હિતેન આનંદપરા ~ વરસાદમાં KS 443 : Hiten Anandpara * Lata Hirani  

વીજ, વાદળ, વાયરો ઘેરી વળે વરસાદમાં
છોકરી જેવી ધરાને બથ ભરે વરસાદમાં.

પ્રિયજન સાથે અબોલા આ ઋતુમાં ક્યાં સુધી?
રીસ સાથે બે જણાંયે ઓગળે વરસાદમાં.

કામ પર જાવાનું મન થાતું નથી તો નહીં જઉં
બહુ જ થોડાં જણને આવું પરવડે વરસાદમાં.

આમ તો એ આવડત, ને આમ શ્રદ્ધાનો વિષય,
એક કાગળની બની હોડી તરે વરસાદમાં.

સાવ રોજિંદા જીવનમાં શુષ્ક થઈને જીવતો
આપણી અંદરનો માણસ ખળભળે વરસાદમાં.

મોર જેવી માનવી પાસે પ્રતીક્ષા પણ નથી
એટલે એની ‘કળા’ જોયા કરે વરસાદમાં.

ઘર પછીતે યાદની વાછટ છવાતી જાય છે
ટેરવાં પર સ્પર્શ જૂનો તરફડે વરસાદમાં.

~ હિતેન આનંદપરા

મોસમ મનભાવન ~ લતા હિરાણી

વરસાદ આંખમાં ભેજ આંજવાનું કામ કરે છે. ઉનાળાના તાપે રોમેરોમને સૂકવી નાખ્યા હોય ત્યારે વરસાદી વાછટ પ્રેમથી પરમ સુધીનો આહલાદ જગાવે છે. ધરતીની ધૂળની ધૂન કાન માંડીને સાંભળો તો અવતરતા આકાશી તત્ત્વના અહેસાનથી મન મઘમઘી ઊઠે.

આકાશ જ્યારે છોકરી જેવી ધરતીને બથ ભરવા ચાહે ત્યારે એ વરસાદ સ્વરૂપે પ્રગટે….  પ્રેમીઓ માટે આ મનભાવન ઋતુ. વિરહીજનો માટે વ્યાકુળતાનો સાદ, વરસાદ. અબોલા વાણીના હોય તોય આ ઋતુમાં મૌન અને ભરચક મિલન સિવાય બીજું કશું જ વિચારી ન શકાય. પ્રિયનો સ્પર્શ થાય અને રીસનું રસમાં રૂપાંતર થાય, મનની ધરા ધોધમાર ભીંજાવા ચાહે એ આ મોસમનો કમાલ.  

બાયોડેટાની બધી ડિગ્રીઓ ને સિદ્ધિઓ ફગાવતા આવડે એવી સંવેદનશીલ વ્યક્તિ વરસાદને વ્હાલથી માણે. રિમઝીમ વરસતી ધારામાં ઓફિસના શુષ્ક ટેબલ આંખથી ઓઝલ જ સારા…. પણ વ્યવહાર જગત એ જુદી બાબત છે… અને આવું કરી શકવાની સાહ્યબી સૌને સુલભ નથી. ઝરમર માણવાનું પરવડતું હોય એવા ખુશનસીબ થોડા જ…..

વરસાદ અને કાગળની હોડીની કથા…  આજના બાળકને ક્યાંથી સમજાય, વરસાદી પાણીમાં કાગળની હોડી તરાવવાનો રોમાંચ !  પ્રેમ, રોમાન્સ, વિરહ કે બાળક જેવું મન, આ વૈભવ બધાની પાસે નથી હોતો. એણે કોરી આંખે ને કોરા મને વરસાદની કળા જોવી પડે છે. પણ આ સમૃદ્ધિ પામનારના ટેરવાં તરફડી ઊઠે છે…. પાંપણની ભીનાશ હૈયાને વગર વાદળે વરસાદનો ભેજદાર વૈભવ આપી શકે છે.

‘કાવ્યસેતુ’ 443 > દિવ્ય ભાસ્કર > 4.7.2023

9 Responses

 1. ઉમેશ જોષી says:

  વાહ સરસ ગઝલ,
  સરસ આસ્વાદ…
  અભિનંદન.

 2. વાહ સરસ મજાની રચના અને અેટલોજ સરસ માણવા લાયક આસ્વાદ અભિનંદન

 3. ઉમેશ ઉપાધ્યાય says:

  Very nice 👌🏽👌🏽👌🏽

 4. Minal Oza says:

  રચના ને આસ્વાદ બંને સરસ છે.અભિનંદન.

 5. 'સાજ' મેવાડા says:

  ળખૂબ મજાની વરસાદી ગઝલ.

 6. 'સાજ' મેવાડા says:

  ખૂબ મજાની વરસાદી ગઝલ.

 7. Tanu patel says:

  સરસ વરસાદી ગઝલ અને ભીનેરો આસ્વાદ…

 8. Kavyavishva says:

  આભાર શ્રી તનુ પટેલ, મેવાડાજી, મીનલબેન, ઉમેશ ઉપાધ્યાય, ઉમેશ જોશી અને છબીલભાઈ

 9. સરસ મજાની રચના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: