ગની દહીંવાલા ~ હૃદયના ભાવ

લઇને આવ્યો છું 

હૃદયના ભાવ, પાંખે કલ્પનાની લઇને આવ્યો છું 
સિતારાઓ ! સુણો કથની ધરાની લઇને આવ્યો છું

હજારો કોડ, ટૂંકી જિંદગાની લઇને આવ્યો છું
સમય થોડો અને લાંબી કહાની લઇને આવ્યો છું

સમયની પીઠ પર બેસી વિહરનારા ભલે રાચે
તમન્ના હું સમયને દોરવાની લઇને આવ્યો છું

તૃષાતુર વાટ ! તારે મારી પાછળ દોડવું પડશે
ભર્યાં છે નીર છાલામાં, એ પાની લઇને આવ્યો છું

જગત-સાગર, જીવન-નૌકા, અને તોફાન ઊર્મિનાં
નથી પરવા, હૃદય સરખો સુકાની લઇને આવ્યો છું

ઊડીને જેમ સાગર-નીર વર્ષા થઇને વરસે છે
જીવન ખારું, છતાં દ્રષ્ટિ કળાની લઇને આવ્યો છું

ગની’, ગુજરાત મારો બાગ છે, હું છું  ગઝલ-બુલબુલ
વિનયથી સજ્જ એવી પ્રેમ-બાની લઇને આવ્યો છું  

~ ‘ગની’ દહીંવાલા (17.8.1908 – 5.3.1987)

7 thoughts on “ગની દહીંવાલા ~ હૃદયના ભાવ”

  1. ગઝલનાં ઝળહળતા સિતારા એવા ગની સાહેબને વંદન. બેઉ ગઝલ સરસ છે.

  2. Parbatkumar nayi

    વાહ બન્ને ગઝલ મજાની
    ગનીચાચાને વંદન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *