સુરેન ઠાકર ‘મેહુલ’ ~ બે ગઝલ * Suren Thakar

આંગણું પરસાળ ને ઉંબર હતાં
સ્વપ્નમાં પણ શું મજાનાં ઘર હતાં

ડેલીએ દીવાનગી ઝૂર્યા કરે
જે ગયાં પગલાં ઘણાં સુંદર હતાં.

એમના કર્મોથી એ નશ્વર થયા
કર્મ જો કે મૂળ તો ઈશ્વર હતાં.

ગામને પાદર ભરેલી ભવ્યતા
ગામ વચ્ચે કેટલાં પાદર હતાં.

એને આથમણી હવા ભરખી ગઈ
આયનામાં સંસ્કૃતિના સ્તર હતાં.

એ પછીથી મોરનાં પીંછાં થયાં
ભીષ્મની શૈયાનાં એ તો શર હતાં.

~ સુરેન ઠાકર ‘મેહુલ’ 

એક રણમાંથી વહ્યાનું દુઃખ છે,
લાગણી રઝળી પડ્યાનું દુઃખ છે.

હાડ હેમાળે ગળ્યાનું દુઃખ નથી,
પણ તમે ના પીગળ્યાનું દુઃખ છે.

વલ્કલે ઢાંકી સતીની આબરૂ,
સભ્યતા રઝળી પડ્યાનું દુઃખ છે.

હાથ ફેલાવી લીધાં ઓવારણાં
ટાચકાને ના ફૂટ્યાનું દુઃખ છે.

બારણાએ વાત આખી સાંભળી
ટોડલા ફાટી પડ્યાનું દુઃખ છે.

રંક આશાઓ અવસ્થા વાંઝણી
બેઉને ભેગા મળ્યાનું દુઃખ છે.

સુરેન ઠાકર ‘મેહુલ’

3 Responses

  1. બન્ને કાવ્ય ખુબ ગમ્યા

  2. 'સાજ' મેવાડા says:

    વાહ, ‘દુ:ખ. છે’ રદિફ વાળી ગઝલ ખૂબ જ સરસ, ગમી.

  3. Minal Oza says:

    કાવ્યમાં અભિવ્યક્તિની નવી શૈલી દેખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: