છે જેટલી અમોને ક્હાનાને રામ પર

મારી છે મહોર આજે જેઓએ કાયમી
ઇતિહાસ કામ કરશે એ સૌના કામ પર

~ ચંદ્રેશ મકવાણા 23.8.2023

કાવ્ય આટલું તાત્કાલિક લખી આપવા બદલ દોસ્ત, સલામ.

ચંદ્રયાન ~ પરબતકુમાર નાયી

લાખો જોજનવા ખેડી બ્રહ્માંડ
આજ મોંઘેરો ઊતર્યો મહેમાન.
ચાંદામામા એને હૈયામાં સંઘરજો
ઝાઝેરું રાખજો ધ્યાન.

ભારતમાતાના લઈને આશીર્વાદ
વિજયનાં બાણ ભર્યાં ભાથે
વિક્રમ નોંધાવવા મક્કમ નિર્ધાર કરી
વિક્રમ ખુદ મોકલ્યો છે સાથે.
ચંદ્રની ધરતી પર પ્રાણપ્યારો તિરંગો
બોલો સૌ: ‘જય જય વિજ્ઞાન’

ગ્રહણની પોટલીમાં પૂનમ, અમાસ કેમ?
શું છે આ નાનકડી બીજ?
દુનિયાને દેખાશે ઈસરોની આંખોથી
મામાના ઘરની સૌ ચીજ
વણઉકેલ્યાં રહસ્યો પળમાં ઉકેલવા
સાચવીને જોડ્યું સંધાન.

~ પરબતકુમાર નાયી 23.8.2023

કાવ્ય આટલું તાત્કાલિક લખી આપવા બદલ દોસ્ત, સલામ.

19 Responses

  1. માધવી says:

    વાહ…વાહ…

  2. હરીશ દાસાણી.મુંબઈ says:

    રાષ્ટ્રીય ગૌરવ ભાવ સાથે શીઘ્ર કાવ્ય રચના કરનારા સહુ મિત્રોને અભિનંદન

    • રૂપલ અશ્વિન મહેતા. says:

      ચંદ્રયાન ની ગગનયાત્રા સાથે આપણી કવ્યયાત્રા નો સુભગ સમન્વય માણવાની મજા સાથે સર્વે રચનાકાર ને અભિનંદન.🌹🌷🌹

  3. Anonymous says:

    બહુ સરસ છે બધાં કાવ્યો..વાહ ..

  4. ઊર્મિલા પાલેજા says:

    બહુ સરસ છે બધાં કાવ્યો..વાહ ..ગૌરવી ક્ષણોનું ગૌરવ વધ્યું..👏👌🙏

  5. Anonymous says:

    વાહ અદ્ભૂત. ચંદ્ર 🌙 યાનની સફળ ઉતરાણનો આનંદ કવિતાઓમાં અનુભવાયો. ભારતની ગૌરવગાથા કાંઈ એમ જ થોડી લખાય છે.
    સૌ કવિ મિત્રોને અભિનંદન અને શુભેચ્છાઓ

  6. રાજેશ હિંગુ says:

    વાહ

  7. વાહ વાહ ખુબ સરસ અભિનંદન

  8. Ishwar purohit says:

    પ્રફુલ વાહ કેવી 👌સરસ રજુઆત badha😄કવિઓની urmi👌પ્રગટી ચન્દ્ર પણ શરમાઈ ગયો. આખરે કવિઓ કવિતા કરતા પણ વિજ્ઞાનયાનને પહોંચડી દીધું. સ્ત્રીઓના ગાલના ખાડા પણ શરમાઈ રહ્યા છે.

  9. Minal Oza says:

    શીઘ્ર કાવ્ય- લેખનને દાદ આપવી પડે. સૌની લાગણીને વાચા ખરેખર પ્રશંસનીય છે. અભિનંદન.

  10. દાન વાઘેલા says:

    પ્રફુલ્લ પંડયાની રચનામાં….. ‘ભારતના જનજન આપે છે તુજને આજ સલામી’…. અને…… ‘અવકાશી આકાશમાં ગાજી ઈસરો તારી કહાની’….. આ પંક્તિઓ….. લોકજીભે પહોંચીને અમર થવાની ઉપરાંત કહેવત કક્ષાએ પહોંચવાની પણ પૂરી સંભાવનાઓ મને અનુભવાય છે. (सारे जहॉं से अच्छा हिंदुस्तॉं हमारा….જેમ) એથી આ રચના ખૂબ મહત્વ ધરાવે છે. આને પ્રાસંગિક રચના નહીં કહું.

  11. દાન વાઘેલા. says:

    ચંદ્રેશ મકવાણાની ગઝલમાં….. વચ્ચેના ત્રણેય શેઅર શિલાલેખમાં કોતરાવવા જેવા મને લાગ્યા છે.
    ગઝલમાં ભાષા અને ભાવની સાહજિકતા ઉપરાંત સાદગી સાથેનું ગાંભીર્ય ગમ્યું. અભિનંદન.

  12. દાન વાઘેલા says:

    પરબતકુમાર નાયીના ગીતમાં…. ‘જય જય વિજ્ઞાન’વાળી પંક્તિ અને બીજો અંતરો મને ખૂબ પ્રભાવક લાગેલ છે. એથી આનંદ આનંદ સહ અભિનંદન.
    (બીજી પંક્તિ… ‘ચાંદામામા એને હેતે સત્કારજો, ઝાઝેરું રાખજ્યો ધ્યાન !’…. મેં એમ માણી છે…. કારણ કે… પ્રથમ પંક્તિમાં… મહેમાન છે.)

  13. Renuka Dave says:

    વાહ વાહ…!!
    ક્યા બાત હૈ..!!
    સહુ શિધ્રકમિત્રોને અને કાવ્યવિશ્વને…!! અભિનંદન…!!

  14. Tanu patel says:

    દેશની ગૌરવગાથા લખનાર ત્રણેય કવિશ્રી ને દિલથી અભિનંદન… જયહિન્દ….

  15. Tanu patel says:

    દેશની ગૌરવગાથા લખનાર ત્રણેય કવિશ્રી ને દિલથી અભિનંદન… જયહિન્દ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: