સરૂપ ધ્રુવ ~ કેમ નથી બદલાતું Sarup Dhruv

કેમ નથી હચમચતું તૂટતુ કડડભૂસ ના થાતું,
જીવતર જૂનું જીરણ જુઠ્ઠું કેમ નથી બદલાતું,
હજીયે કંઈ કેમ નથી રે બદલાતું…….

કે છે નવનિર્માણ કરે છે, નવા નગર એ બાંધે,
માણસ-માણસ વચ્ચેની જે તિરાડ કોઈ ના સાંધે
જૂનાં પાયા જૂનાં નકશા, નવું શું અહીં સર્જાતું,
હજીયે કંઇ કેમ નથી રે બદલાતું…….

મારી અંદર ઉથ્થલપાથલ ચાલે કંઈક સદીથી,
કાંઠા તોડું ધમરોળી દવ શીખું કંઈક નદીથી,
હમણાં તો ગુમરાતો અંદર, તડતડ કંઈ ગુમરાતું,
હજીયે કંઇ કેમ નથી રે બદલાતું…….

એવો એ ઇતિહાસ સુણ્યો છે માણસજાત લડે છે,
ઉથલાવે છે જુલ્મની સત્તા, અગનની જાળ બને છે,
ક્રાંતિનો લલકાર ઉઠે છે, કેમ બધુ વિસરાતું,
હજીયે કંઈ કેમ નથી રે બદલાતું…….

સમાજ રહેજે ગતપતન(?) તો બધુંય બદલાવાનું,
જો કરવાનું હોય કશું તો મારે એ કરવાનું,
એવું નડતર શું છે મનને, કેમ ના તત્પર થાતું,
હજીયે કંઈ કેમ નથી રે બદલાતું…….

~ સરૂપ ધ્રુવ

~

1 Response

  1. 'સાજ' મેવાડા says:

    આક્રોશ યોગ્ય નિરુપાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: