સૌમ્ય જોશી ~ શબરી * Saumya Joshi

શબરી

(રામ એકવાર મળી ગયા એ પછીની પ્રતીક્ષાની ગઝલ)

અડગ ઊભી છે અણસારે, ભણકારે શબરી
પર્ણ, પવન બન્ને છે, ક્યાંથી હારે શબરી ?

સાચે તો વનવાસ થવાનો ત્યારે પૂરો
વાટ – નીરખવું છોડી દેશે જ્યારે શબરી

મારગ ઉપર ઝાડી ઝાંખર ઊગી ગયાં છે
બધું જુએ ને તોય કશું ના ધારે શબરી

દૂર દૂર લગ ‘રામ નથી’નું દરદ રહ્યું નઈ
વૃદ્ધ આંખની ઝાંખપનાં આભારે શબરી

રામ એકદા પાછો જઈ તું ચખજે એ પણ
બોર જેટલાં આંસુડાંઓ સારે શબરી

તેં ઘેલીએ શું ખવરાયું રામ જ જાણે
એ દિવસે તો બધુંય મીઠું તારે શબરી

કલ્પવૃક્ષની પાસે પણ એ બોર જ માંગે
સ્વર્ગ મળે તો ત્યાંય ઊભી’રે દ્વારે શબરી

~ સૌમ્ય જોશી

2 Responses

  1. વાહ ખુબ સરસ રચના શબરી ની પ્રતિક્ષા અદભુત હતી કવિ શ્રી ને અભિનંદન

  2. 'સાજ' મેવાડા says:

    ભક્તિની ચરમ સીમા રુપ શબરીને બખૂબી વણી લીઘી છે આ ગઝલમાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: