‘નસીમ’ ~ વિશ્વપથમાં વિહાર Nasim   

વિશ્વપથમાં વિહાર મારો છે;
ઊંડે જીવનગુબાર, મારો છે.

ઉપવન જિન્દગીનું રાખું છું;
ફૂલ મારું છે, ખાર મારો છે!

વાયુના પાલવે નથી ખુશ્બૂ;
ઉરનો સુરભિપ્રસાર મારો છે.

કાંઠો શોધું, નથી હું કંઈ મોજું;
વારિધિ બેકિનાર મારો છે.

રંગ નીરખું નિસર્ગના છે કે
એ નિસર્ગી વિચાર મારો છે!

રૂપ તો દિવ્ય છે બધાં રૂપે,
એક દૃષ્ટિવિકાર મારો છે.

ગીત ઇચ્છાનું કાં બજી ન શકે?
સાજ મારો છે, તાર મારો છે.

દીપકે ફૂલ જ્યાં ન જોઈ શકો;
સ્નેહીઓ, એ મજાર મારો છે!

હિમબિન્દુ નથી એ કળીઓ પર;
રાતનો અશ્રુસાર મારો છે!

તું દિયે દોષ કોઈને શાને?
જામ મારો, ખુમાર મારો છે!

ઊર્મિના રંગ શું નસીમ’ કહું?
અન્ય ઊર્મિપ્રકાર મારો છે!

~ ‘નસીમ’ હસનઅલી રહીમકરીમ નાથાણી (22.5.1908 – 18.12.1962)

કાવ્યસંગ્રહ ‘ધૂપદાન’ 1964

3 Responses

  1. વાહ ખુબ મસ્ત રચના ખુબ ગમી અભિનંદન કાવ્યવિશ્ર્વ

  2. રેખાબા સરવૈયા says:

    વાહ 👆 ઊર્મિ પ્રકાર 🪷

  3. 'સાજ' મેવાડા says:

    ટૂંકી બહરમાં સરસ રચના. કવિને સ્મૃતિ વંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: