લતા હિરાણી ~ અંદરના ઓરડે

આવ મળીએ > ‘કવિતા’ > 6-2023

અંદરના ઓરડે ઊઘડે અજવાસ અને અંધારા દૂરના દરિયે
આરપાર વહેતી આ આવન ને જાવન લઈ અઢળકના કાંઠે અવતરિયે
આવ ઝળહળના દેશમાં મળિયે…

નરવી આ ધરતી ને નરવું આકાશ, હવે નરવા તે ગાન ગણગણિયે
કલરવના ઘૂંટ પી, પાંખોના દેશમાં, થઈને આકાશ ફરફરિયે
આવ ઝળહળના દેશમાં મળિયે…

એકાંતો ઉજવતા જળની સંગાથે, લે બેસી જા ટીપાંને તળિયે
મનભાવન ભીનાશો પહેરેલી પળને તો છાતીમાં સંતાડી દઈએ
આવ ઝળહળના દેશમાં મળિયે…

દિશ-દિશના પગારવો પડઘાતા પંડમાં, હરદમ હોંકારામાં ભળિયે
પ્રગટે છે પ્રાણ અને ઊઘડે આનંદ રે, સૂરમાં સહજના સરિયે
આવ ઝળહળના દેશમાં મળિયે…

~ લતા હિરાણી

મારી વાર્તા આપ નીચેની લિન્ક પર વાંચી શકો છો. આભાર.

12 thoughts on “લતા હિરાણી ~ અંદરના ઓરડે”

  1. 'સાજ' મેવાડા

    ખૂબ જ સુંદર ગીત, આદરણીય લતાજી. અભિનંદન

  2. એક જ પંક્તિમાં ત્રણ વાર ‘નરવું ‘ શબ્દનો પ્રયોગ જુદા જુદા સંદર્ભે સરસ પ્રયોજાયો છે. લતાબહેન પાસે ગીતની વધુ રચના મળતી રહેશે એવી આશા છે.અભિનંદન.

  3. હરીશ દાસાણી.મુંબઈ

    શબ્દ જ્યોતિથી ઝળહળ આ દેશનો વિહાર આનંદદાયક.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *