KS 447 * આશા પુરોહિત ~ હું તો થઇ જાતી * Aasha Purohit

હું તો થઇ જાતી હરીભરી
હું ચાલું જ્યાં, ત્યાં મારગમાં મળી જતા મને હરિ.
જાણે મારી નસનસમાં હો હરિ નામનો નશો
એક અજબનું ઘેન ચડે ને, હોશ રહે ના કશો..
દિલ ધબકારે માળા જપતી, હરિ હરિને સ્મરી
હું તો થઇ જાતી હરીભરી
હરિ તરફ હું ખેચાતી હોઉં, એવું મને તો લાગે
લ્યો જાણે હું બંધાઈ જાતી, હરિ પ્રીતને ધાગે,
ડગલે પગલે હરિ સાચવે, ભવસાગર હું તરી
હું તો થઇ જાતી હરીભરી
~ આશા પુરોહિત
હરિને સ્મરી લે જરી ~ લતા હિરાણી * કાવ્યસેતુ 447 > દિવ્ય ભાસ્કર > 1.8.23
ગુજરાતી કવિતામાં હરિગીતોનો સુકાળ છે. પણ જેમાં ખરેખર સર્જકતાનો સ્પર્શ હોય એવા કાવ્યો ઓછા. ગીતની સરસ વાત એ છે કે લય મજાનો હોય એટલે જંગ જીતવાની શરૂઆત થઈ જાય. અહીંયા મુખડું જ લયથી ભરપૂર છે. ‘હું થઈ જાતી હરીભરી’. આ ‘હરીભરી’ શબ્દ બહુ મીઠો છે. કાનમાં પડતાંવેંત ભરપૂરતાનો ભાવ આપે અને હરિ સાથે સુમેળે જાય એ બીજું.
કવિ ભલે કહે, ‘હું ચાલું ત્યાં મારગમાં મળી જતા હરિ’. કોઈ ભક્તને પૂછો તો કહેશે, હરિ ક્યાં નથી ? મારગમાં શું, કણકણમાં એનો વાસ છે અને આમેય કવિકલ્પનમાં મારગ એટલે જીવનની તમામ ક્ષણો એવું પણ થાય જ. એ મારગ જીવનનો છે…. દેખાતો નથી ને આપણી અંદર સમયરૂપે પસાર થયા કરે છે. એમ હરિ સંગાથે જ છે. જ્યાં સુધી કશાની લગન ન લાગે ત્યાં સુધી એ પ્રાપ્ત કરવું અઘરું. અને અહીં વાત હરિની છે. રાત-દિવસ મન એને જપ્યા કરે, એનામાં જ લીન રહે તો કદાચ હરિની પ્રાપ્તિ થાય. આ વાત સામાન્ય છે પરંતુ પ્રાસ અને લય એમાં આનંદ ભરે છે.
બીજા અંતરામાં પણ કશું નવું નથી. વાત એ જ છે જે ઉપર કહેવાઈ છે અથવા જુગજુની છે. ફરીથી, લય અને પ્રાસ ગીતને જીવતું રાખે છે. પણ આની સામે આપણે પ્રાચીન ભજનો જોઈએ તો એ વાત સમજાય કે હરિને અરજી કરવામાં કે પ્રેમ બતાવવામાં નવું શું કહી શકાય ? આપણાં સેંકડો ભક્તોએ લગભગ આ રાગ જ ગાયો છે. ચરણોમાં દાસ થવાની કે રાત-દિન માળા જપવાની કે ચિતડું ચોરી જવાની વાત, એ જ વળી. એ ભજનોમાં એટલું કહી શકાય કે ભાવોદ્રેક, કહો કે ભાવોનો ઉછાળ એટલો તીવ્ર હોય કે શબ્દો ફરી ફરીને એ જ આવે. અને ભક્તને એનું ભાન ન હોય કેમ કે એને તો માત્ર હરિ સાથે જ નાતો. એને ક્યાં કવિતા કરવી હોય ? હૈયામાંથી જે પોકાર ઉઠ્યો એ ભગવાન સામે ધરી દીધો. એ સાંભળે તોય ભલે અને ન સાંભળે તોય ભલે. જો કે હૃદયમાંથી નીકળેલી આર્તવાણી વ્યર્થ ન જાય એ પણ સાચું છે. અને તમામ ભક્તોના ભક્તિકાવ્ય આ જ દૃષ્ટિએ જોવા પડે.
આ સંદર્ભમાં કવિ રમેશ પારેખનું હરિ કાવ્ય પણ જોઈએ
કે કાગળ હરિ લખે તો બને
અવર લખે તે એકે અક્ષર ઉકલતા નથી મને…
મોરપીંછનો જેના ઉપર પડછાયો ના પડિયો
શું વાંચુ એ કાગળમાં જે હોય શાહીનો ખડિયો ?
એ પરબીડિયું શું ખોલું જેની વાટ ન હો આંખને ?….
મીરાં કે’ પ્રભુ શ્વાસ અમારો કેવળ એક ટપાલી
નિશદિન આવે જાય લઇને થેલો ખાલી ખાલી
ચિઠ્ઠી લખતાંવેંત પહોંચશે સીધી મીરાં કને…
કે કાગળ હરિ લખે તો બને…
સરસ
રચના સરસ પણ આસ્વાદ એથીય વધારે સરસ
આભાર વિવેકભાઈ.
રચના આસ્વાદ બન્ને ખુબ સરસ
આભાર છબીલભાઈ
વાહ…
સુંદર આસ્વાદલેખને કારણે આ હરિગીત મહિમાવંત.
આભાર હરીશભાઈ.
લતાબેન ખૂબ ખૂબ આભાર. મારા આ હરિગીતનો આટલો સરસ આસ્વાદ કરાવવા બદલ આપની આભારી છું.