આદિલ મન્સૂરી ~ આવો * Aadil Mansuri

કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો,
ઉઘાડો બારણું ને આંગણે, તડકા સુધી આવો.

જમાનો એને મૂર્છા કે મરણ માને ભલે માને,
હું બન્ને આંખ મીંચી દઉં, તમે સપનાં સુધી આવો.

તમારા નામનાં સાગરમાં ડૂબી તળિયે જઈ બેઠો,
હું પરપોટો બની ઊપસું, તમે કાંઠા સુધી આવો.

જરૂરી લાગશે તો તે પછી ચર્ચાય માંડીશું,
હું કાશી ઘાટ પર આવું, તમે કાબા સુધી આવો.

હું છેલ્લી વાર ખોબામાં ભરી લેવા કરું કોશિશ
અરે ઓ મૃગજળો આવો, હવે તરસ્યા સુધી આવો.

ગમે ત્યારે ગઝલ જીવનની પૂરી થઈ જશે ‘આદિલ’
રદીફ ને કાફિયા ઓળંગીને, મક્તા સુધી આવો.

– ‘આદિલ’ મન્સૂરી

@@

5 Responses

 1. હરીશ દાસાણી.મુંબઈ says:

  દિલમાં વસી ગયેલા આદિલની એક એક શેર પર ઓવારી જવાય એવી સબળ ગઝલ

 2. અેક અેક શેર ખુબ માણવા લાયક કવિ શ્રી ની ચેતના ને પ્રણામ ખુબ ખુબ અભિનંદન

 3. Minal Oza says:

  સાંગોપાંગ ઉતરી આવેલી સફળ ગઝલ.

 4. Kirtichandra Shah says:

  હું કાશી સુધી…..તમે kaba સુધી…વાહ રે વાહ…

 5. 'સાજ' મેવાડા says:

  “જરૂરી લાગશે તો તે પછી ચર્ચાય માંડીશું,
  હું કાશી ઘાટ પર આવું, તમે કાબા સુધી આવો.”
  ખૂબ જ સુદર શેર. ગઝલ પણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: