એષા દાદાવાળા ~ હું તને * Esha Dadawala
હું તને
‘આઈ લવ યુ’ કહું છું
ત્યારે
હવામાંથી સંભળાય છે
વાયોલિન
અને
તું
‘આઈ લવ યુ’ કહે છે
ત્યારે
હું જ આખેઆખી
વાયોલિન થઈ જાઉં છું.
~ એષા દાદાવાળા
કેટલો વ્યાપક, ધૂંઆધાર શબ્દ ‘પ્રેમ’, એટલું જ અનરાધાર અને તરબતર કરી મૂકતું ‘આઈ લવ યુ’! તો સામે આ શબ્દોનો એટલો પ્રયોગ થયો છે કે એ એનો અર્થ ગુમાવી બેઠા છે એમ કહીએ તો એ જરાય ખોટું નથી! કોઈ ગંભીરતા વગર, કોઈ ઊંડાણ વગર કે સાવ સુકકું, લાગણીની ભીનાશ વગર યંત્રવત આ શબ્દો આમતેમ ફેંકાયા હશે ત્યારે ખુદ આ શબ્દોની આંખમાં આંસુ આવ્યા હોય તો નવાઈ નહીં! ખેર.. આ તો ચેટ જીપીટીના જમાનાની જનરલ વાત થઈ. પ……ણ…. ક્યાંક ‘આઈ લવ યુ’ સ્પેશ્યલ પણ હોય, બને, અને ત્યારે જાદુ થાય!
જુઓ આ જાદુ, આ કવિતામાં ‘આઈ લવ યુ’ કેવા અલગ અંદાજમાં, નવીન સૂરમાં ઝબકોળાઈને પ્રગટે છે! ભાવક આટલું વાંચતાં વાયોલીનના સૂરની જેમ રણઝણી ઊઠે એ બને જ. જે પ્રેમમાં ન પડ્યા હોય એ આ અનુભવ પામવા અધીરા બની જાય અને જે પરવારી ચૂક્યા હોય એને લાઈફ રિવાઇન્ડ કરીને નવેસરથી પ્રેમમાં પડવાનું મન થાય એવી જાનદાર કવિતા! ક્યાંક અધૂરો રહી ગયેલો અતીત આળસ મરડીને ઊભો થાય એવું પણ બને!
અહીં અરસપરસના સ્વરો છે, અહીં વન વે ટ્રાફિક નથી…… અને એટલે જ આ ત્રણ શબ્દોની સૂરાવલિથી તનમનમાં રોમાંચ વ્યાપી જાય, પેલા હિન્દી ફિલ્મી ગીત… ‘તું જો બોલે હાં તો હાં, તું જો બોલે ના તો ના’ જેવી સિચ્યુએશન સર્જાય છે. કવિ સુરેશ દલાલનું ગીત છે, ‘તમે કહો તો હા, અને જો ના કહો તો નહીં, અમે તમારે કોરે કાગળ કરી દઈએ સહી.’ જાતને વાયોલિન બની જતી અનુભવવાની ક્ષણ વિરલ છે, હૃદયમાં કોઈને માટે પ્રેમનો નાયગરા વછૂટે ત્યારે જ આવું પ્રગટે.
પ્રેમનો જાદુ જીવનમાં ક્યારેય ન અનુભવ્યો હોય એવા અભાગિયા જનો માટે આ પૃથ્વી એનો ગોળાકાર છોડીને ચોરસ બની જવા ચોક્કસ ઈચ્છે… પણ પ્રેમની વસંત માણેલાઓને કે માણવા ઇચ્છતા થનગનતા જનો માટે આવા સૂરો ક્યારેય ન આથમે……
સરસ મજાની રચના અભિનંદન
વાહ….
તું જો બોલે I love You તો હું વાયોલિન બની jayun .Aha What more!
પ્રેમમાં વાયોલીન બની જવાની વાત જ અનોખી છે. અભિનંદન. લતાબહેને ભાવવિસ્તાર પણ સરસ કર્યો છે.
આભાર મીનલબેન
થોડા શબ્દોમાં પ્રેમની ઉત્કૃષ્ઠ અભિવ્યક્તિ. વાહ!