ગીતમાં આધુનિકતા ભાગ 4 ~ વિનોદ જોશી * Vinod Joshi * Geet

ગીતમાં સહજતાનો સીધો પડઘો હોય છે. જીવન જ અસહજ હોય, ઊર્મિબધિર હોય તો ગીત ક્યાંથી નીપજે? ગીતકવિઓ મુખ્યત્વે પ્રેમને જ ગીતનો વિષય કેમ બનાવે છે તેવો પ્રશ્ન ઘણાને થતો હોય છે. તેનો ઉત્તર એ છે કે પ્રેમના અનુભવમાં સર્વસામાન્યતા રહેલી છે. શોર્ય કે વિસ્મય બધાંને ન અનુભવાય તેવું બને. પણ પ્રેમને મનુષ્યના જૈવિક ધર્મો સાથે પણ કશીક લેવાદેવા છે. તેથી પ્રેમની ઊર્મિની પ્રબળતાનો સંભવ લગભગ દરેક સર્જક કે ભાવકમાં જોઈ શકાય. પણ ગીતમાં પ્રેમ સિવાયની ઊર્મિઓ પણ હોઈ શકે તેય માનવું જોઈએ. બીજું, એ પણ જોવાનું રહે કે ઊર્મિનો અનુભવ એકધારો કે દીર્ઘજીવી હોતો નથી. આ કારણે ગીત પણ પ્રસ્તારી કે દીર્ઘસૂત્રી ન હોય. ખરું ગીત તો ઘણીવાર તેની ધ્રુવપંક્તિમાં જ હોય છે. ગીત હંમેશા ઘનીભૂત ઊર્મિઓનું એકમ હોય છે. વિસ્તરણ તેનો સ્વભાવ નથી. એ અધવચ્ચે અટકી જાય તેવું બને પણ બેવજૂદ વિસ્તારમાં ધસી ન જાય.

કવિશ્રી નિરંજન ભગતે ૧૯૫૦માં પ્રકાશિત પોતાના કાવ્યસંગ્રહ ‘કિન્નરી’ના નિવેદનમાં લખ્યું છેઃ ‘ગીત અને ગાયકીને કંઈ જ સંબંધ નથી. વળી આમાંની એક પણ કૃતિ ગાઈને ૨ચી નથી; એટલે રસિકજનો ગાયકીને નહીં પણ ગીતને, એક કાવ્યસ્વરૂપને લક્ષમાં લેશે એવી અપેક્ષા છે. ગીત એટલે જે ગાઈ શકાય અને ગાવું જ પડે તે, એ તો એક ભ્રામક અને પ્રચલિત માન્યતા છે.’ આ બન્ને વિધાનોમાં સંગીતથી અલગ એવી કાવ્યકળાની ભોંય પર ઊભા રહી કરેલાં નિરીક્ષણો સાંપડે છે.

ચંદ્રકાન્ત શેઠ જેવા સહૃદય ગીતકવિ અને સભાન વિવેચક ‘પરબ’ના જૂન, ૨૦૦૦ના અંકમાં એક લેખમાં જે વિધાન કરે છે તેનું મને પારાવાર આશ્ચર્ય છે. તેઓ લખે છેઃ ‘જેમાં ભજવવાની ક્ષમતા નહીં તે નાટક નહીં; તેમ ગવાવાની ક્ષમતા નહીં તે ગીત નહીં. વાક્યમાં જેમ વિવક્ષા તેમ ગીતમાં ગાનતત્ત્વની—ગેયતાની અપેક્ષા હોય જ. શ્રી ચંદ્રકાન્ત શેઠ અહીં નાટકનો સંદર્ભ લઇને ચાલે છે તેથી ગૂંચવણ ઊભી થાય છે. નાટકનું માધ્યમ ભાષા નથી, અભિનય છે. આ કારણે કેવળ પ્રતમાં પડી ૨હેલું નાટક નાટક બનતું નથી. જયારે ગીતનું માધ્યમ ભાષા છે, સૂર નથી. આ કારણે સૂર જેનું માધ્યમ છે તે સંગીતકળા સાથે જોડી, ગીત ગવાવું જ જોઇએ તેવું આત્યંતિક વિધાન કરવું યોગ્ય નથી. ગીત ગવાય તે તો તેનું એક વધારાનું પરિમાણ છે, તે તેની અનિવાર્યતા નથી. ગીતે ભાષામાં સિદ્ધ થવાનું હોય છે, સૂરમાં નહીં.

આધુનિક સમયગાળાના સાહિત્યમાં ગીતસ્વરૂપ સાથે ઘણી છૂટ લેવાઈ છે. ખાસ કરીને ગીતની ભાષાની સહજતાનો પરિહાર કરવાનું વલણ પ્રતિષ્ઠિત ગીતકવિઓમાં પણ જોવા મળે છે. પ્રયોગને નામે એક સ્થિર એવા કાવ્યસ્વરૂપ સાથેની આ છેડછાડથી કદાચ કવિતાનાં નવાં રૂપ નીપજતાં હશે પણ ગીતની સ્વરૂપશુદ્ધિ ઘટે છે તે જોવાતું નથી. કવિતાસાહિત્યનો વિકાસ અનિરુદ્ધ હોવો જોઈએ તે વાત સાથે સંમત થઈને પણ એટલું તો પૂછવું જ પડે કે એકવાર જેને ગીત તરીકે જે લક્ષણોથી ઓળખાવવાનું આપણે મુનાસિબ ગણ્યું હોય એને ફરી કોઈ બીજા તબક્કે બીજા લક્ષણોથી પણ ગીત તરીકે જ ઓળખાવીએ ત્યારે અગાઉની ગીતરચનાઓને સ્વરૂપના કયા ખાનામાં મૂકશું? સ્વરૂપ અંગેની વિચારણા હંમેશા સ્થાયી હોવી જોઈએ. એમ ન હોય તો કોઈ એક કાળે થયેલા સર્જનને સ્વરૂપના સંદર્ભમાં અન્યાય થઈ બેસે. આ દૃષ્ટિકોણથી વિચારતાં ગીતસ્વરૂપની લાગતી અનેક રચનાઓ વાસ્તવમાં ગીતરચનાઓ નથી તે સમજાશે. તેનું લયાત્મક પાઠ્યકવિતા તરીકે મૂલ્ય હોવા છતાં તેમાં ઊર્મિતત્ત્વ, ભાષા અને લયની ગીતમાં સંસિદ્ધ થવી જોઈતી ઓળખ પ્રગટતી નથી. એવી રચનાઓ ગીતરચનાઓ નથી પણ ગીતેવ’ (ગીત+વ) રચનાઓ છે. એ ગીત જેવી છે, ગીત નથી.

