‘મેહુલ’ તો વિસ્તર્યો છે – ઉદયન ઠક્કર * Suren Thakar * Udayan Thakkar

સુરેન ઠાકર ‘મેહુલ’ ગયા. સિત્તેરના દાયકામાં મરીઝ, બેફામ, સૈફ, શૂન્ય જેવા પીઢ શાયરો સાથે યુવાન વયના મેહુલ મુશાયરાઓમાં ભાગ લેતા, મીઠા તરન્નુમમાં ગઝલની રજૂઆત કરી લોકચાહના મેળવતા. મેહુલ લોકસાહિત્યના અને મેઘાણીના સાહિત્યના મરમી હતા. તેમના ચુનંદા શેરની લહાણી કરીએ.

વાસંતી વાયરામાં, પંખીના ડાયરામાં
કલરવને વેરતો હું,જો ધોધમાર નીકળ્યો

‘મેહુલ’ ગઝલ લખીને એવું અનુભવું છું
જાણે અમીનો મીઠો એક ઓડકાર નીકળ્યો

ગઢવી અને ચારણ વચ્ચે બેસવાની મેહુલને ફાવટ, એટલે ‘ડાયરો’ શબ્દ અહીં સહજતાથી ગોઠવાઈ ગયો છે. સર્જકને તૃપ્તિ થાય તો જ ભાવકને તૃપ્તિ થાય, માટે ‘અમીનો ઓડકાર.’

તું જ વરસે છે  અવિરત એટલે
પી લીધું બેત્રણ ગણું વરસાદમાં

આજ તો ‘મેહુલ’ પલળીએ પ્રેમથી
ઊઘડ્યું છે બારણું વરસાદમાં

‘પી લીધું’ના બે-ત્રણ અર્થ સુજ્ઞ વાચકના ચિત્તમાં ઊઘડે. કેટકેટલું અંતર કાપીને ફોરું આવે છે. શાયર બારણું વાસીને તેને નકારતા નથી પણ ઉઘાડીને સત્કારે છે.

ઓ પ્રવાસી! આવી એકલતા કદી સાલી નથી
હું દીવાલે લીંટીઓ દોરી, નિસાસાઓ ગણું

આજ લાગે છે કે થોડી હૂંફ હોવી જોઈએ
ચાલ ‘મેહુલ’ ઘર જલાવીને કરીએ તાપણું

નિસાસા એટલા બધા છે કે મૌખિક હિસાબ ન રાખી શકાય. કેદી પાસે નોટબુક ન હોય,દીવાલે લખવું પડે. ઘરની દીવાલથી કેદની દીવાલનું સૂચન થાય છે. સ્વજન પ્રવાસમાં છે,ઘર મૂકી જતા રહ્યા છે.પાછળ રહી ગયા છે કવિ, એકલકોટડીમાં.

‘મેહુલ’ જતાં જતાં પડકાર ફેંકતા ગયા છેઃ

‘મેહુલ’ તો વિસ્તર્યો છે ધરાથી ગગન સુધી
ઓઢાડશો એને આ કફન ક્યાંથી ક્યાં સુધી?

~ ઉદયન ઠક્કર

OP 28.7.2022

સાજ મેવાડા

23-08-2022

સરસ લેખ, કવિ શ્રી ‘મેહુલ’ ને સમૃતિ વંદન.

છબીલભાઈ ત્રિવેદી

28-07-2022

સરસ મજાની માહિતી સભર વાત કવિ ઉદયન ઠકકરે કરીછે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

3 Responses

  1. Vahida Driver says:

    Wah

  2. ખુબ સરસ માહિતી

  3. ઉમેશ જોષી says:

    સ્મરણ વંદના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: