અમર પાલનપુરી ~ છે પ્રેમનો સવાલ * Amar Palanpuri

નજીક આવ
છે પ્રેમનો સવાલ, જરા તો નજીક આવ!
ઊભી ન કર દીવાલ, જરા તો નજીક આવ!
મોટેથી કહી શકાય, નથી એવી વાત એ;
સુણવા હો દિલના હાલ, જરા તો નજીક આવ!
અંતર હંમેશા પ્રેમમાં અંતરાય થાય છે,
રાખીને એ ખયાલ, જરા તો નજીક આવ!
ટાઢક વળે છે દિલને મહોબતની આગથી;
જોવાને એ કમાલ, જરા તો નજીક આવ!
જાવું છે મારે દૂર ને ઝાઝો સમય નથી,
છોડીને સૌ ધમાલ, જરા તો નજીક આવ!
વાગી રહી છે મોતની શરણાઇઓ અમર,
જોવા જીવનનો તાલ, જરા તો નજીક આવ!
~ અમર પાલનપુરી
પ્રેમના વિષયને લઈને આટલી ગઝલો આપવા છતાં દરેક અનોખી! દરેક મનભાવન! હૃદયમાંથી પ્રગટતા ભાવોની કમાલ! અરે, મોતને પણ પ્રેમ કરવાની હદ સુધી કવિ પહોંચ્યા છે!
સરસ મજાની રચના ખુબ ગમી અભિનંદન
વાહ, સરસ ગઝલ, અનોખી પ્રેમાભિવ્યક્તિ.
‘નજીક આવ’ નું પુનરાવર્તન પ્રેમની અભિવ્યક્તિને વધુ ઘૂંટે છે. સરસ ગઝલ.