ગીતતત્ત્વનો સૌથી સમૃદ્ધ પરિચય લોકગીતોમાંથી મળશે. તેમાં કશો કાવ્યોપકારક ખેલ કરવાનો પુરુષાર્થ નથી છતાં તેનું ટકાઉપણું સિદ્ધ છે. તેની સર્વસ્વીકૃતિ સુવિદિત છે. તેમાંથી પ્રગટતી કાવ્યાત્મકતાને પણ કોઇ નકારી શકશે નહીં. એમ કહી શકાય કે લોક અથવા સમુદાયનું સાગમટે સમારાધન કરી શકવાની ગુંજાયેશ ગીતસ્વરૂપમાં જ છે. તેથી ગીત, જેટલું લોકોચિત તેટલું પ્રભાવક; તેટલું ચડિયાતું. કાવ્ય તો તેમાં અંતર્નિહિત છે જ તેમ સમજવાનું છે. સંદર્ભોનો તાળો મેળવવામાં કે કાવ્યપ્રયુક્તિઓ ઉકેલવામાં હિસાબી બની બેસતો ભાવક પોતાના ઊર્મિતંત્ર સાથેનો સંબંધ ગુમાવી બેસે છે. સરવાળે તેને કદાચ કાવ્યોચિત ભાષાનો સમુચ્ચય હાથમાં આવી શકે પણ ગીતોચિત ભાવાત્મકતા સાંપડતી નથી. લોકસંસ્કારો ઝીલતી ભાષા ગીતમાં વધુ સાર્થક લાગે છે તે વાત દીવા જેવી સ્પષ્ટ છે. આવું કેમ થાય છે તે હવે કોઈને પણ સમજાશે. તરલતા, ઋજુતા, સહજતા, પારદર્શીતા અને ઊર્મિપોષક સ્પંદનોનો અભાવ હોય અને ભાષાનો દુરાકૃષ્ટ પ્રપંચ હોય તેવી ગીતરચના ધ્રુવપંક્તિ અને અંતરાઓની ભાતમાં લયબદ્ધ રીતે ઊતરી હોય તો પણ તે ગીત હોતી નથી. આ ધોરણે કોઈપણ ભાષામાં શુદ્ધ ગીતોની સંખ્યા બહુ ઓછી હોય છે, મોટાભાગની ગીત કહેવાતી રચનાઓને ‘ગીતેવ’ ગણીને જ ચાલવાનું હોય છે.

આ વિચારણામાં હજી કેટલુંક કહેવાનું છૂટી જાય છે. હમણાં તો ગીતસ્વરૂપ વિશેનો આ કેટલોક પુનર્વિચાર જ ભલે પ્રગટતો. સુન્દરમના એક વિધાનથી પૂરું કરું: ‘આજની આપણા ગીતની પ્રકૃતિ આપણી સમૃદ્ધ પરમ્પરાથી ઘણી વિખૂટી પડેલી છે. એણે પોતાનું ઘડતર બનાવટી ખોરાકમાં કર્યું છે. અને એટલે એ બાળક વર્ણસંકર અને દરિદ્રી છે. એને પાછું માતાનું અસલ દૂધ આપવાની જરૂર છે. એ માટે બનાવટી દૂધના વેપારીઓની દુકાન જરૂર પડે તો બંધ કરવી જોઈએ.’ (‘સાહિત્યચિંતન’, ૧૯૭૮, પૃ.૪૨૨)

ગીતકવિઓ આ વિધાનમાંથી ધડો લેશે તેવી અપેક્ષા સાથે વિરમું.

~ વિનોદ જોશી

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાના ગુજરાતી વિભાગ અને ‘સન્નિધાન’ના સંયુક્ત ઉપક્રમે ફેકલ્ટી ઑફ આર્ટ્સમાં યોજાયેલ કાર્યશિબિરમાં તા. ૩, જાન્યુઆરી, ર૦૦૪ના રોજ કરેલું વક્તવ્ય લેખ સ્વરૂપે  

ટૂંકાવીને કુલ ચાર ભાગમાં વહેંચેલા લેખનો ચોથો ભાગ – સંપાદક

4 Responses

  1. 'સાજ' મેવાડા says:

    ગીત શબ્દમાં જ ગાયકીનો સંદર્ભ આવી જાય છે, એટલે રચના ગેય, સરળ અને સભામાં દરેક પ્રકારના ભાવક માણી શકે એવી હોવી જોઈએ, એવું મારું માનવું છે.

  2. ખુબ સરસ માહિતી અમારા જેવા ને ખુબ ઉપયોગી અભિનંદન કાવ્યવિશ્ર્વ

  3. હરીશ દાસાણી.મુંબઈ says:

    ગીત વિશે સરસ વિચારણા થઈ છે પણ અન્ય ગીતકવિઓ જો આ રીતના સર્વગ્રાહી ચિંતન આપે તો અલગ દ્રષ્ટિએ જે રજૂ થાય તેનો સમાવેશ થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: