સુરેન ઠાકર ~ પરમ પદારથ : આસ્વાદ ~ ભાગ્યેશ જહા * Suren Thakar * Bhagyesh Jaha * સ્વર Suresh Joshi
પિંડને પરમ પદારથ જડ્યો
સુરતાના સોગઠડે રમતાં અનહદમાં જઈ ચડ્યો
અણુઅણુની આવનજાવન, તનની તાલાવેલી
લહરલહરનો સ્પંદ, શ્વાસનો રાખણહારો બેલી
અગનજાળમાં આથડતાં એ, અગમનિગમને અડ્યો
પિંડને પરમ પદારથ જડ્યો
રણઝણ રેલમછેલ પ્રહરમાં, ભવનું એ અવગુંઠન
ઝંખા જાજરમાન અસરમાં અજબગજબનું ગુંજન
રમત રચી રળિયાત, અદીઠો વિસ્તરવામાં પડ્યો
પિંડને પરમ પદારથ જડ્યો
~ સુરેન ઠાકર ‘મેહુલ’
પિંડને પરમ પદારથ જડ્યો… ~ ભાગ્યેશ જહા
કવિના શબ્દનો મહિમા કરવો છે કારણ કવિએ એના મહિમાનો શબ્દ સર્જ્યો છે. એક કવિ ગયા અઠવાડિયે એમના શબ્દો આપણને સોંપીને ચાલ્યા ગયા. એ હતા ત્યારે તો એમના શબ્દોએ સભા ડોલતી, એ ગાઈ શકતા કવિ હતા, એટલે તળ કાઠિયાવાડનો શબ્દ સહજ રીતે ગાતા. એમનું નામ સુરેન ઠાકર પણ ઉપનામ ‘મેહુલ’. ઉપનામ સરહદ ઓળંગીને મુળનામ જેટલું જ પ્રતિષ્ઠિત થયું. બલ્કે એવું કહી શકાય કે એ મેહુલને નામે વધારે ઓળખાતા હતા, કારણ મેહુલમાં વરસવાનું છુપાયેલું હતું અને આ કવિ વરસતા કવિ હતા. સંચાલનના બાદશાહ પણ ભારોભાર સર્જકતા અને ચિત્ર-સમોવડી-યાદશક્તિ [ફોટોગ્રાફિક મેમરી]. જે બોલે તે કડકડાટ બોલે, અને એમનો શબ્દ સીધો જ ભાવકની ભાવકભૂમિમાં ઝીલાઈ જતો. ધારદાર બોલે, જે પંક્તિ પર ભાર આપવા ઇચ્છતા હોય એનો અણસાર ભાવકોને આવે એવું જાદુભર્યું એમનું કનેક્શન..
આછી દાઢી, ગોરો વાન, આંખો ભાવુક, હુંફ ચિક્કાર એવા મેહુલને મળીએ એટલે નેવા નીચે ઉભા હોઇએ એવું લાગે. ભીંજાવાય અને છાપરા સધિયારો એટલે કે શબ્દના છત્રનું બોલતું આશ્વાસન હોય. અનેકવાર મળવાનું થયું છે, પ્રત્યેક સમયે એમનો આવકાર સ્નેહભર્યો હોય.
સંગીતકાર સુરેશ જોશીએ સુરેનભાઇની એક સરસ રચનાનું સ્વરાંકન કર્યું છે એટલે આજે તો એનું જ અવગાહન કરવું છે. કવિ કહે છે, ‘પિણ્ડને પરમ પદારથ જડ્યો.’ આ જ કવિની મઝા છે, બધા શોધે છે, They are seekers. આદરણીય મોરારીબાપુ રમેશ પારેખ માટે કહેતા, ‘આ જણ કશુંક ભાળી ગયો છે..’ આ કવિ મેહુલને પરમ પદારથ જડી ગયો છે અને એ જ એનો જીવનોત્સવ છે. ધ્રુવપંક્તિમાં આવા આત્મવિશ્વાસથી છલકતી આત્મપ્રતીતિ આખા કાવ્યને એક અદભુત ઉઘાડ આપે છે. હવે ભાવકે મેહુલના વિશ્વમાં પ્રવેશીને આ પદારથને પામવાનો છે.
‘સુરતાના સોગઠડે રમતાં અનહદમાં જઈ ચડ્યો/અણુઅણુની આવનજાવન, તનની તાલાવેલી/ લહરલહરનો સ્પંદ, શ્વાસનો રાખણહારો બેલી/ અગનજાળમાં આથડતાં એ/ અગમનિગમને અડ્યો..’ – કવિતા અદભુત લયમાં વહે છે, આ એનું પ્રમાણ છે કે શબ્દ છેક અંદરથી આવ્યો છે. આયાસ કે પ્રયાસ હોય તો લયની શેરીમાં પકડાઇ જાય. મૂળ તો કવિને ઉપનિષદની વિદ્યા-અવિદ્યાની ચર્ચાને થોડી લૌકિક બનાવીને કહેવી છે. જ્યાં સુધી સરહદ વિશે સભાન છો ત્યાં સુધી પ્રશ્નો છે. પણ અહીં તો કવિ પહેલા જ અંતરામાં પોતે ‘તન’થી બહાર નીકળી જાય છે. તન તો ઘસારા અને અણુઓની આવનજાવનમાં વ્યસ્ત છે, શરીરની બદલાતી અવસ્થાઓમાં સાવ સાંસારિક તાલાવેલીઓમાં મગ્ન છે પણ પ્રત્યેક શ્વાસ પર પ્રવેશતો બ્રહ્મસ્પર્શ આ માયાવરણમાં રાખણહારા તરીકે ઊભો છે. એક સંત્રીના જેવી જાગૃતિ જોઈએ જ, નહીં તો પે’લી તરફ તો તાલાવેલી છે. કવિનું ગંતવ્ય એ ‘અનહદ’ છે, એટલે આ સુરતાની ગોઠડીમાં પોતે બહાર નીકળી જઈને સાક્ષીભાવે જ્યારે અગનજાળને અથડાય છે ત્યારે અનોખી જાગૃતિ લાધે છે.
સંસારની મઝાઓનું અહીં મનભાવન લયલાલિત્ય સંભળાય છે. ‘પિંડને પરમ પદારથ જડ્યો/ રણઝણ રેલમછેલ પ્રહરમાં, ભવનું એ અવગુંઠન/ ઝંખા જાજરમાન અસરમાં અજબગજબનું ગુંજન/ રમત રચી રળિયાત/ અદીઠો વિસ્તરવામાં પડ્યો.’ રેલમછેલ પણ રણઝણતી છે, એનું અવગુંઠન છે. તો બીજી તરંગઝંખા પણ જાજરમાન બની છે, આખા સંસારનું સંગીત અજબગજબનું છે. કવિને આ becomingની સાપસીડીનો ખ્યાલ છે એટલે કહે છે આ રમત બહુ સામાન્ય નથી. આ રળિયાત રમત છે, વિસ્તરવાનું વળગણ તમને છોડે એમ નથી. કવિનો અવાજ ઓલિયાનો અવાજ છે, એ રમતનો પારખનારો જાગૃતજણ છે. એટલે જાજરમાન લાગતી ઝંખનાઓની મહેલાતોથી સાવધાન છે. આ માયાને ભેદીને ગુંજનમાંથી અસ્સલ અનહદના અવાજને તારવી લેવાની જાગૃતિ આ કાવ્યની ગતિ છે.
સંસાર પ્રત્યે કોઇ અણગમો નથી, સરસ લયમાં ડોલે છે, ગુંજન પણ અજબગજબ છે પણ આ રમતમાં મારે તો એક ખેલાડીનો રૉલ માત્ર કરવાનો છે. નજર તો પે’લા અદીઠ સાથે જોડાવાની તમન્નામાં છે. વેદાંતના તત્ત્વજ્ઞાનને આવી લયબધ્ધતાથી ગાવાની એક લિજ્જત હોય છે. શબ્દો એકબીજાના સાન્નિધ્યમાં કેવી ઉંડી અસર ઉભી કરે છે, એ અજબગજબ, જાજરમાન ઝંખા, તનની તાલાવેલી, શ્વાસનો રાખણહારો, વિસ્તરવામાં પડ્યો… એ વાંચ્યા પછી ઊંડે ઊતર્યા કરે છે, ઘુંટાયા કરે છે. કવિતા એના લયના આવા વલયો ઉભા કરી શકતી હોય છે અને ત્યારે બહુ ગહન વિષય પણ જળના પ્રવાહની માફક વહ્યા કરે છે.
આમ કવિતાના માધ્યમથી આખી સાંજ તરબતર બની ગઈ. આવા કવિ આપણી વચ્ચેથી જાય ત્યારે સ્વાભાવિકતયા દુ:ખ અનુભવાય, ખાલીપો વરતાય. થનારી સભાના દ્રશ્યો દેખાય ત્યારે મન ડુમાઈ જાય, ભાષા થોડી લાચાર નજરે એક ભાવકને જોયા કરે, ઝંખ્યા કરે અને આવા કોક અજાણી દિશામાં ઉડી ગયેલા મેહુલને સ્મરવાની ઇચ્છા થઇ આવે. અમે તમને યાદ કરીશું, મૌન બનીને પણ ટહુકવાનું ના ભુલતા…
કવિ અને નિબંધકાર ભાગ્યેશ જહાની શ્રદ્ધાંજલિ : હજી ગયા વરસે જ કવિએ આપણી વચ્ચેથી વિદાય લીધી.
કવિ: શ્રી.સુરેન ઠાકર ‘મેહુલ‘ સ્વરકાર, ગાયક : સુરેશ જોશી
કાવ્ય ખુબ સરસ આસ્વાદ પણ એટલોજ ઉત્તમ
ખૂબ જ સરસ માર્મિક ગીત અને ઝા સાહેબનો આસ્વાદીક લેખ.
ઉત્તમ આસ્વાદ 👌કાવ્ય પણ ખૂબ જ સરસ