તસલીમા નસરીન ~ પ્રેમ Taslima Nasrin Lata Hirani
પ્રેમ મને
દરવખતે
ભાંગીને ટુકડે ટુકડા કરી નાખે છે
હું હવે હું નથી
મને હવે હું ઓળખી શક્તી નથી,
મારા શરીરને નહીં, મનને નહીં
ચાલવા ફરવાને નહીં
જોવા કરવાને નહીં
કોઇક રીતે
જાણે કૈંક જુદી જ થઇ રહી છું
મિત્રોની સાથે ગપ્પાં મારતાં
જ્યારે હસવું જોઇએ
ત્યારે હું હસતી નથી
જ્યારે દુખ કરવું જોઇએ
કરતી નથી
મનને કેમેય કરતાં
પ્રેમમાંથી બહાર કાઢીને
બીજે ક્યાંય
ક્ષણ માટે પણ સ્થિર કરી શકતી નથી
આખા જગતને હવે અંધકાર આવરી રહ્યો છે
ચાંદ સૂર્યનું ઠેકાણું નથી
રાત દિવસનું ઠેકાણું નથી
મારું જીવન ગયું, જીવવાનું ગયું
બધું નકામું થઇ ગયું
હવે શત્રુઓ માટે
જો કશો અભિશાપ આપવાનો આવે
તો હું કદી કહેતી નથી
કે તને કોઢ થાય, તું મરી જા, તું મર
હવે ખુબ નિરાંતે
આમ કહીને
અભિશાપ આપી દઉં છું
તું પ્રેમમાં પડ…..
~ તસલીમા નસરીન
હાય પ્રેમ ~ લતા હિરાણી
તમે કદી પ્રેમમાં પડ્યા છો ? પ્રેમમાં પડ્યા જ નહીં, ડૂબ્યા પણ હશો તો ( કેમ કે ડૂબનારા જ તરી જાય છે.) કોઇક તો એવી પળ આવી હશે કે કવિતા જેવું કંઇક મનમાં ઊઠે… જો કે પ્રેમની આ કવિતા, અત્યંત ગંભીર છે, પણ દરેક પ્રેમીને એમાંથી ઘણા અર્થો મળશે.. પોતાનો અનુભવ એમાં ખુલતો દેખાશે..
કવિતાનું જન્મસ્થાન પ્રેમ !! એ વ્યક્તિ પ્રત્યે, વિશ્વ પ્રત્યે કે વિભુ પ્રત્યે…. પ્રેમ સાચી, ઊંડી ને અનરાધાર નિસ્બતનું નામ છે. પ્રેમ માનવીને ઓગાળી દે છે, એ જેને પ્રેમ કરે છે એમાં જ.. અઢળક આનંદ કે આઘાતથી હૃદય ફાટે પછી શબ્દોના વાદળ બંધાય ને વરસે કવિતા…. જેણે કદાચ છાતીફાટ પ્રેમ કર્યો છે, વાણીફાટ ઉચ્ચારણો કર્યા છે અને કલમફાટ કવિતાઓ લખી છે.. એટલે જ જેને પોતાના દેશમાંથી નિવાસને બદલે નિકાલ મળ્યો છે એવી બહુચર્ચિતા બાંગ્લાદેશી કવયિત્રી તસલીમા નસરીનની છે આ કવિતા.
પ્રેમમાં પીડા જ છે અને પીડામાં જ પ્રેમ…શ્વાસ અને ઉચ્છવાસની જેમ વણાયેલાં પ્રેમ અને પીડા. કવિ તુષાર શુક્લ કહે છે, ‘કહી ના શકાય અને સહી ના શકાય, એને પીડા કહું કે કહું પ્રેમ ?’ અહીં કવયિત્રીની પીડા એટલી વ્યાપક અને વલોવી નાખતી બની છે કે એ નથી તો પોતાનામાં કે નથી બહાર.. એને અસ્તિત્વ છે પણ ઓળખાણ ખોવાઇ ગઇ છે. રોજિંદી ક્રિયાઓમાં એકધારી ગતિ છે તો યે ક્યાંક સ્થિર જડાઇ જવાયું છે. હાસ્ય કે રુદનનો ફરક પણ ભુલાઇ જવાયો છે. પ્રેમ સુખ છે કે દુખ ? જે આ દુનિયામાં રહેવાય ન દે અને દુનિયામાંથી ખસવાયે ન દે, પાંખ આપે ને આંખ છિનવી લે… પળેપળ ભાંગીને ભૂક્કો કરતો પ્રેમ, તોડીને ટુકડા કરતો પ્રેમ….
રોમરોમમાં રગદોળાયેલા પ્રેમ પ્રત્યે અહીં અમુક અંશે નકારાત્મકતા છે.. પ્રેમમાં પડવા કરતાં મોત સહેલું લાગે એવો આક્રોશ.. પ્રેમમાં પડવું વરદાન છે, પણ એમાં તૂટવું એ અભિશાપ છે. અલબત્ત એ દ્વારા યે છેવટે સહી ન શકાય એવી પ્રેમની પ્રખરતા જ વ્યક્ત થઇ છે.. બાળી નાખતી, દઝાડી દેતી પ્રખરતા. એટલે જ કવિ હેમેન શાહ કહે છે, “ચાહવામાં હૂંફ છે કેવક અમુક માત્રા સુધી, એ પછી તો માત્ર આડેધડ દઝાતું હોય છે.” (અહીં ‘આડેધડ દઝાવા’ની વાત પરણેલાં જલ્દી સ્વીકારી શકે !!) કાવ્ય તત્વની રીતે આસ્વાદ્ય બાબત એ બની છે કે પ્રેમમગ્ન અને પ્રેમભગ્ન બંને પરિસ્થિતિ અહીં એક સાથે રજૂ થઇ છે. ગળાબૂડ પ્રેમ પછી ગળાભીંસ પણ અનુભવાય છે, શ્વાસ લીધા વગર જીવવું ફરજિયાત બને એવી !!
જો કે પહેલી જ પંક્તિમાં ‘દરવખતે’ શબ્દ કવયિત્રી સાથે ભાવકને ય પ્રશ્નાર્થમાં ખડો કરી દે છે.. પછી ધસમસતા પ્રવાહમાં પ્રેમની પીડા તમામ સ્તરે અને તમામ પાસાંઓમાં અનુભવાય છે.. ‘પ્રેમ શા માટે?’ એવો પ્રશ્ન સહેજે ઊઠે.. પણ પ્રેમની એ જ તો ખુબી છે ને!! ભાંગી જવાય છે, તૂટી જવાય છે, અરે ટુકડા ટુકડા થઇ જવાય છે તો યે પ્રેમ નામની ચીજ હૈયાનો પીછો છોડતી નથી. આંખને આંજવા છે રંગીન સપનાં પણ એમાં છવાય છે આંસુ… જીવવાનું ખોરવાઇ જાય છે…. પ્રલય થાય છે, તો યે પ્રેમપાશમાંથી છુટાતું નથી!! પ્રેમની આગ કેવી અજબ છે? ‘દરવખતે’ શબ્દ કંઇક આવો ભાવ નથી આપતો? તમને શું લાગે છે ? ચાલો આપણે સાથે આ કવિતાના શબ્દોને સ્પર્શ કરીએ. એને ખોલીએ. જરા આંખ બંધ કરીને એને ફીલ કરીએ. એક વિચિત્ર મુંઝવણભરી પરિસ્થિતિમાંથી પસાર થવાય છે ને ? કેમ કે અહીં હકાર છે, નકાર છે, સ્વીકાર છે, વિરોધ છે, ઓગાળતી અનુભુતિ છે, પ્રજાળતી પ્રખરતા છે… પણ છે માત્ર પ્રેમ પ્રેમ અને પ્રેમ, પ્રેમ સિવાય કશું નથી… એક કુદી પડવાનું મન થાય એવી આગ…..
દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 6 > 11 ઓક્ટોબર 2011
સરસ કાવ્ય અને આસ્વાદ પણ ખુબ માણવા લાયક અભિનંદન
કદાચ આવી મુઝવણ આજની દરેક સ્રીને પ્રેમના વરવા અનુભવ પછી થતી હશે. સાંપ્રત સમાજના સમયને જોતાં આ સત્ય લાગે છે.
કવિતા અને આસ્વાદ બન્ને અસરદાર 👍🪷😊
આભાર રેખાબા.
કવિતાનું સંકલન સરસ
આસ્વાદ સારો રહ્યો