ત્રિભુવનદાસ વ્યાસ ~ મહાસાગર Tribhuvandas Vyas

ખારા ખારા ઊસ જેવા
આછાં-આછાં તેલ,
પોણી દુનિયા ઉપર
એવાં પાણી રેલમછેલ !

આરો કે ઓવારો નહીં
પાળ કે પરથારો નહીં
સામો તો કિનારો નહીં
પથરાયા એ જળભંડાર સભર ભર્યાં

આભનાં સીમાડા પરથી,
મોટા મોટા તરંગ ઊઠી,
વાયુ વેગે આગળ થાય,
ને અથડાતા-પછડાતા જાય !

ઘોર કરીને ઘૂઘવે,
ગરજે સાગર ઘેરે રવે !
કિનારાના ખડકો સાથે,
ધિંગામસ્તી કરતો-કરતો,
ફીણથી ફૂંફાડા કરતો,
ઓરો આવે, આઘો થાય,
ને ભરતી-ઓટ કરતો જાય !

ઊંડો ઊંડો ગજબ ઊંડો !
માણસ ડૂબે, ઘોડા ડૂબે !
ઊંચા ઊંચા ઊંટ ડૂબે !
હાથી જેવાં તૂત ડૂબે !
કિલ્લાની કિનાર ડૂબે !
તાડ જેવાં ઝાડ ડૂબે !
મોટા મોટા પહાડ ડૂબે !
ગાંડો થઈને રેલે તો તો
આખી દુનિયા જળબંબોળ જળબંબોળ !

વિશાળ લાંબો પહોળો
ઊંડો એવો મોટો ગંજાવર !
એના જેવું કોઈયે ન મળે !
મહાસાગર તો મહાસાગર !

~ ત્રિભુવનદાસ વ્યાસ

કવિના જન્મદિવસે સ્મૃતિવંદના

4 Responses

  1. દિલીપ જોશી says:

    મહાસાગર કવિતા અમારે ભણવામાં આવતી.મને એનું પઠન ખૂબ ગમતું હતું. ઊછળતાં મોજાં જેવો એનો લય એટલો બધો ગમતો હતો કે હું એ વખતે આખો દિવસ આ કાવ્ય જ બોલ્યે રાખતો.આ કવિ અમારા રાજકોટના જ હતા એની તો મને વરસો પછી ખબર પડેલી.આ કવિનું એક બીજુ ગીત..મેં એક બિલાડી પાળી છે…પણ એ વખતે બહુ ગમતું..જોકે આજેય આ કાવ્યો ગમે છે.આ બાળકાવ્યોનું સ્થાન આપણા બાળ સાહિત્યમાં ધ્રુવ તારકની જેમ અચલ અને અવિરત રહેશે.મારા બાળ સાહિત્યના ગમતા કવિ ત્રિભોવન વ્યાસને શત શત વંદન. જય હો.

  2. Minal Oza says:

    આ કવિતા કોઈએ ન વાંચી હોય, ભણવામાં ન આવી હોય એવું ભાગ્યે જ કોઈ હશે. આ કવિતા એટલી બધી મન-મસ્તિષ્ક પર છવાયેલી છે કે આજેય એમની કવિતા આબાલ‌વૃદ્ધ સૌને યાદ છે.એમને વંદન.

  3. વર્ષો સુધી આ કવિતા પ્રાથમિક શાળામાં ભણાવી નાનપણ મા ભણી પણ ખુબ માણવા લાયક અભિનંદન

  4. 'સાજ' મેવાડા says:

    સીધી સાદી સરળ ભાષામાં મહાસાગરની પ્રકૃતિ વર્ણવી દીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: